ગુજરાત સરકાર દ્વારા વ્યવસાય વેરો ભરવા પાત્ર થતાં વેપારીઓ માટે એપ્રિલ 2022થી કરવેરાના સ્લેબમાં ફેરફાર કર્યા છે જેમાં કેટલાક વેપારીઓને 5 ગણો કર ચૂકવવો પડશે. પાલિકા દ્વારા વેપારીઓને નોટિસ આપવા માટે કાર્યવાહી હાથ ધરાશે.શહેરમાં 6900 જેટલા વેપારીઓ નોંધાયેલા છે તેમ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા વ્યાપારીઓ અને વ્યવસાયકારો માટે વ્યવસાય વેરાના સ્લેબ નક્કી કર્યા છે તે મુજબ અત્યાર સુધી રૂ. 2.50 લાખથી વધુ ટર્નઓવર તેમજ રૂ.6 થી 9 હજારના પગારદાર કર્મચારી ધરાવતી વેપારી પેઢી પાસેથી વાર્ષિક રૂ.500 વ્યવસાય વેરો લેવાતો હતો.જ્યારે રૂ.5 લાખથી 10 લાખ સુધી ટર્નઓવર ધરાવતી વેપારી પેઢી પાસેથી વાર્ષિક રૂ. 1,250 વ્યવસાય વેરો વસૂલાતો હતો.
આ બંને સ્લેબમાં રૂ. 2500 વ્યવસાય વેરો અમલમાં મુકાયો છે. નગરપાલિકા વ્યવસાય વેરા શાખાના મુકેશભાઈ પટેલના જણાવ્યા મુજબ સરકાર દ્વારા રૂ. 2.50 લાખથી ઓછું ટર્નઓવર કરતા વેપારીઓ અને પેઢીઓને વ્યવસાય વેરામાંથી મુક્તિ આપી છે. સરકાર દ્વારા રૂ. 500 અને રૂ. 1,250ના સ્લેબ નાબૂદ કર્યા છે.
નગરપાલિકા વ્યવસાય વેરા વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં રૂ.6,000થી 9,000 સુધીના પગારદાર કર્મચારી ધરાવતી પેઢીમાં કર્મચારી દીઠ માસિક રૂપિયા 80 તેમજ રૂ.9 થી 12 હજારના પગારદાર કર્મચારી રૂ.150 વ્યવસાય વેરો લેવાતો હતો જે હવેથી નાબૂદ કર્યો છે. તેઓને વ્યવસાય વેરામાંથી મુક્તિ આપી છે.
જ્યારે રૂ.12 હજારથી વધુ પગાર આપતી પેઢી પાસેથી વ્યક્તિ દીઠ રૂ. 200 વ્યવસાય વેરો નક્કી કર્યો છે. પાટણ શહેરમાં 6900 જેટલા વ્યાપારીઓ નગરપાલિકામાં નોંધાયેલા છે તેઓને વ્યવસાય વેરામાં વધઘટ અને નાબૂદીની અસર થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.