તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સન્માન:56 વર્ષ સુધી કુણઘેરની લાયબ્રેરીમાં ગ્રંથપાલની સેવા આપી શાંતિલાલ ઠક્કરે શૈક્ષણિક ક્રાંતિ સર્જી

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગ્રંથપાલ શાંતિલાલ ઠક્કર નિવૃત થતાં લાગણી સભર વિદાય અપાઈ. - Divya Bhaskar
ગ્રંથપાલ શાંતિલાલ ઠક્કર નિવૃત થતાં લાગણી સભર વિદાય અપાઈ.

જે ઘરમાં પાંચ પુસ્તકો ન હોય તે ઘરમાં દીકરી ન આપવી જોઈએ તેવા ગુણવંત શાહના આ વિચારને જીવનમાં સાર્થક કરનાર કુણઘેર ગ્રંથાલયના ગ્રંથપાલ શાંતિલાલ ઠક્કરે પુસ્તક વગરના ઘરને સ્મશાન સાથે સરખાવી કુણઘેર ગામના ઘર-ઘર સુધી પુસ્તકો પહોંચાડી સતત 56 વર્ષ સુધી ગામમા શૈક્ષણિક ક્રાંતિ માટેનું કામ કર્યું છે. કુણઘેર સ્થિત શેઠ હકમચંદ કેવળચંદ સાર્વજનિક પુસ્તકાલયના ગ્રંથપાલ તરીકે નિસ્વાર્થ સેવા આપતા શાંતિ કાકાને ગુરૂવારે કુણઘેર ગ્રામ પંચાયત દ્વારા હુંફાળું વિદાયમાન આપી સન્માનિત કર્યા હતા.

કુણઘેર ગામના સેવાભાવી અને ગામની હાઈસ્કૂલમાં કલાર્ક તરીકે સેવા આપી ચૂકેલા શાંતિલાલ ઠક્કરે પોતાના જીવનકાળના 56 વર્ષ સુધી ગ્રંથાલયમાં નિસ્વાર્થ ભાવે એક પણ રૂપિયાની સેવા લીધા વિના ગ્રંથપાલ તરીકે ફરજ નિભાવી છે. જેમના દ્વારા કુણઘેર ગામના વાચકોને પુરતું માર્ગદર્શન અને સારા પુસ્તકો વિતરણ કરી ગામના વાચકોમાં ઉચ્ચ આદર્શો અને નૈતિક મૂલ્યોનું સિંચન કર્યુ છે.

આવા ગ્રંથપાલનું કુણઘેર ગ્રામ પંચાયતના સરપંચ કાન્તીભાઈ પટેલ, કુણઘેર તાલુકા પંચાયતના ડેલીગેટ દિપસંગજી ઠાકોર, રણજીતસિંહ રાઠોડ, ગીરીશભાઈ પરમાર, બાબુભાઇ પ્રજાપતિ તેમજ લાયબ્રેરીના વાચકો દ્વારા તેમનું નિવૃત્તિ ક્ષણે સન્માન કરવામાં આવ્યું હતું. અને નવિન 17 સભ્યોની કારોબારી રચના પણ કરવામાં આવી હોવાનું શૈલેન્દ્રસિંહ સોઢાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...