રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત શિક્ષણના વર્તમાન માળખામાં પરિવર્તન આણીને શિક્ષણ અને છાત્રોને દેશપ્રેમી બનાવવાની દિશામાં હાથ ધરવામાં આવેલી પ્રક્રિયા અંતર્ગત બાળકોને પણ સારું અને ગુણવત્તાયુક્ત મૂલ્યનિષ્ઠ શિક્ષણ મળે તે બાબત વિચારણામાં છે. તેને અનુલક્ષીને પ્રિ-સ્કૂલ એજ્યુકેશન એટલે કે નર્સરી, બાલવાડી, આંગણવાડી કક્ષાએ 3 થી 6 વર્ષના બાળકોને કેવા પ્રકારની તાલીમ, શિક્ષણ આપીને તેમને શારીરિક માનસિક રીતે સજ્જ કરી શકાય એ માટે પ્રિ સ્કૂલ એજ્યુકેશન ફ્રેમવર્ક તૈયાર કરવા માટે રાજ્યના શિક્ષણ ક્ષેત્રના તજજ્ઞોનો રાજ્યકક્ષાનો વર્કશોપ પાટણ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે યોજવામાં આવ્યો હતો.
ડાયટ પાટણ ખાતે આયોજિત રાજ્યકક્ષાના આ વર્કશોપમાં ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી ડાયટ તેમજ આઈસીડીએસ અને અન્ય બાલ અધ્યાપન મંદિરોના તજજ્ઞો દ્વારા પ્રિ સ્કૂલ એજ્યુકેશનનું મોડેલ કેવી રીતે વધુ સારું બનાવી શકાય તેને અનુલક્ષીને સામૂહિક ચિંતન અને મંથન કરવામાં આવ્યું હતું અને બે તબક્કામાં થયેલી કામગીરીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.
આ પ્રસંગે પાટણ ડાયટના પ્રાચાર્ય ડો. પિન્કીબેન રાવલ દ્વારા રાજ્યમાંથી જૂદા જૂદા જિલ્લાઓમાંથી આવેલા સીનીયર લેક્ચરરો સમક્ષ પ્રીસ્કૂલ એજ્યુકેશન ફ્રેમવર્ક અંગેની સંક્ષિપ્ત માહિતી રજૂ કરવામાં આવી હતી અને સૌને પાટણમાં આવકારીને પાટણની ભવ્યતા અને પ્રભુતાથી માહિતગાર કરવામાં આવ્યા હતા. ડો. પિન્કીબેન રાવલે જણાવ્યું હતું કે, પ્રિ સ્કૂલ એજ્યુકેશન અંતર્ગત બાલવાડી, આંગણવાડીમાં કામ કરનાર કાર્યકર બહેનો કે જેવો ધોરણ-10 અને ધોરણ-12 પાસ હોય તેમના માટે સરકાર દ્વારા એક અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
આ અભ્યાસક્રમને કેવી રીતે વધુ સારો બનાવી શકાય અને 3 થી 6 વર્ષના બાળકોના શારીરિક અને માનસિક વિકાસ તેમના આહાર વિહાર અનેકવિધ બાબતોને આવરી લઈને તેનું સુંદર મોડેલ તૈયાર કરવા માટે રાજ્યભરમાંથી આવેલા તજજ્ઞો દ્વારા તેમના સૂચનો અને મંતવ્ય વ્યક્ત કરીને વર્કશોપમાં તેની સમીક્ષા કરવામાં આવી હતી.
આગામી દિવસોમાં જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગરની પ્રેરણા અને માર્ગદર્શન મુજબ આંગણવાડી કાર્યકર બહેનો માટે તાલીમ કોર્સ તૈયાર કરીને તે વેબપોર્ટલ પર ઓનલાઈન મુકવામાં આવશે.
પાટણ ડાયટ ખાતે આયોજિત બે દિવસીય વર્કશોપમાં પ્રિ સ્કૂલ શિક્ષણ અંગેનો અભ્યાસક્રમ ઘડી કાઢવા માટેની ચર્ચાઓ કરી તેની સમીક્ષા બેઠકમાં ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી વિવિધ ક્ષેત્રના તજજ્ઞો વ્યક્તિઓએ ભાગ લઈ સામુહિક ચિંતન કર્યું હતું.
આ વર્કશોપમાં દક્ષિણામૂર્તિ બાલ અધ્યાપન મંદિર ભાવનગરના વિપુલ વ્યાસ, ઘરશાળા બાળ અધ્યાપન મંદિર ભાવનગરના રચના પાઠક, જીસીઇઆરટી ગાંધીનગરના રીસર્ચ એસોસીએટ ડો.પરેશા ઠાકર, પોરબંદર ડાયટના લેક્ચર ડો. નારણ ગોજીયા, શભમત ગાંધીનગરના શીલા ઘોઘારી, ભુપેન શાહ, સહિત ડાયટના સિનિયર લેકચરર તેમજ આંગણવાડી શભમત સિડીપીઓ સહિત પાટણ જિલ્લાના એસઆરજી, એસઆઈ વગેરે ભાગ લઇ રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.