નકલી ડ્રાઈવીંગ લાયસન્સનું કૌભાંડ:પાટણમાં નકલી RCબુક બાદ હવે નકલી ડ્રાઈવીંગ લાયસન્સ બનાવવાનું રાજ્યવ્યાપી કૌભાંડ ઝડપાયું

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નકલી ડ્રાઈવીંગ લાયસન્સ બનાવતી ગેંગના બે ઝડપાયા, બે ફરાર

પાટણ જિલ્લામાં થોડાક દિવાસ પહેલાં નકલી RC સ્માર્ટ બુક બનાવવાના રાજ્યવ્યાપી કૌભાંડના પર્દાફાશ બાદ વધુ એક નવું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં પાટણ જિલ્લા એલસીબી પોલીસે નકલી ડ્રાઈવીંગ લાયસન્સ બનાવવાનું કૌભાંડ પકડી પાડ્યું છે. જેમાં 4 જેટલા શખ્સોની ગેંગ દ્વારા લોકો પાસેથી રૂપિયા લઈ નકલી ડ્રાઈવીંગ લાયસન્સ બનાવી આપતા હોવાની માહિતી મળી છે. નકલી લાઇસન્સ બનાવતી 4 શખ્સોની ગેંગમાંથી એલસીબી પોલીસે 2 શખ્સોને પકડી લીધા છે અને બે શખ્સો ફરાર છે.

પાટણ જિલ્લા એલસીબી પોલીસને બાતમી મળી હતી કે, કેટલાક શખ્સો ભેગા થઈ રૂપિયા લઈને નકલી ડ્રાઈવીંગ લાયસન્સ બનાવી આપે છે. જેથી પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરતાં બે શખ્સો મળી આવ્યા હતા. જેઓને પાટણ એલસીબી ઓફિસે ખાતે લાવી તેઓની સઘન પૂછપરછ કરતાં તેઓએ કબૂલાત કરી હતી કે, અમે 4 શખ્સો ભેગા મળીને નકલી ડ્રાઈવીંગ લાયસન્સ બનાવીને તેને રૂપિયા લઈ તેનું વેચાણ કરીએ છીએ.

પોલીસે પટેલ ભાવિક રમેશભાઈ (રહે. બાલીસણા) અને ઠાકોર નરેશ ગાંડાજી (રહે. આંબલીયાસણ) વિરૂદ્ધ બાલીસણા પોલીસ મથકે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર રહેલા બે શખ્સોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

નરેશ ઠાકોરે સંબંધીઓ પાસેથી નકલી લાઇસન્સ પાછા મેળવી રજૂ કર્યા
આરોપી નરેશ ઠાકોર બાલિસણાના સુલતાન ડફેર મારફતે નકલી લાઇસન્સ બનાવતો હતો અને આ બાબતની પોલીસને જાણ થઇ ગઇ હોવાની તેને માહિતી મળતા તેણે તેના સંબંધીઓ પાસેથી નકલી લાઇસન્સ પાછા મેળવી 6 લાઇસન્સ પોલીસ સમક્ષ રજૂ કરી દીધા હતા. નકલી લાઇસન્સ બનાવવામાં આવતા હોવાનું તે જાણતો હોવાથી પોલીસે તેની ધરપકડ કરી હતી.તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

પાટણ,મહેસાણા,બનાસકાંઠા,ગાંધીનગર,સુરેન્દ્રનગર જિલ્લાના નકલી ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવ્યાનું ખૂલ્યું
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું ક બાલિસણાનો ભાવિક પટેલ અને ઉત્તર પ્રદેશનો મોન્ટુ યાદવ ડ્રાઇવિંગ કરતા હોવાથી એકબીજા સંપર્કમાં આવ્યા હતા. મોન્ટુ યાદવ નકલી લાઇસન્સ બનાવતો હતો જ્યારે ભાવિક અને સુલતાન સિંધી લોકો પાસેથી પૈસા લઈ મોન્ટુ યાદવ પાસે લાઇસન્સ બનાવરાવતા હતા. જેમાં જે લોકોની ઉંમર ઓછી હોય, અભ્યાસ ઓછો હોય કે પૂરતા ડોક્યુમેન્ટ ન હોય, આરટીઓમાં ટેસ્ટ આપવો ન પડે તે માટે નકલી લાઇસન્સ બનાવતા હતા. જેમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને ગાંધીનગર આરટીઓ કચેરીના નકલી લાઇસન્સ બનાવ્યા છે.

માસ્ટર માઇન્ડ ઉત્તર પ્રદેશનો મોન્ટુ યાદવ પકડાયા બાદ કૌભાંડ પરથી પડદો ઉચકાશે
સમગ્ર કૌભાંડનો માસ્ટર માઇન્ડ ઉત્તર પ્રદેશનો મોન્ટુ યાદવ છે બાકીના શખ્સો ભાવિક પટેલ સુલતાન સિંધી અને નરેશજી ઠાકોરની ભૂમિકા એજન્ટ જેવી છે.માસ્ટર માઇન્ડ મોન્ટુ યાદવ પકડાયા બાદ તે ક્યાં નકલી ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવતો હતો કઈ રીતે બનાવતો હતો તેની સાથે કોઈ આરટીઓ કચેરીના કર્મચારી કે એજન્ટની સંડોવણી છે કે કેમ અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ તે તમામ ચોંકાવનારી હકીકતો બહાર આવી શકે છે ત્યારે પોલીસે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...