આવેદન:સ્વચ્છ ભારત મિશન યોજનાના કર્મીઓનો 10 વર્ષથી પગાર વધારો ન કરાતા હડતાળ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પગાર વધારો કરવા ની માગણી સાથે સ્વચ્છ ભારત મિશન યોજના માં કામ કરતાં કર્મચારીઓ એ નિયામકને આવેદનપત્ર આપ્યું હતું - Divya Bhaskar
પગાર વધારો કરવા ની માગણી સાથે સ્વચ્છ ભારત મિશન યોજના માં કામ કરતાં કર્મચારીઓ એ નિયામકને આવેદનપત્ર આપ્યું હતું
  • પાટણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકને કર્મીઓએ આવેદન પાઠવ્યું
  • ગ્રામ્ય અને તાલુકા​​​​​​​ કક્ષાના 35 કર્મચારીઓ છેલ્લા 15 દિવસથી હડતાળ પર ઉતરતા શૌચાલય બાંધકામના ચુકવણા અને પ્રિમોન્સૂન કામગીરી ઠપ

પગાર વધારા સહિતની પડતર માગણીઓ નહીં સંતોષાતા પાટણ જિલ્લામાં ભારત અને ગુજરાત સરકારની સ્વચ્છ ભારત યોજના અંતર્ગત ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ કામગીરી કરતા 35 કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાલ પર ઉતરતાં બાંધકામ કરેલા શૌચાલયના ચુકવણા અને ચોમાસા અગાઉ કરવાની થતી પ્રિમોન્સૂન કામગીરી ઠપ થઈ ગઈ છે.

સરકારની સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત પાટણ જિલ્લામાં ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ આઉટસોર્સિંગ અને કરાર આધારિત 35 કર્મચારીઓ ફરજ બજાવે છે મોંઘવારીના સમયમાં માત્ર 5થી 7 હજાર પગારમાં કર્મચારીઓને પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. દૈનિક ધોરણે ફિલ્ડવર્ક કરતા આ યોજના હેઠળ કામ કરતા કર્મચારીના ક્લસ્ટર કોર્ડીનેટર અને બ્લોક કોઓર્ડીનેટરને માત્ર રૂ.5થી 7 હજાર પગાર અપાય છે.જે લઘુતમ પગાર ધોરણ કરતાં પણ ઓછો છે તેમજ ઇજનેરોને માત્ર રૂ.13,000 જેટલો પગાર અપાય છે.

છેલ્લા 10 વર્ષથી કર્મચારીઓના પગારમાં કોઈ વધારો કરાયો નથી જેને પગલે કર્મચારીઓમાં સરકાર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે.કર્મચારીઓની પગાર સહિતની પડતર માગણીઓ ન ઉકેલાતા છેલ્લા 15 દિવસથી 35 કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ચાલી રહેલી કામગીરી ઠપ થઈ ગઈ છે.

જેમાં શૌચાલય વિહોણા લાભાર્થીઓને બાંધકામ કરેલા શૌચાલયના ચુકવણા અટકી પડ્યા છે તેમજ ચોમાસા અગાઉ કરવાની થતી પ્રીમોન્સૂન કામગીરી પર માઠી અસર પડી છે. સરકાર તાકીદે પગાર વધારો આપે તેવી કર્મચારીઓ માંગ કરી રહ્યા છે જ્યાં સુધી પડતર માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી સ્વચ્છ ભારત મિશનની કામગીરીથી અળગા રહેવા માટે કર્મચારીઓ મક્કમ બન્યા છે. ગુરુવારે કર્મચારીઓએ પાટણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે નિયામક ભરતભાઇ જોષીને આવેદન આપી પગાર વધારો કરવા માટે માગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...