સમસ્યા:પાટણની પ્રજાપતિ છાત્રાલયમાં છેલ્લા બાર દિવસથી ગંદુ પાણી આવતાં વિદ્યાર્થીઓને ભારે હાલાકી

પાટણ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છાત્રાલયની ભૂગર્ભ ગટર ચોક અપ બની હોવા છતાં તેની સફાઈ હાથ નહીં ધરાતા રોગ ચાળો ફાટવાનો ભય

પાટણ ડીસા હાઇવે માર્ગ ઉપર આવેલી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ સંચાલિત પ્રજાપતિ છાત્રાલયમાં છેલ્લા બાર દિવસથી ભૂગર્ભ ગટર ચોકઅપ થવાના કારણે ગંદુ પાણી છાત્રાલયમાં વહી રહ્યું છે. જેને લઇને છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. છાત્રાલય માંથી શાળા કોલેજમાં જવા માટે પણ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે અને અવરજવર કરવામાં પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

છાત્રાલયના ભોજનાલયમાં પણ આ ગંદુ પાણી ઘુસી જતા વિદ્યાર્થીઓને જમવામાં પણ તકલીફ પડે છે.અને આરોગ્ય સાથે પણ ચેડા થઇ રહ્યાં છે. હાલમાં ચાર જેટલા વિદ્યાર્થીઓને ડેન્ગ્યુના લક્ષણો જણાતા તેઓ પોતાના વતન જવા માટે મજબૂર બન્યા છે. તો કેટલાય વિદ્યાર્થીઓ આ સમસ્યાને લઈને છાત્રાલય છોડવાનો વિચાર બનાવી રહ્યા છે. આ સાથે સાથે છાત્રાલયની આગળ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે.

આ બાબતે નગરપાલિકાના સત્તાધીશોને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં આ સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી. છેલ્લા 12 દિવસથી ઉભરાતી ગટર લાઇનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે તેવી માંગ છાત્રાલયના પ્રમુખ શાંતિભાઇ પ્રજાપતી કરી છે.

અન્ય સમાચારો પણ છે...