સ્વચ્છ ભારત મિશન:'ગામડાઓમાં સ્વચ્છતા માટે સરપંચો આગળ આવે', પાટણમાં ભારત મિશન અંતર્ગત વર્કશોપ યોજાયો

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લામાં જિલ્લા પંચાયત પ્રમુખ, ગ્રામવિકાસ કમિશ્નર તેમજ સચિવની ઉપસ્થિતિમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત ગામોમાં સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુસર વિવિધ યોજનાકીય માહિતી આપતી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતુ. કન્વેન્શન હોલ, યુનિવર્સિટી, પાટણ ખાતે આયોજીત આ વર્કશોપમાં ઘન, પ્રવાહી કચરાના વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.

આ ચર્ચા કરાઇ
આજની આ વર્કશોપમાં વર્ષ 2022-2023ના એન્યુઅલ ઈમ્પ્લીમેન્ટેશન પ્લાન અંતર્ગત જિલ્લાના 180 ગામોની પણ પસંદગી કરવામાં આવી હતી. પ્રથમ તબક્કાના 180 ગામોના સરપંચ,વહીવટદાર તથા તલાટી કમ મંત્રીઓ આ વર્કશોપમાં જોડાયા હતા જેઓને સરકારની વિવિધ યોજનાકીય સમજ, ટેક્નીકલ સપોર્ટ તેમજ અન્ય યોજના સાથે કન્વર્જન્સની કામગીરી PPT પ્રઝન્ટેશન દ્વારા સમજાવવામાં આવી હતી. જેનું સુચારૂ રૂપે અમલીકરણ થાય તે આ વર્કશોપનો ઉદેશ્ય રહ્યો હતો. આ વર્કશોપમાં ગામોમાં ઘન અને પ્રવાહી કચરાનો યોગ્ય તેમજ વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવો, ગામોને સ્વચ્છ, સ્વસ્થ અને ODF+મોડેલ બનાવવા વગેરે જેવી બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ગામડાઓમાં કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવો તેમજ તેનું વ્યવસ્થાપન કરવું તે વિષય પર પણ વર્કશોપમાં ચર્ચા કરવામાં આવી હતી.

સરપંચ અને તલાટીઓ ખૂબ મહત્વની ભૂમિકામાં
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વર્કશોપનાં સ્વાગત પ્રવચનમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ સોલંકીએ જણાવ્યું હતુ કે, વિવિધ સરકારી યોજનાઓનો સુચારૂ રીતે અમલ થાય તેને ધ્યાનમાં રાખી આજે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ છે. સરકારી યોજનાઓનો લાભ છેવાડાનાં માનવી સુધી પહોંચે તે માટે ગામનાં સરપંચ અને તલાટીઓ ખૂબ મહત્વની ભૂમિકામાં છે. આજની આ વર્કશોપમાં આવેલા તમામ સરપંચ, તલાટીઓ તેમજ આગેવાનો સરકારની વિવિધ યોજઓથી અવગત થાય તેમજ પોતાના ગામમાં સરકારની યોજનાઓ કઇ રીતે અમલમાં લાવી શકાય તે જાણે તે હેતુથી આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ છે. મને આશા છે કે આ વર્કશોપમાં આપવામા આવતું માર્ગદર્શન આગામી સમયમાં સરપંચો અને તલાટીઓ માટે ગામ વિકાસ માટે ચાવીરુપ બનશે.

દેશના ગામડાઓ સ્વચ્છ થઈ રહ્યા છે
વર્કશોપમાં જિલ્લા ગ્રામવિકાસ એજન્સી પાટણના નિયામક, ભરતભાઇ જોશીએ પી.પી.ટી.પ્રેઝન્ટેશન રજુ કરી ગામ વિકાસને લગતી તમામ યોજનાકીય માહિતી આપી હતી. પાટણ જિલ્લાને સ્વચ્છ બનાવવા માટે વહીવટી તંત્ર સજ્જ છે. લોકભાગીદારી સાથે સ્વચ્છ ભારત મિશન સફળ થશે તેથી તમામ ગામડાઓમાં સ્વચ્છતા જળવાઈ રહે તે ખૂબ જરૂરી છે. ગ્રામ વિકાસ એજન્સી થકી ચાલતી વિવિધ પ્રજાલક્ષી યોજનાઓની સમજ તલાટી અને સરપંચ માટે ખૂબ અગત્યની છે. જે માટે ખાસ સરકારશ્રીનાં માર્ગદર્શન થકી આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સ્વચ્છતાના હેતુ સાથે આયોજીત આ વર્કશોપમાં સંબોધન કરતા ગ્રામવિકાસ સ્પે.કમિશ્નરઅક્ષય બોડાનીયાએ જણાવ્યું હતું કે, સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) અંતર્ગત આજે અનેક કાર્યો થકી દેશના ગામડાઓ સ્વચ્છ થઈ રહ્યા છે.

વ્યક્તિગત સ્વચ્છતા વધી
સ્વચ્છતા માટે જાગૃતતા હોવી ખૂબ જરૂરી છે તેથી જ સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને વિવિધ યોજનાકીય માહિતી માટે આજે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ છે. સ્વચ્છ ભારત અભિયાન થકી આજે વ્યક્તિગત સ્વચ્છતા વધી છે. પરંતુ સાથે સાથે સામૂહિક સ્વચ્છતા લાવવી પણ જરૂરી બની રહે છે. સ્વચ્છતા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વ્રારા મોટી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. તેથી ગ્રામ સ્વચ્છતા માટે તમામ સરપંચો પણ આગળ આવીને કામ કરે જેથી દેશના તમામ ગામડાઓ સ્વચ્છ થઈ શકે.

સ્વચ્છતા માટે લોકભાગીદારી ખૂબ જરૂરી
કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણાએ વર્કશોપમાં સંબોધન કરતાં જણાવ્યું હતુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જેના થકી આજે ભારતના તમામ ગામડાઓ સ્વચ્છ થઈ રહ્યા છે. વધુમાં તેઓએ સખી મંડળ સાથે મળીને ગામડાને સ્વચ્છ કરવાની વાત પણ કરી હતી. સ્વચ્છતા માટે લોકભાગીદારી ખૂબ જરૂરી છે.

આ લોકો હાજર રહ્યા
આજની સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત યોજાયેલી વર્કશોપમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણા, સ્પે કમિશ્નર અક્ષય બોડાનીયા, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા અને પંચાયત સદસ્ય, તાલુકા વિકાસ અધિકારી, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી (ગ્રામવિકાસ), તેમજ પ્રથમ તબક્કાના 180 ગામોના સરપંચ,વહીવટદાર તથા તલાટી કમ મંત્રીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...