દિવાળી વેકેશન પૂર્ણ:પાટણ જિલ્લામાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ, 2 લાખથી વધુ વિદ્યાર્થીઓ બીજા શૈક્ષણિક સત્રમાં જોડાશે

પાટણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેર સહિત જિલ્લામાં દિવાળીનું 21 દિવસીય વેકેશન આજે પૂર્ણ થતાં સમગ્ર શૈક્ષણિક સંકુલો વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠ્યા હતા. તો જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આજથી બીજા સત્રના શૈક્ષણિક કાર્યનો વિધિવત પ્રારંભ થયો છે.

શાળાઓમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ
પાટણ શહેર સહિત જિલ્લામાં જુન માસના પ્રથમ સપ્તાહમાં શૈક્ષણિક કાર્યનું સત્ર શરુ થયું હતું, ત્યારે ગત 19 ઓક્ટોબર 2022થી શિક્ષણ વિભાગ દ્વારા દિવાળીનું 21 દિવસીય વેકેશન જાહેર કરાયું હતું. આ સમયગાળા દરમિયાન પાટણ શહેર સહિત જિલ્લામાં આવેલી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ મળી આશરે 1 હજાર 250 જેટલાં શૈક્ષણિક સંકુલો તેમજ કોલેજ અને યુનિવર્સિટી વિદ્યાર્થીઓના કોલાહલ વગર સુમસામ બની ગઈ હતી, ત્યારે આજથી દિવાળી વેકેશન પૂર્ણ થતાં પાટણ જિલ્લાની 793 સરકારી, 307 નોન ગ્રાન્ટેડ અને 11 આશ્રમ શાળાઓ તેમજ જિલ્લાની 254 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્યનો વિધિવત રીતે પ્રારંભ થયો હતો. જેમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આશરે કુલ 2 લાખ 5 હજારથી વધુ વિદ્યાર્થીઓ બીજા શૈક્ષણિક સત્રના કાર્યમાં જોડાશે.
કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી જોવા મળી
દિવાળી વેકેશન પૂર્ણ થતાં શહેરના વિવિધ શૈક્ષણિક સંકુલો વિદ્યાર્થીઓની ચહલપહલથી ધમધમતા થયા હતા. પ્રથમ દિવસે કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી જોવા મળી હતી. આમ આજથી શહેર સહિત જિલ્લાની શાળાઓમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે.

અન્ય સમાચારો પણ છે...