ટ્રાફિક નિયમોના ભંગ કર્યા તો હવે ખેર નહીં!:પાટણ જિલ્લામાં માર્ગ સલામતી અંતર્ગત કડક કાર્યવાહી, નિયમો ભંગ કરતા 76 નાગરિકોના લાઈસન્સ સસ્પેન્ડ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શું આપ ઓવર સ્પીડ પર ગાડી ચલાવો છો? શું આપ વાહન ચલાવતા સમયે હેલ્મેટ નથી પહેરતા? શું આપ ટ્રાફિકના નિયમોનો ભંગ કરો છો? તો સાવધાન થઈ જજો! કારણ કે,પાટણ જિલ્લામાં રોડ સેફ્ટી અંતર્ગત નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરીને તેઓના લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવી રહ્યાં છે. પાટણ જિલ્લામાં માર્ગ સલામતી સમિતિ અને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા આ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. દર મહિને પાટણ જિલ્લા જેવા સદન ખાતે માર્ગ સલામતી સમિતિની બેઠક મળે છે. જેમાં રોડ સેફ્ટી અંતર્ગત માસ દરમિયાન શું કાર્યવાહી કરવામાં આવી તેની ચર્ચા કરવામાં આવે છે.

જિલ્લા કલેક્ટર સુપ્રિતસીંઘ ગુલાટીના અધ્યક્ષ સ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવે છે. બેઠકમાં વાહન ચલાવતા સમયે નિયમોનો ભંગ કરનાર નાગરિકોની સામે કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં તેઓ નિયમોનો ભંગ ન કરે અને અન્ય નાગરીકો પણ નિયમોનો ચુસ્તપણે અમલ કરે તે વિશે ધ્યાન રાખવા માટે કલેક્ટર દ્વારા અધિકારીઓને સુચન કરવામાં આવે છે.

પાટણ જિલ્લામાં માર્ગ સલામતી સમિતિ અને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા માર્ગ સલામતી અંતર્ગત અનેક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમા ખાસ કરીને એન્ફોર્સમેન્ટ ઓફ લો અંતર્ગત નિયમોનુસાર વાહન ના ચલાવતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. વર્ષ-2022ની વાત કરીએ તો ફેટલ અકસ્માત, ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ વગેરે જેવા ગુનામાં કુલ 76 ડ્રાઈવિંગ લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

1 જન્યુઆરી 2022થી 31 ડિસેમ્બર 2022 સુધી સસ્પેન્ડ થયેલા ડ્રાઈવીંગ લાઈસન્સની વાત કરીએ તો, જાન્યુઆરીમાં- 1, ફેબ્રુઆરી- 13, માર્ચ- 06, એપ્રિલ- 10, મે- 0, જૂન- 07, જુલાઈ- 12, ઓગષ્ટ- 12, સપ્ટેમ્બર- 0, ઓક્ટોબર- 0, નવેમ્બર- 22 અને ડિસેમ્બર- 05 આમ વર્ષ-2022 દરમિયાન કુલ 76 લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આવા લાઈસન્સ ધારકોને સાંભળ્યા બાદ સહાયક પ્રાદેશિક અધિકારી દ્વારા યોગ્ય કિસ્સામાં જે-તે ગુના અન્વયે ડ્રાઈવિંગ લાઈસન્સ ચોક્કસ સમયગાળા માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

આર.ટી.ઓ અધિકારી જે.જે.ચૌધરી સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે વર્ષ-2022માં ફેટલ અકસ્માત, ઓવરસ્પિડીંગ, ડ્રીંક એન્ડ ડ્રાઈવ વગેરે જેવા ગુનામાં વાહન ચાલકોના ડ્રાઈવિંગ લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આવા વાહન ચાલકોને પોતાના સ્વબચાવ માટે આધાર પુરાવાઓ રજૂ કરવાની તક પણ આપવામાં આવે છે.

વાહનચાલકોએ કેટલીક બાબતોનું ચોક્કસપણે ધ્યાન રાખીને નિયમોનો ભંગ કર્યા વગર વાહન ચલાવવું જોઈએ જેથી તેઓ આ પ્રકારની કાર્યવાહીથી બચી શકે છે. જો વાહન ચાલકો દ્વારા નિયમોનો ભંગ કરવામાં આવશે તો લાઈસન્સ સસ્પેન્ડથી લઈ લાઈસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...