શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ:સિદ્ધપુરના અભિનવ હાઇસ્કુલના શિક્ષક રૂપેશભાઈ ભાટિયાને રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાલ ઓઢાડીને પ્રમાણપત્ર તથા 51 હજાર રૂપિયાની રકમનો ડીડી આપીને સન્માન કરવામાં આવ્યું

સિદ્ધપુરની અભિનવ હાઇસ્કુલમાં માધ્યમિક વિભાગમાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતાં રૂપેશભાઈ ધનંજયભાઈ ભાટીયાને શિક્ષણ ક્ષેત્રે કરેલી વિશિષ્ટ કામગીરી બદલ પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દિને મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે વર્ષ 2022 માટે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકેના એવોર્ડથી સન્માનવામાં આવ્યા હતા, જે સમગ્ર પાટણ જિલ્લા અને સિદ્ધપુર તાલુકા માટે ગૌરવ સમાન છે. તેમનું સાલ ઓઢાડીને પ્રમાણપત્ર તથા 51 હજાર રૂપિયાની રકમનો ડીડી આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી રાજ્યકક્ષા સુધી સહભાગી
2002માં સિદ્ધપુરની અભિનવ હાઈસ્કૂલમાં ગણિત - વિજ્ઞાનના શિક્ષક તરીકે જોડાયા. ગણિત વિષયમાં વિદ્યાલયના વિદ્યાર્થીઓ અગ્રેસર બને તે માટે તેમને ચાર્ટસ, મોડલ, કોયડા ઉકેલ, ગણિત ગમ્મત, ગણિતની રમતો તેમજ વૈદિક ગણિતની વિવિધ પ્રયુક્તિઓ શીખવી હતી. દર વર્ષે યોજાતાં ગણિત - વિજ્ઞાન પ્રદર્શનમાં વિદ્યાર્થીઓને ભાગ લેવડાવી તાલુકા અને જિલ્લામાં નંબર મેળવી વિદ્યાલયને ગૌરવ અપાવ્યું છે. ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ દ્વારા યોજાતાં ગણિત મેળામાં અને ગણિતની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી રાજ્યકક્ષા સુધી સહભાગી બનાવ્યા છે.

ગણિતમાં ઊંડું અધ્યયન
તેમના માર્ગદર્શનથી સિદ્ધપુરની ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 10 ના ગણિત વિજ્ઞાન વિષયના પરિણામમાં એમના વિદ્યાલયના વિદ્યાર્થીઓ અગ્રેસર રહ્યા છે. અભ્યાસમાં કચાશવાળા વિદ્યાર્થીઓની નિદાન કસોટી અને ઉપચારાત્મક પગલાં, પખવાડિક એકમ કસોટી, વાલી સંપર્ક વાલી મીટીંગ વગેરે જેવી પ્રવૃત્તિઓ દ્વારા શાળામાં ઉચ્ચ પરિણામ મેળવ્યા છે. આ ઉપરાંત વિશ્વના સૌથી મોટામાં મોટા બિન સરકારી અને બિન અનુદાનિત શૈક્ષણિક સંગઠન વિદ્યાભારતી. ગુજરાત પ્રદેશના પાયાના કાર્યકર છે, તેમને અનેકવિધ જવાબદારીઓ વહન કરી છે તેમજ વૈદિક ગણિતમાં ઊંડું અધ્યયન પણ કર્યું છે.

બેસ્ટ ગણિત શિક્ષકનો એવોર્ડ
વિદ્યાભારતીના વિદ્યાલયોમાં ચાલતી જીવન વિકાસ પોથી પુસ્તિકામાં વૈદિક ગણિતનો વિષય તરીકે સમાવેશ કર્યો છે અને વિદ્યાર્થીઓને રસ પડે એ માટે વૈદિક ગણિત પ્રશ્નામંચ સ્પર્ધા પણ શરૂ કરી છે. ગણિત જેવા અઘરા વિષયને વિષયનો હાઉ દૂર કરવા પોતાના વિદ્યાલયના અને સમાજના અન્ય વિદ્યાર્થીઓના નિઃશુલ્ક વૈદિક ગણિતના વર્ગો પણ વર્ગોનું પણ આયોજન કરે છે, જેના સુખદ અને સારા પરિણામો મળ્યા છે. તેમના ગણિતના કાર્યની નોંધ લઈને ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ દ્વારા રાજ્ય કક્ષાના બેસ્ટ ગણિત શિક્ષકનો એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે.

આચરતિ ઇતિ આચાર્ય
વિદ્યાલય અને વિદ્યાભારતીની કાર્ય નિષ્ઠાના કારણે ગુજરાત સરકારે 6 વર્ષ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના સદસ્ય તેમજ બંને ટર્મમાં પ્રોડક્શન કમિટીના ચેરમેનની જવાબદારી આપી હતી, જે તેમને સુપેરે નિભાવી છે. તેઓના આગ્રહ અને રજૂઆતના આધારે ગુજરાત સરકારે વૈદિક ગણિત વિષયને જુન 2022 થી ધોરણ 6 થી 10 માં સ્કૂલ ઓફ એક્સેલન્સ શાળાઓમાં દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત ગુજરાત રાજ્યની શામળા અમલીકરણ માટે ટાસ્ક ફોર્સ બનાવી છે તેના સદસ્ય પણ છે. "આચરતિ ઇતિ આચાર્ય" પંક્તિને સાર્થક કરનાર કર્મઠ અને નિષ્ઠાવાન શિક્ષક રૂપેશભાઈ ભાટિયાએ આ પારિતોષિકનો શશ્રેય પોતે ન લેતાં અભિનવ હાઇસ્કૂલના શિક્ષક ગણ વિદ્યાર્થીઓ તથા વિદ્યાભારતી અને રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ પરિવારને સમર્પિત કરી પોતાની નિખાલસતા અને મહાનતા અભિવ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...