રાજકારણ:ધારાસભ્ય ડો.કિરીટ પટેલ UPમાં આનંદીબેન અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળતાં અટકળો

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કિરીટભાઈ પટેલ વિધાનસભાની સમિતિના સભ્ય હોઈ કોંગ્રેસ પક્ષની જાણકારી હેઠળ સત્તાવાર મુલાકાતે ગયા છે : જિલ્લા કોંગ્રેસ પ્રમુખ

પાટણના કોંગ્રેસના ધારાસભ્ય ડો.કિરીટભાઈ પટેલ આજકાલ ફરીથી ચર્ચામાં છે. ગુજરાત વિધાનસભાની સમિતિ સાથે તેઓ ઉત્તર પ્રદેશની મુલાકાતે છે જેમાં શુક્રવારે મુખ્યમંત્રી આદિત્યનાથ યોગી અને રાજ્યપાલ પાટણના પૂર્વ ધારાસભ્ય આનંદીબેન પટેલ સાથે મુલાકાત કરી હતી. જેને પગલે હાર્દિક પટેલના પગલે તેઓ ભાજપ તરફ ઢળી રહ્યા હોવાની ચર્ચાઓ જાગી હતી. જોકે તેમણે ત્યાં વિધાનસભામાં સુવિધાઓ અને વિકાસ પ્રક્રિયા અંગે જાણકારી મેળવી હતી. તાજેતરમાં ગુજરાતના સ્થાપના દિવસની ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઉજવણી પાટણ ખાતે કરી હતી ત્યારે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે સર્કિટ હાઉસમાં મુલાકાત કરી હતી.

જેને પગલે રાજકીય ચર્ચાઓ જાગી હતી તેઓ ભાજપમાં જોડાય છે કે કેમ તેને લઈ જોરશોરથી અટકળો થઈ હતી. આ પછી તેઓ વિધાનસભાના અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યના વડપણ હેઠળ વિધાનસભાની સમિતિમાં ઉત્તર પ્રદેશની મુલાકાતમાં જોડાયા છે ત્યારે તેઓ ભાજપ નેતાઓની ટીમ સાથે જોવા મળતાં ફરીથી રાજકીય ચર્ચાઓ જાગી હતી. જોકે આ અટકળોનું ખંડન જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શંકરજી ઠાકોરે કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ધારાસભ્ય કિરીટભાઈ પટેલ વિધાનસભાની સમિતિના સભ્ય છે અને તે નાતે કોંગ્રેસ પક્ષની જાણકારી હેઠળ સત્તાવાર મુલાકાતે ગયેલા છે.

સરકાર અને વિધાનસભાની કામગીરી જાણી
ધારાસભ્ય કિરીટભાઈ પટેલે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું કે આ પ્રવાસ ઉત્તર પ્રદેશમાં વિધાનસભા અને વિધાન પરિષદનું ગઠન કેવી રીતે થાય છે, ધારાસભ્યોને ક્યા લાભ મળે છે, ક્યા વિશેષાધિકાર હોય છે, કમિટીઓ કેટલી હોય છે, સરકારમાં કામ કઈ રીતે થાય છે તે અંગે મુખ્યમંત્રી, વિધાનસભા અધ્યક્ષ અને રાજ્યના સચિવો સાથે બેઠક યોજાઇ હતી.આનંદીબેન પટેલની પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...