હડતાળ મોકૂફ:ઓક્ટોબરનો પગાર આપવા કહેતાં સફાઈ કર્મીઓની આજની હડતાળ મોકૂફ

પાટણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટણના હાઈવે વિસ્તારમાં સફાઈ કરતા 40 જેટલા સફાઈ કામદારોએ સોમવારે બેઠક કરી હડતાળનું શસ્ત્ર ઊગામ્યું, પાલિકાએ તાત્કાલિક ઠરાવ કર્યો

પાટણ નગરપાલિકા દ્વારા હાઇવે વિસ્તારમાં સફાઈ કામગીરી સંભાળતા સફાઈ કામદારોને ઓક્ટોબર માસનો પગાર ન ચૂકવતાં આજે મંગળવારથી હડતાળ ઉપર જનાર ઉતરવાનું કામદારોએ સવારે નક્કી કર્યું હતું. જોકે બપોર બાદ પગારના ઠરાવ દ્વારા બે દિવસમાં પગાર કરી દેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતાં આખરે હડતાળ બંધ રખાઈ રહી હતી.

પાટણ શહેરમાં હાઇવે વિસ્તારમાં સફાઈ કામગીરી માટે ભરતી કરાયેલા 40 સફાઈ કામદારો દ્વારા નિયમિત રીતે સફાઈ કરાતી હોવા છતાં તેઓને ઓક્ટોબર માસનો પગાર નગરપાલિકા દ્વારા ચૂકવવામાં ન આવતા દિવાળીના તહેવારમાં પણ તેમના હાથ ખાલી હતા અને તહેવારની ઊજવણી કરવા ઘરમાં પગાર ના પૈસા આપી શક્યા ન હતા. દિવાળી ઉજવવા માટે ઉધાર ઉછીના પૈસા લેવા પડ્યા હતા તેથી નાછૂટકે મંગળવારથી હડતાલ કરવાની ફરજ પડી છે તેવું સફાઈ કામદારોએ જણાવ્યું હતું. જોકે સોમવારે પગાર બે દિવસમાં કરી દેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ઠરાવ ઉપર સહીઓ બાકી હતી જે કરી દેવામાં આવી છે. પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ અને ચિફ ઓફિસર પાચાભાઈ માળીએ જણાવ્યું હતું કે હડતાળ કરવા માટે રજૂઆત મળી નથી. જોકે પગાર ચૂકવવાની કાર્યવાહી થઈ ગઈ છે.અત્રે નોંધનીય છે કે સફાઈ કામદારોને લઈને નગરપાલિકા સામાન્ય સભામાં પણ ગરમાગરમીથી મુદ્દાઓ ચર્ચાયા હતા. આખરે છેલ્લા સામાન્ય સભા બોર્ડમાં 60 કામદારોની ભરતી કરવા અને હાલના સફાઇ કામદારોને તેમાં સમાવી લેવા માટે નક્કી કરવામાં આવ્યું હતું.

સફાઈ કામદારો પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને પણ મળ્યા હતા અને કોરોના સમયમાં પણ જાતની પરવા ન કરી સફાઈ કામગીરી કરી હતી તેવી તેમની વેદના ઠાલવતા આશ્વાસન આપવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે પાટણના હાઈવે વિસ્તારમાં સફાઈ કરતા કામદારોએ આજથી એટલે કે મંગળવારથી સફાઈ કામ બંધ રાખી હડતાળ પર ઉતરવાનો નિર્ણય કરતાં પાલિકા તંત્રમાં દોડધામ મચી હતી. જ્યાં પાલિકાના સત્તાધીશો દ્વારા સફાઈ કામદારોના હિતમાં તાત્કાલિક નિર્ણય લઈ ઓક્ટોબર માસનો પગાર ચુકવવા માટે ઠરાવ કરવામાં આવ્યો હતો. જ્યાં સફાઈ કામદારોને પગાર ચુકવવા માટે જણાવવામાં આવતાં આજની હડતાળ મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

દિવાળીનો તહેવાર પૈસા વગર જ ઊજવ્યો : સફાઈ કર્મી
એક સફાઈ કર્મચારીએ વેદના વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે શહેરમાં સફાઈની કામગીરી કરવા છતાં નગરપાલિકા દ્વારા ઓક્ટોબર માસનો પગાર ચુકવવામાં આવ્યો ન હતો. સરકારી નોકરી કરતા તમામ કર્મચારીઓને એડવાન્સ પગાર ઉપરાત બોનસ પણ મળ્યું હતું. જો કે અમને તો પગાર પણ ન મ‌ળતાં રૂપિયા વગર જ દિવાળીનો તહેવાર મનાવ્યો હતો. નાણાંની અછત સર્જાતાં દિવાળી ફિક્કી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...