ક્રાઈમ કોન્ફરન્સ:ગાંજો-અફીણની હેરફેર કરનાર સામે ઝડપી કાર્યવાહી કરો : ગૃહમંત્રી

પાટણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગૃહરાજ્યમંત્રીએ અધિકારીઓ સાથે  કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરી. - Divya Bhaskar
ગૃહરાજ્યમંત્રીએ અધિકારીઓ સાથે કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરી.
  • પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ક્રાઈમ કોન્ફરન્સ

પાટણ પોલીસ અધિક્ષક ની કચેરી ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી.પોલીસ મહાનિદેશક આશિષ ભાટીયા સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ રજૂ કરેલી જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગૃહરાજ્ય મંત્રીએ જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપી હતી.

જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગૃહ રાજ્ય મંત્રીને માહિતી આપતાં જણાવ્યું કે, સરહદ સાથે જોડાયેલા પાટણ જિલ્લામાં ઈન્ટેલિજન્સ સેવાઓ સારી બને તે માટે અખંડ ભારત પોલીસ મિત્ર યોજના અંતર્ગત પોલીસ જવાન, ગ્રામ રક્ષક દળના જવાનો અને હોમગાર્ડના જવાનો કામગીરી કરી રહ્યા છે. સાથે જ પગીની મદદ અને બી.એસ.એફ. સાથે પોલીસ જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા છે.

વાહનચોરી અને ઘરફોડ ચોરીના ડિટેક્શન માટે વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ પાટણ, રાધનપુર અને સિદ્ધપુર શહેરમાં કુલ 91 સ્થળોએ 496 સીસીટીવી કેમેરા ઈન્સ્ટોલ કરાશે. હાલ 24 કલાક કાર્યરત એવા કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર પર સતત મોનિટરીંગના કારણે જિલ્લામાં ચેઈન સ્નેચિંગ, લૂંટ અને ચોરી જેવી ઘટનાઓમાં સતત ઘટાડો થયો છે. ગૃહરાજ્ય મંત્રીએ હર્ષ સંઘવીએ રજૂ કરેલી વિગતોની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપતાં જણાવ્યું કે, ગાંજો, અફિણ જેવા માદક પદાર્થોનો ઉપયોગ અને હેરફેર કરનાર સામે તપાસ હાથ ધરી ઝડપથી અટકાયત થાય તે જરૂરી છે.

ગુજસીટોક અંતર્ગત ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમને અંજામ આપતા લોકો,લેન્ડ ગ્રેબિંગ એક્ટ તેમજ ફાઈનાન્સિયલ ફ્રોડ આચરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. સાથે જ ગૌવંશની તસ્કરી અને અપહરણના ગુનાઓ ડિટેક્ટ કરી ત્વરીત અટકાયતી પગલાં લેવા. ગૃહ રાજ્યમંત્રી દ્વારા પાટણ ક્રાઈમ રિપોર્ટસ વેબ પોર્ટલનું લોન્ચિંગ કર્યું હતું.

સાથે જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા તેમજ કોરોના વાયરસ મહામારીની સ્થિતિમાં શ્રેષ્ઠતમ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓને ગૃહ રાજ્ય મંત્રીના હસ્તે પ્રશસ્તિપત્રો એનાયત કર્યા હતા. આ ક્રાઈમ કોન્ફરન્સમાં અધિક પોલીસ મહાનિદેશક નરસિમ્હા કોમાર, પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલિયા, જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી અને નાયબ પોલીસ અધિક્ષકો સહિતના પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...