ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાટણ જિલ્લાની સિદ્ધપુર વિધાનસભા બેઠક પરના ઉમેદવાર તરીકે જાણીતા ઉધોગપતિ અને ગુજરાત રાજ્ય જીઆઈડીસીનાં પૂર્વ ચેરમેન બલવંતસિંહ રાજપૂતના નામની જાહેરાત કરી હતી. સિધ્ધપુર વિધાનસભા વિસ્તારના મતદારો સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો અને તેમના સમર્થકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચૂંટણીમાં બલવંતસિંહ રાજપૂતને જંગી બહુમતીથી વિજય બનાવવા હુંકાર કરવામાં આવ્યો છે ત્યારે સિધ્ધપુર વિધાનસભા બેઠકના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂતે આજે બહુચરના આશિર્વાદ મેળવી પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર સહિત 10 આગેવાનોની ઉપસ્થિતિમાં મામલતદાર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. સિધ્ધપુર વિધાનસભા બેઠકનાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂતે પોતાનું ઉમેદવારી પત્ર રજુ કર્યા બાદ ભાજપ કાર્યાલય ખાતે આયોજિત જંગી જાહેર સભાને સંબોધીત કરી સૌનાં આશિર્વાદ મેળવ્યા હતા.
વિજય બનાવવા આહવાન કર્યું
સભામાં ઉપસ્થિત પૂર્વ સાંસદ દિલીપ પંડ્યાએ જણાવ્યું હતું કે, જે રામનો છે એ બધાનો છે જે રામનો નથી એ કોઈનો નથી. તેમ જણાવી બલવંતસિંહ રાજપૂતને વિજય બનાવવા આહવાન કર્યું હતું.
હું જ ઉમેદવાર છું સમજી મહેનત કરવા હાકલ
આ પ્રસંગે પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે. સી. પટેલે જણાવ્યું હતું કે, સિદ્ધપુરનો વિકાસ કરવો હશે તો આ સિદ્ધપુરમાંથી કમળ ગાંધીનગર મોકલી આપવાનું છે અને હું જ ઉમેદવાર છું સમજી મહેનત કરવા દરેક આગેવાન અને કાર્યકરોને હાંકલ કરી હતી. તો અન્ય આગેવાનો દ્વારા પણ આગામી વિધાનસભાની ચૂંટણીમાં સિધ્ધપુરનું કમળ ચુંટીને ગાંધીનગર મોકલી આપવા જણાવ્યું હતું.
સૌથી વધુ લીડથી કમળ વિજેતા બને તેવો શંખનાદ કર્યો
સિદ્ધપુર વિધાનસભા બેઠકના ઉમેદવાર બળવતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, સિધ્ધપુર વિધાનસભા મત વિસ્તારના લોકોના આશિર્વાદથી ભારતીય જનતા પાર્ટી પૂનઃ મારી પર વિશ્વાસ મૂકીને ટિકિટ આપી છે. ત્યારે સૌ કાર્યકર્તાઓ આગેવાનો સિધ્ધપુર વિધાનસભાના ઉમેદવાર છો તેમ સમજી સિધ્ધપુર વિધાનસભા બેઠક પર સૌથી વધુ લીડથી કમળ વિજેતા બને તેવો શંખનાદ કર્યો હતો.
દાદાને વિજય બનાવવા પૌત્રએ અપિલ કરી
સિદ્ધપુર વિધાનસભા બેઠકના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂતની જાહેર સભા પૂર્ણ થયા બાદ કાર્યક્રમની આભાર વિધિ માટે બલવંતસિંહ રાજપૂતનાં પૌત્ર એ પોતાની કાલી ઘેલી ભાષામાં સૌનો આભાર વ્યક્ત કરી પોતાના દાદાને વિજય બનાવવા જય માતાજીનાં જય ધોષ સાથે અપીલ કરતાં સૌએ તાલીઓના ગડગડાટથી વધાવી લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.