પાટણ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પાટણ શહેર ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત સ્વચ્છ ભારત કાર્યક્રમના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા તથા મદદનીશ કલેક્ટર સચિનકુમાર સહિતના અધિકારીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું જેમાં શહેરની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ સહભાગી થઈ હતી.
શહેરના આનંદ સરોવર ખાતે જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા, સંગઠનના પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, જિલ્લા રમતગમત અધિકારી વિરેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટીક એકત્રિકરણ અને સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું. જેમાં રિલાયન્સ ફાઉન્ડેશન, રોટરી ક્લબ, લાયન્સ ક્લબ અને હિંદુ જાગરણ મંચ સહિતની સ્વૈચ્છિક સંસ્થાના હોદ્દેદારો તથા સ્વયંસેવકો દ્વારા આધુનિક સાધનોની મદદથી સફાઈ કરવામાં આવી.
જયારે સિવિલ હોસ્પિટલ કેમ્પસ સફાઈ અને બજાર વિસ્તારમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભરત જોષી દ્વારા શરૂ કરાવવામાં આવેલા સફાઈ અભિયાનમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક એકત્રિકરણમાં જાયન્ટ્સ ગૃપ તથા એક્ટીવ ગૃપ ઑફ પાટણ જેવી સંસ્થાઓ જોડાઈ હતી. મદદનીશ કલેક્ટર સચિનકુમાર દ્વારા ગુલમહોર પાર્ક ટી.બી. ત્રણ રસ્તા ખાતે સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાવવામાં આવી હતી.
જેમાં પ્રયાસ વેલ્ફેર ફાઉન્ડેશન, કિષ્ના ગૃપ ઑફ પાટણ અને જેમ્સ ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ દ્વારા સ્વચ્છ પાટણના સંકલ્પ સાથે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું. સાથે જ સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ અટકાવવાની અપીલ સાથે મદદનીશ કલેક્ટર, રામરહીમ અન્નક્ષેત્ર, ભારત વિકાસ પરિષદની સિદ્ધહેમ શાખા તથા શિવાનંદ યોગ આશ્રમના હોદ્દેદારો અને પ્રતિનિધિઓ દ્વારા પાટણ રેલવે સ્ટેશનથી ચતુર્ભુજ બાગ અને વિઠ્ઠલ ચેમ્બર સુધી કાપડની 1 હજાર બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સ્વચ્છ ભારત કાર્યક્રમના નોડલ ઑફિસર અને જિલ્લા યુવા વિકાસ અધિકારી વિરેન્દ્રભાઈ પટેલના સંકલનમાં શહેરની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના 600 જેટલા સ્વચ્છતાગ્રહીઓ દ્વારા પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં સિંગલ યુઝ પ્લાસ્ટીક વેસ્ટનું એકત્રિકરણ અને તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.