હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા સમય મર્યાદામાં સ્નાતક અનુસ્નાતક અભ્યાસક્રમ પૂર્ણ ના કરી શકનાર વિદ્યાર્થીઓ પૂર્ણ કરી ડિગ્રી મેળવી શકે તેવા હેતુથી અભ્યાસક્રમ પૂર્ણ કરવા માટે એક તક આપવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે સ્નાતકમાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સેમ પાંચમાં નાપાસ હોય તો સમગ્ર વર્ષ બગડે નહીં માટે તેમની પણ રીપીટરની પરીક્ષા લેવા માટે આયોજન કરવામાં આવ્યું છે. આ બંને પરીક્ષાઓ આપવા માંગતા વિદ્યાર્થિઓ 24 થી 31 મે સુધી ઓફલાઈન ફોર્મ ભરી શકશે.
યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં વર્ષ 2011 થી 2016 માં સ્નાતક અભ્યાસમાં પ્રવેશ લઈ અભ્યાસક્રમ પૂર્ણ કરી શક્યા ના હોય તેમજ અનુસ્નાતક અભ્યાસમાં વર્ષ 2011 થી 2019 માં પ્રવેશ લીધા બાદ પૂર્ણ કરી શક્યા ના હોય તેવા વિદ્યાર્થીઓ જે તે સેમેસ્ટરમાં નાપાસ થયેલ હોય તેમાં પરીક્ષા આપી પાસ થઈ અધૂરો પડેલ અભ્યાસ પૂર્ણ કરીને ડિગ્રી મેળવી શકે માટે યુનિવર્સિટી દ્વારા તેમને પરીક્ષા આપવાની તક આપવામાં આવી છે. તેમાં પરીક્ષા માટે આ વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાના રહેશે. ફોર્મ ભરવાની પ્રક્રિયા 24 મે થી શરૂ કરી દેવામાં આવી છે.આગામી 31 મે સુધી વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે.જેમાં ફોર્મ ઓફલાઈન ભરીને અગાઉની તમામ માર્કશીટ સાથે ઝેરોક્ષ સાથે યુનિવર્સિટી ખાતે જમા કરાવવાની રહેશે.24 મેથી 31 મે સુધી કોઈ કારણોસર ફોર્મ ના ભરી શકાય તો 1 થી 5 જૂન સુધી 500 રું.લેટ ફી સાથે ફોર્મ ભરી શકશે.અંદાજે 20 હજાર વિદ્યાર્થીઓને આ નિર્ણયથી લાભ થશે.
અધૂરો અભ્યાસ પૂર્ણ કરી ડિગ્રી મેળવી શકે જૂનમાં પરીક્ષા, જુલાઈમાં પરિણામ આપશે : પરીક્ષા નિયામક
પરીક્ષા નિયામક મિતુલ દેલીયા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ મજબૂરી વશ અથવા કોઈ અંગત કારણોથી સમય મર્યાદામાં અભ્યાસ પૂર્ણ ના કરી શક્યા હોય તેમને પૂર્ણ કરવા માટે એક તક મળે તેવા હેતુથી નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે સ્નાતકમાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જે માત્ર પાંચમાં સેમેસ્ટરમાં નાપાસ હોય તેમને વર્ષ સુધી પરીક્ષા આપવાની રાહ ના જોવી પડે અને આજ વર્ષે પરીક્ષા આપી આગળ જઈ શકે માટે રીપીટરની પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે. 16 થી 30 જૂન દરમિયાન આ બંને પરીક્ષાઓ યોજાશે. જુલાઈ મહિનામાં પરિણામ જાહેર કરી દેવામાં આવશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.