પાટણ શહેરમાં પવિત્ર શ્રાવણ માસમાં આવતા વિવિધ તહેવારોને અનુલક્ષીને કેટલીક ફરાળી ચીજવસ્તુઓમાં વેપારીઓ દ્વારા કરવામાં આવતી ભેળસેળ સંદર્ભે આજે પાટણના જુનાગંજ બજારમાં આવેલી કરીયાણાની પેઢીઓ ઉપર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઓચિંતી સર્ચ તપાસ હાથ ધરતા વેપારીઓમાં ફફડાટવ્યાપી જવા પામ્યો હતો. તહેવાર ટાણે જ ફુડ એન્ડડ્રગ્સ વિભાગની ટીમ ત્રાટક્યા વેપારીઓમાં અનેક ચર્ચાઓ ચગડોળે ચડી હતી.
પાટણ શહેર સહિત જિલ્લામાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા વહીવટી કામના ભાગરુપે અને શ્રાવણ માસમાં ઉપવાસમાં વપરાતી ચીજવસ્તુઓમાં થતી ભેળસેળને પગલે પાટણ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા બુધવારની વહેલી સવારે શહેરના જુનાગંજ વિસ્તારમાં આવેલી તન્ના ટ્રેડર્સ, શક્તિ ટ્રેડર્સ, આશાપુરા ટ્રેડર્સ, પુજા ટેડર્સ અને ભોગીલાલ વાડીલાલ મોદી સહિતની અન્ય કરીયાણાની દુકાનો સહિત કેશરભવાની સ્વીટમાર્ટ, તેમજ કેશરભવાની સ્વીટમાર્ટની પેઢીઓ ઉપર ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ઓચિંતી રેડ પાડી હતી. જેમાં ચાર પેઢીઓ ઉપરથી બે ફરાળી લોટના સેમ્પલ, મોરૈયાનો લોટ તેમજ સાબુદાણાના શંકાસ્પદ સેમ્પલો લેવામાં આવ્યા હતા.
સાથે સાથે આ પેઢીઓમાંથી પેકીંગ કંપનીના વેચાણ થતાં રાજગરાના લોટ સહિતના કેટલાક પેકીંગો સીલ કરવામાં આવ્યા હતા. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા શ્રાવણ માસને અનુલક્ષી ફરાળી ચીજવસ્તુઓમાં થતી ભેળસેળને લઇ આ ઓચિંતી સર્ચ તપાસ રેડ કરતાં વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
આ ઉપરાંત પાટણ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા છેલ્લા 3 દિવસથી વિશેષ કેમ્પ યોજી પાટણ ચાણસ્મા, સિદ્ધપુર 160 જેટલી પેઢીઓને લાયસન્સ આપવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.