વૈશાખ માસ અડધો પસાર થઈ જતા ચોમાસુ દસ્તક દઇ રહ્યું છે ત્યારે પાટણ શહેરમાં પ્રિમોન્સુન કામગીરી નગરપાલિકા દ્વારા શરૂ કરી દેવામાં આવી છે ,જેમાં પ્રથમ તબક્કે વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલી સ્ટ્રોમ વોટરલાઇનની સફાઈ નગરપાલિકા બાંધકામ શાખાના કર્મચારીઓ દ્વારા બે દિવસથી શરૂ કરવામાં આવી છે જેમાં બુધવારે રેલવે ગરનાળાથી જનતા હોસ્પિટલ તરફ અને આનંદ સરોવર નાકા સુધી વરસાદી પાણીના નિકાલની લાઈન સાફ કરવામાં આવી હતી. શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે નગરપાલિકાના ગયા બોર્ડ વખતે સ્ટ્રોમ વોટર લાઈન અલગ અલગ વિસ્તારોમાં નાખવામાં આવી હતી.
આ ઉપરાંત વર્તમાન બોર્ડ દ્વારા પણ બાકીના નવા વિસ્તારોમાં આ કામગીરી ક્યાંક પુરી થઈ છે તો કયાંક ચાલુ છે ત્યારે ચોમાસુ નજીક આવતાં નગરપાલિકા બાંધકામ શાખાના આઠ જેટલા કર્મચારીઓને જૂની લાઈનોની સફાઈ કરવા માટે કામે લગાડવામાં આવ્યા છે. પાલિકા બાંધકામ શાખાના સૂત્રોના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં રેલવે ગરનાળાથી જનતા હોસ્પિટલ, આનંદ સરોવરના નાકા સુધી, કલાનગરથી નાયક નગર, સિધ્ધરાજ નગર ,સરકારી કન્યા વિદ્યાલય ,જીમખાના પાછળ, પદમનાથ ચોકડી ,ખાડિયા શ્યામા પ્રસાદ મુખર્જી પાર્ટી પ્લોટ વગેરે વિસ્તારમાં સ્ટ્રોમ વોટરલાઇન સાફ કરવામાં આવી છે.
જીમખાના પાછળ ચાર જેટલી પાણીની કુંડીઓ તૂટી ગઈ હતી તે ફરીથી બનાવીને સાફ કરી દેવામાં આવી છે. પદમનાથ ચોકડી પાસે ગરનાળામાંથી માટી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જ્યારે પારેવા સર્કલથી પિતાંબર તળાવ સુધી તેમજ ગાયત્રી મંદિરથી જીઇબી હાઈવે સહિત અન્ય વિસ્તારોમાં હવે પછી સફાઈ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.