મતદારયાદી સુધારણા કાર્યક્રમ:પાટણમાં અત્યાર સુધીમાં 22 હજારથી વધુ લોકોએ મતદારયાદીમાં નામ નોંધણી કરાવીને મેળવ્યો પોતાનો મતાધિકાર

પાટણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં ચૂંટણી પંચ દ્વારા હાલમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેને ખુબ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત જે નાગરિકોએ હજુ સુધી મતદારયાદીમાં નામની નોંધણી નથી કરાવી તેવા નાગરિકો નામની નોંધણી કરાવી રહ્યા છે. અનેક યુવા મતદારો કે જેઓ પ્રથમવાર મત આપવા જઈ રહ્યા છે તેઓ પણ મતદારયાદીમાં નામની નોંધણી કરાવીને આગામી ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લો મતદારયાદીમાં નામની નોંધણી કારાવવાની ઝુંબેશમાં અગ્રેસર છે. અત્યાર સુધીમાં કુલ 22,309 જેટલા લોકોએ મતદારયાદીમાં નામની નોંધણી કરાવી છે. જેમાં જિલ્લાના 12,994 યુવાઓએ મતદારયાદીમાં પોતાના નામની નોંધાણી કરાવી છે. આ યુવાઓ આગામી ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.

સારો એવો પ્રતિસાદ
સરકાર દ્વારા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદારયાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ માટે ખુબ જોરશોરથી વિવિધ માધ્યમો દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. પાટણ જિલ્લાની જાગૃત જનતા દ્વારા મતદારયાદી સુધારણા કાર્યક્રમને ખુબ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે.

રવિવારે ખાસ ઝુંબેશ
ભારતીય ચૂંટણીપંચ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં જે નાગરિકોનું મતદારયાદીમાં આજદીન સુધી નામ નથી નોંધાયુ તેવા લોકો મતદારયાદીમાં નામની નોધણી કરાવી રહ્યા છે. જે લોકો પ્રથમવાર મત આપવા જઈ રહ્યા છે તેવા લોકો નામની નોંધણી કરાવીને લોકશાહીને મજબૂત બનાવી રહ્યા છે. આ મતદાર સુધારણા કાર્યક્રમમાં ચૂંટણી કાર્ડનું આધારકાર્ડની સાથે લીંકીંગ, મતદારયાદીમાંથી નામ કમી કરાવવું, તેમજ યાદીમાં કોઈ પ્રકારના સુધારા કરાવવા વગેરેનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ તા.૧૨.૦૮.૨૦૨૨ થી તા.૧૧.૦૯.૨૦૨૨ સુધી ચાલશે. જેમાં ચાર રવિવારે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

6,638 લોકોએ સુધારો કરાવ્યો
આ મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા-2022 અંતર્ગત એવા નાગરીક કે જેઓ મૃત્યુ પામ્યા હોય, અથવા હંમેશા માટે સ્થળાંતર કર્યું હોય તેવા નાગરીકોનું નામ કમી પણ કરવામાં આવી રહ્યું છે. પાટણ જિલ્લામાં અત્યારસુધીમાં 4,767 લોકોનું નામ કમી કરવામાં આવ્યુ છે. તદઉપરાંત જે લોકોને મતદારયાદીમાં પોતાનું નામ, અટક, સરનામું વગેરે કોઈપણ પ્રકારનો સુધારો કરાવવો હોય તો તે પણ હાલમાં આ ખાસ કાર્યક્રમ અંતર્ગત થઈ રહ્યુ છે. જેમાં પાટણ જિલ્લામાંથી 6,638 લોકોએ મતદારયાદીમાં સુધારો કરાવ્યો છે.

ભારતીય ચૂંટણી પંચ દ્વારા આયોજીત મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા-2022 અંતર્ગત બહોળી સંખ્યામાં નાગરીકો લાભ લઈ રહ્યા છે. પાટણ જિલ્લામાં પણ મતદારયાદી સુધારણા કાર્યક્રમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જે અંગે જિલ્લા કલેક્ટર સુપ્રીતસિંઘ ગુલાટી દ્વારા પાટણના નાગરીકોને અપીલ કરવામાં આવી છે કે, હાલમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. આગામી તા.11.09.2022 સુધી આ કાર્યક્રમ ચાલશે. ત્યારે જે લોકોએ હજુ સુધી મતદાર તરીકે નામની નોંધણી નથી કરાવી તે સત્વરે નોંધણી કરાવી પોતાનો મતાધિકાર મેળવે. લોકશાહીને મજબૂત કરવા 18 વર્ષથી ઉપરના તમામ મતદારોએ મતદાન નોંધણી કરાવવી જરૂરી છે. આગામી તા.11.09.2022 એટલે કે રવિવારે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવશે. તેથી જે લોકો હજુ પણ મતદારયાદીમાં નામની નોંધણી કરાવવામાં, સુધારો કરાવવામાં, નામ કમી કરાવવામાં કે આધારકાર્ડનું ચૂંટણીકાર્ડની સાથે લીંકીંગ કરાવવામાં બાકી રહી ગયા છે. તેઓ આ કાર્યક્રમમાં સહભાગી બની લોકશાહીને સશક્ત બનાવે.

અન્ય સમાચારો પણ છે...