પંચાયતનો પ્રોજેક્ટ અટકી પડ્યો:21 ગ્રામ પંચાયતોમાં સોલાર રૂફટોપ નાખવાનો પ્રોજેક્ટ 1 વર્ષથી અધ્ધર

પાટણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર વિધુત વિભાગ પાસે તાંત્રિક અંદાજો માગવા છતાં ન મળતા વિલંબ

વીજળી ની બચત થાય તે માટે 15 માં નાણાપંચમાંથી પાટણ જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં નવીન બનાવેલી 63 ગ્રામ પંચાયતોમાં સોલાર રૂફટોપ નાખવાનો જિલ્લા પંચાયતે નિર્ણય કર્યો હતો. પરંતુ નાણાકીય ખર્ચની જોગવાઈ કરતા ખર્ચ વધારે થતો હોવાથી બાદમાં 21 ગ્રામ પંચાયતોમાં સોલાર રૂફટોપ નાખવાનો નિર્ણય થયો છે.

આ પ્રોજેક્ટને એકાદ વર્ષ જેટલો સમય થવા છતાં હજુ સુધી એકપણ ગ્રામ પંચાયતમાં સોલાર રૂફટોપ નાખવામાં આવ્યું નથી. વારંવાર માગણી કરવા છતાં ગાંધીનગર વિધુત વિભાગની કચેરી દ્વારા તાંત્રિક અંદાજો આપવામાં આવતા ન હોવાથી પાટણ જિલ્લા પંચાયતનો પ્રોજેક્ટ અટકી પડ્યો છે.

પાટણ જિલ્લાની 63 ગ્રામ પંચાયતોમાં સોલાર રૂફટોપ નાખવાનો જિલ્લા પંચાયતે નિર્ણય કર્યો હતો. જેમાં રૂ26 લાખના ખર્ચની જોગવાઈ કરી હતી. પરંતુ ખર્ચ વધારે થતો હોવાથી 21 ગ્રામ પંચાયતમાં રૂ1.20 લાખના ખર્ચે 3 કિલો વોલ્ટનો સોલાર રૂફટોપ નાખવા માટેનું આયોજન કરાયું છે.

જેમાં 26.47 લાખ સોલાર રૂફટોપ રૂ4.76 લાખ 18 ટકા જીએસટી અને જીઇબી કનેક્શન તેમજ મીટર ચાર્જ મળી કુલ રૂ 31.85 લાખ જેટલો ખર્ચ થવાનો અંદાજ છે. પરંતુ સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવાની કામગીરી કરી શકે તેવા તાંત્રિક કર્મચારી પાટણ જિલ્લા પંચાયત પાસે નથી અને માર્ગ અને મકાન વિભાગના એસ.ઓ.આરમાં પણ સોલાર સિસ્ટમ સમાવિષ્ટ નથી ત્યારે આ કામગીરી ગાંધીનગર વિધુત વિભાગની કચેરી દ્વારા કરાવવા માટેનો પાટણ જિલ્લા પંચાયતે નિર્ણય લીધેલો છે.તેના આ તાંત્રિક અંદાજ મંગાવ્યા છે. પરંતુ હજુ સુધી મળ્યા નથી.

આ ગ્રા.પં.માં સોલાર રૂફટોપ નાખવાનું આયોજન
ખીમિયાણા, કતપુર, મેસર, વડુ, વારેડા, ચવેલી, સરદારપુરા, ચાટાવાડા, કુવારા, પીલુવાડા, જાસ્કા, નાયકા, બોલેરા, પાડલા, શબ્દલપુરા, નાયતવાડા, દેલાણા, ઝંડાલા, ઝાઝાણસર, કમાલપુર, નવાગામ

અન્ય સમાચારો પણ છે...