રાજકારણ:સિદ્ધપુરની બેઠક પર અત્યાર સુધીમાં 5 વખત બ્રાહ્મણ, 3 વખત પટેલ,2 વખત રાજપૂત-મુસ્લિમ ચહેરા ચૂંટાયા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સતત 4 ટર્મ સુધી બ્રાહ્મણ ઉમેદવાર પાસે રહી હતી, પણ નવા સીમાંકનમાં નવોદિત સામે દિગ્ગજ હાર્યા હતા

પાટણ જિલ્લામાં દેવોના મોસાળ ગણાતા સિદ્ધપુરમાં સૌપ્રથમ ભાજપના ઉમેદવાર પૂર્વ ધારાસભ્ય બલવંતસિંહ રાજપુત જાહેર થયા છે. હવે બીજા ઉમેદવારો જાહેર થવાની પ્રતીક્ષા છે ત્યારે પાટણ જિલ્લામાં રાજ્યકક્ષાના રાજકીય ફલકમાં છવાયેલા કદાવર ચહેરાઓના કારણે આ બેઠક નોંધપાત્ર બની રહી છે. નવા ધારાસભ્ય કોણ બનશે તે આજનો પ્રશ્ન છે, ત્યારે અત્યાર સુધીમાં 5 વખત બ્રાહ્મણ અને 3 વખત પટેલ ચહેરા ચૂંટાઈ આવ્યા હતા. હાલના ભાજપના ઉમેદવાર બળવંતસિંહ રાજપુત કોંગ્રેસની ટિકિટ ઉપર 2 વખત ચૂંટાયા હતા જ્યારે નેશનલ કોંગ્રેસના વિઠ્ઠલભાઈ પટેલ 2 ટર્મ સતત ધારાસભ્ય રહ્યા હતા. મુસ્લિમ ચહેરાઓ પણ 2 વખત વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.

જિલ્લાની બેઠકોના જુના રદ કરીને નવા સીમાંકન અસ્તિત્વમાં આવ્યા પછી પરંપરાગત વોટ બેન્ક દરેક બેઠકમાં બદલાઈ હતી જેમાં ઠાકોર મતદારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતા પાછલી ચૂંટણીમાં કોંગ્રેસના નવોદિત ઉમેદવાર ચંદનજી ઠાકોર સામે ભાજપના દિગ્ગજ જયનારાયણ વ્યાસ ચૂંટણી હારી ગયા હતા. સિદ્ધપુર બેઠકમાં ભેળવવામાં આવેલા સરસ્વતી તાલુકાના ગામોના ઈવીએમ ખુલતા કોંગ્રેસના ઉમેદવાર લીડ કાપીને આગળ થઈ ગયા હતા અને 17,260 મતની લીડથી જીતી ગયા હતા.સિદ્ધપુર મતવિસ્તારમાં 1962 થી અત્યાર સુધીમાં 10 જ્ઞાતિઓના ઉમેદવારોએ તેમનું ભવિષ્ય અજમાવ્યું છે.

જેમાં 5 જ્ઞાતિઓના ઉમેદવાર વિધાનસભામાં પહોંચી શક્યા હતા. મુસ્લિમ, બ્રાહ્મણ, પટેલ, ઠાકોર, રાજપુત, ગુપ્તા, મોઢ, મકવાણા, રાઠોડ અને સોલંકી વગેરે જ્ઞાતિઓના ઉમેદવારો મેદાનમાં આવ્યા હતા. જેમાં 2 વખત મુસ્લિમ, 3 વખત પટેલ, 5 વખત બ્રાહ્મણ,2 વખત રાજપુત અને 1 વખત ઠાકોર સમાજના ઉમેદવાર વિધાનસભામાં પહોંચ્યા છે. આ બેઠક 1985થી 1998 સુધી બ્રાહ્મણ ઉમેદવારો પાસે રહી હતી. સતત ત્રણ વખત ભાજપના વિજયથી ભાજપનો ગઢ ગણાતી થઈ હતી.

જયનારાયણ વ્યાસની ભૂમિકા આ ચૂંટણીમાં કેવી રહેશે તેના તરફ સૌની મિટ
ત્રણ દસકા અગાઉ આ બેઠક પરથી ચૂંટાઈને મંત્રીમંડળમાં સ્થાન પામેલા અને નર્મદા યોજના સાકાર કરવામાં નોંધપાત્ર કામગીરી કરનાર જય નારાયણ વ્યાસે તાજેતરમાં જ ભાજપથી અસંતુષ્ટ થઈને રાજીનામું આપી દીધું છે. તેઓની ભૂમિકા આ ચૂંટણીમાં કેવી રહેશે તેના તરફ સૌની મિટ મંડાઇ છે. આ વખતે આમ આદમી પાર્ટી પણ ચૂંટણીમાં ભાગ લઈ રહી છે તેના ઉમેદવાર કોણ આવે છે અને તેઓ કેવો દેખાવ કરશે તે પણ એક પ્રશ્ન છે.

પાછલી ચૂંટણીમાં સૌથી વધુ નોટામા મત આ બેઠક પર પડ્યા હતા
નોંધણીય છે કે પાછલી ચૂંટણીમાં 3973 મત નોટામાં પડ્યા હતા. આ ઉપરાંત બે મુખ્ય ઉમેદવારો સિવાયના બાકીના 11 ઉમેદવારો 5717 મત મેળવી ગયા હતા એટલે કે 9,690 મત ભાજપ અને કોંગ્રેસના હાથમાંથી છૂટી ગયા હતા,જે આંકડો કોંગ્રેસની લીડની તુલનાએ 50% થી વધારે રહ્યો છે. જિલ્લામાં નોટા માં સૌથી વધુ મત આ બેઠક ઉપર પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...