• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Shri Ganesh Of Vaccination In 257 Schools, 65 Colleges And 12 ITIs In The District From Today, More Than 80 Thousand Adolescents Will Be Vaccinated.

કિશોરોને મળશે કોવિડ સામે સુરક્ષા:જિલ્લામાં 257 સ્કૂલ, 65 કોલેજો અને 12 આઇટીઆઈમાં વેક્સિનેશન શરૂ, વિદ્યાર્થીઓએ કહ્યું, "રસી લીધા પછી કોઈ પ્રોબ્લેમ નહિ, બીજા લોકોએ પણ લેવી જોઈએ"

પાટણ15 દિવસ પહેલા
  • 80 હજારથી વધુ કિશોરોને અપાશે કોવેક્સિન, રસી લીધા પછી ઓબ્ઝર્વેશન રૂમમાં 30 મિનિટ સુધી રખાયા
  • કાર્યમાં 1950 જેટલા કર્મચારીઓ જોડાયા, શહેરની વી.કે.ભુલા હાઈસ્કૂલ ખાતે રસીકરણ શરૂ
  • બીડી હાઈસ્કૂલ ખાતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં રસીકરણનો પ્રારંભ

પાટણ જિલ્લામાં આજે સોમવારથી 15થી 18 વર્ષના બાળકોને રસી આપવાનો પ્રારંભ કરાયો છે .જેમાં 80 હજારથી વધુ બાળકોને કોવેક્સિન રસી આપવામાં આવી રહી છે. ત્યારે આજે આરોગ્ય તંત્રની ટીમો સ્કૂલ, કોલેજમાં પહોંચી હતી. નોંધનીય છે કે પાટણ શહેરની વી.કે.ભુલા હાઈસ્કૂલ ખાતે 15થી 18 વર્ષના કિશોરોને રસી આપવાના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે. જેમાં શાળાના 344 બાળકોને રસી આપવાની શરૂઆત કરાઈ છે. નોંધનીય છે કે શહેરની બીડી હાઈસ્કૂલ ખાતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ગુજરાત ભરમાં કોરોના અને ઓમિક્રોન કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે. તેને લઈ આરોગ્ય તંત્ર દ્વારા 15થી 18 વર્ષના બાળકોને સુરક્ષિત કરવા માટે રસી આપવામાં આવી રહી છે. ત્યારે શાળામાંથી વેક્સિન લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓનું સ્થળ પર રજીસ્ટ્રેશન કરી વિદ્યાર્થીઓને રસી આપવામાં આવી હતી. તો રસી લીધા બાદ વિદ્યાર્થીઓને ઓબ્ઝર્વેશન રૂમમાં 30 મિનિટ સુધી રાખવામાં આવ્યા હતા.

ત્યાર બાદ ઘરે જવા દેવામાં આવ્યા હતા. નોંધનીય છે કે પાટણ શહેરની આદર્શ સ્કૂલમાં પણ 951 વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. જેમને વારાફરતી કોવેક્સિન આપવાનું શરૂ કરાયું હતું.

આજે સોમવારે રસી લેનારા બાળકોને બીજો ડોઝ 28 દિવસ પછી લેવાનો રહેશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા બે દિવસમાં 81 હજાર 921 બાળકોને કોવેક્સિન રસી આપવાનું આયોજન કરાયું છે. રસી લેનારા વી.કે.હાઈસ્કૂલના ધો. 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઠાકોર જયેશજી, મહેશભાઈ ભરવાડ અને સુરેશભાઈ ભરવાડે જણાવ્યું હતું કે અમે કોરોના અને ઓમિક્રોન સામે રક્ષણ મેળવવા રસી લીધી છે. અમને કોઈ પ્રોબ્લેમ થયો નથી જેથી બીજા વિદ્યાર્થીઓ પણ રસી લેવી જોઈએ. ઉપરાંત આદર્શ સ્કૂલની દેસાઈ આયુષીબેને જણાવ્યું હતું કે મેં રસી લીધી છે મને કાંઈ અસર થઈ નથી, બીજા વિદ્યાર્થીઓ પણ રસી લેવી જ જોઈએ.

વી.કે.હાઈસ્કૂલના પ્રિન્સીપાલ અશોકભાઈ પટેલે જણાવ્યું હતું કે અમારી સ્કૂલના 344 વિદ્યાર્થીઓને રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. તમામ કિશોરો રસી લેવા તૈયાર છે. શાળાની એક યુવતીએ જણાવ્યું હતું કે કોરોના અને ઓમિક્રોન સામે રક્ષણ મેળવવા રસી તો લેવી છે, પણ ઇન્જેક્શનની સોઈથી બીક લાગે છે, પરંતુ સ્કૂલમાં આપવાના છે એટલે હિંમત રાખી રસી લેવી પડશે.

બી. ડી. હાઈસ્કૂલના પ્રિન્સીપાલ બળદેવ ભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, "અભ્યાસ કરતા ધો 8થી 12ના 633 વિદ્યાર્થીઓને આરોગ્ય તંત્ર દ્વારા રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓ રસી લઈ રહ્યા છે." ઉપરાંત રસી લેનારા બી.ડી. હાઈસ્કૂલના ધો 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થી શિવમ પટેલ, ઝાલા ધ્વનિબેને જણાવ્યું હતું કે, "અમે કોરોના અને ઓમિક્રોન સામે રક્ષણ મેળવવા રસી લીધી છે. અમને કાંઈ અસર થઈ નથી, તો બીજા વિદ્યાર્થીઓએ પણ રસી લેવી જોઈએ."

આ પ્રસંગે કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ જણાવ્યું હતું કે, "અત્યારે કોરોનાની લહેર શરૂ થઈ છે ત્યારે દરેક બાળકોએ રસી લઈ સેફ બને." ઉપરાંત તેમણે બાળકોને માસ્ક પહેરી રાખવા પણ અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...