અબોલા જીવોને બચાવવા પ્રયાસ:પાટણાં લમ્પી વાયરસથી પશુઓને બચાવવા તંત્ર સતર્ક, 15 હજારથી વધું પશુઓનું રસીકરણ કરાયું

પાટણ6 દિવસ પહેલા
  • રસીકરણ અને તકેદારી થકી સંક્રમણ અટકાવી અબોલ પશુઓને લમ્પી સંક્રમણથી બચાવીએ: મમતા વર્મા (પ્રભારી સચિવ)

પશુઓમાં જોવા મળતા લમ્પી વાયરસના સંક્રમણને લઈ આજે પાટણ જિલ્લા કલેકટર કચેરી ખાતે પશુપાલન તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. પ્રભારી સચિવ મમતા વર્માના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં લમ્પી વાયરસના સંક્રમણની જિલ્લામાં શું સ્થિતિ છે. તેમજ અબોલ પશુઓને લમ્પી વાયરસથી બચાવવા માટે પશુપાલન તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શું કામગીરી કરવામાં આવી રહી છે તેની તમામ માહિતી પ્રભારી સચિવએ મેળવી હતી.

બેઠક યોજાઇ
રાજ્યના પશુઓમાં લમ્પી વાયરસનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે તેને લઈને રાજ્ય સરકાર સતર્ક છે. આજે પ્રભારી સચિવ મમતા વર્માના અધ્યક્ષ સ્થાને પાટણ જિલ્લાના લમ્પી વાયરસ સંક્રમણને લઈને બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પશુપાલન વિભાગ તેમજ બનાસ ડેરી અને દૂધસાગર ડેરી દ્વારા લમ્પી વાયરસનું સંક્રમણ અટકાવવા માટે કરવામાં આવેલી કામગીરીને લઈને અહેવાલો રજૂ કરવામાં આવ્યા હતા. આ મિટિંગમાં જિલ્લાના કેટલા પશુઓને રસીકરણ કરવામાં આવ્યું છે. કેટલા ગામના પશુઓ લમ્પી વાયરસની ઝપેટમાં આવેલા છે. તેમજ સંક્રમણ ધરાવતા ગામમાં તકેદારીના ભાગરૂપે શું કામગીરી કરવામાં આવી છે તેનો વિસ્તૃત અહેવાલ પશુપાલન વિભાગ દ્વારા પ્રભારી સચિવ મમતા વર્મા સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો. લમ્પી વાયરસ મોટાભાગે ગાયમાં દેખાતો હોવાથી જિલ્લામાં રહેલા ગાયના પશુધનને સત્વરે રસીકરણ થાય તે માટેની કામગીરી વધુ ઝડપી કરવા પ્રભારી સચિવએ સૂચન કર્યું હતું.

દૂધસાગર ડેરી દ્વારા વેક્સિન ડોઝ અપાયા
પાટણ જિલ્લામાં સરકાર, બનાસ ડેરી અને દૂધસાગર ડેરી દ્વારા 29 હજારથી વધુ વેક્સિન ડોઝ પાટણ જિલ્લાને આપવામાં આવ્યા છે. જે અંતર્ગત અત્યાર સુધી 15 હજાર 623 પશુઓને રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે સરકારી પશુપાલન વિભાગ તેમજ બંને ડેરીઓના સંયુક્ત ઉપક્રમે 400 થી વધુ સ્ટાફ રસીકરણ ની કામગીરી ગામેગામ કરી રહ્યા છે.

પશુપાલન વિભાગને સુચના
લમ્પી વાયરસના સંક્રમણને અટકાવવા માટે પ્રભારી સચિવ મમતા વર્માના અધ્યક્ષ સ્થાને રસીકરણ માટે ખાસ વ્યવસ્થાનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં જે પણ ગામના પશુઓમાં શંકાસ્પદ લક્ષણો દેખાય તેની આસપાસના ગામડાઓમાં ઝડપી રસીકરણ કરવા માટેની સૂચનો કરવામાં આવ્યા હતા. જે પણ ગામમાં પશુઓને લમ્પી વાયરસના લક્ષણો દેખાય તેની આસપાસના ગામોને રીંગ આકારે કવર કરી 5થી 10 કિલોમીટરના વિસ્તારમાં આવતા પશુઓનું ઝડપી રસીકરણ થાય તે માટેની સૂચના પશુપાલન વિભાગને આપવામાં આવી હતી.

વહીવટીતંત્ર કટિબદ્ધ
લમ્પી વાયરસના સંક્રમણ મામલે પ્રભારી સચિવ મમતા વર્માએ જણાવ્યું હતું કે, પાટણની સમગ્ર ટીમ દ્વારા પશુઓમાં લમ્પી વાયરસના સંક્રમણને અટકાવવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે. જિલ્લામાં રખડતા પશુઓથી લઈ ગામેગામ પશુઓનું રસીકરણ થાય તેમજ જિલ્લાના સંબંધિત વિભાગો તેમજ ડેરી વિભાગ સંકલન કરી કામ કરી રહ્યા છે. સરકારની માર્ગદર્શિકાનો કડક અમલ થાય તે માટે જીલ્લાનું વહીવટીતંત્ર કટિબદ્ધ છે. સરકાર દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શિકાનો અમલ, ઝડપી રસીકરણ તેમજ પશુપાલકોની તકેદારી આ સંકટને ટાળવામાં મદદરૂપ થશે.

પાટણ જિલ્લાના પ્રભારી સચિવ મમતા વર્માના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર સુપ્રિતસિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ. સોલંકી, જિલ્લા પોલીસ વડા વિજય પટેલ, નિવાસી અધિક કલેકટર પ્રદીપસિંહ રાઠોડ તેમજ જિલ્લાના પશુપાલન તેમજ અન્ય સંબંધીત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...