RTI અપીલની સુનાવણી:પાટણ જિલ્લા સેવા સદનના નવા કોન્ફરન્સ હોલમાં RTI અપીલની સુનાવણી હાથ ધરાઈ, 11 અરજીઓનો નિકાલ

પાટણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લા સેવા સદનનાં નવા કોન્ફરન્સ હોલ ખાતે રાજય માહિતી કમિશ્નર કે.એમ.અધ્વર્યુંની અધ્યક્ષતામાં ડાઉટ ક્લિયરીંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. RTI અંતર્ગત થયેલી અપીલોની સુનાવણી સમયે રાજય માહિતી કમિશ્નરે કુલ 11 જેટલી અપીલોનો નિકાલ કર્યો હતો અને સંલગ્ન અધિકારીઓએ કરવાની થતી કામગીરીથી તેઓને વાકેફ કર્યા હતા. RTI કાયદાની જનજાગૃતિ આવે તેમજ સત્તાધારી RTI અધિકારીશ્રીની કાયદાલગત તમામ મુશ્કેલીઓ દુર થાય તે માટે આજરોજ રાજય માહિતી કમિશ્નર કે.એમ.અધ્વર્યું ખુદ પાટણ આવ્યાં હતા.

સામાન્ય રીતે આયોગમાં ગયેલી RTI અપીલની સુનાવણી રાજ્ય માહિતી આયોગ ગાંધીનગરમાં થતી હોય છે. અપીલની સુનાવણી માટે અધિકારી અને અરજદારે ખુદ રાજ્ય માહિતી આયોગમાં જવાનું થતુ હોય છે, પરંતુ આજે જિલ્લા સેવા સદનના નવા કોન્ફરન્સ હોલમાં જ RTI અપીલની સુનાવણી માટે કોર્ટ ઉભી કરવામાં આવી હતી. જેમાં અધિકારી અને અરજદાર બંનેને સામ-સામે રાખીને રાજય માહિતી કમિશ્નર કે.એમ.અધ્વર્યુંએ કુલ 11 જેટલી અપીલોનું નિરાકરણ કર્યું હતુ.આજરોજ રાજય માહિતી કમિશ્નર કે.એમ.અધ્વર્યું ખુદ અરજદારોને સાંભળવા માટે પાટણ જિલ્લામાં આવ્યાં હતા અને તેઓના પ્રશ્નોનું ત્વરિતપણે નિરાકરણ કર્યું હતું.

અધિકારીઓ સાથે પરિસંવાદ કર્યો
પરિસંવાદમાં રાજય માહિતી કમિશ્નરએ અધિકારીઓને RTI કાયદો શું છે? RTI અરજી અંતર્ગત કંઇ રીતે કાર્યવાહી કરવી? કઈ રીતે રેકર્ડ રાખવા? જાહેર માહિતી અધિકારી અને અપીલ અધિકારીશ્રીઓએ RTIનું રજીસ્ટર કઈ રીતે મેન્ટેઈન કરવું? વગેરે જેવી તમામ બાબતોની ઝીણવટ પૂર્વકની માહિતી આપી હતી. રાજય માહિતી કમિશ્નરએ અધિકારીને જરૂરી સૂચનો કરીને તેઓને માર્ગદર્શિત કર્યા હતા.

પરિસંવાદ દરમિયાન જિલ્લાનાં અધિકારીઓએ RTI અરજીઓને લઇને તેઓને મૂંજવતા પ્રશ્નો રાજય માહિતી કમિશ્નરને પૂછ્યા હતાં. કમિશ્નરએ દરેક અધિકારીઓના પ્રશ્નોનાં વિસ્તૃતમાં જવાબો આપ્યાં હતાં તેમજ પોતાના અનુભવો પણ અધિકારીઓ સાથે શેર કર્યા હતા.

રાજ્ય માહિતી કમિશ્નર કે.એમ. અધ્વર્યુંએ પરિસંવાદમાં અધિકારીઓને સંબોધિત કરતા જણાવ્યું હતુ કે, પારદર્શક વહીવટ માટે RTI કાયદો ખુબ અગત્યનો છે. અરજદારોએ પૂર્વાગ્રહ વગર માંગેલી માહિતી તેઓને મળી તેવી સુચારુ વ્યવસ્થા દરેક કચેરીઓમાં થાય તે ખુબ જરૂરી બની રહી છે. તમામ અધિકારીઓએ RTI અંતર્ગત આવેલી અપીલોને અગ્રતા આપીને સમયમર્યાદામાં અપીલનો જવાબ આપવો જરૂરી છે. તેથી અરજદારોની અપીલોને ધ્યાનમાં લઈને 30 દિવસમાં અપીલનો જવાબ આપવા માટે રાજ્ય માહિતી કમિશ્નર કે.એમ. અધ્વર્યુંએ અધિકારીઓને ખાસ સુચન કર્યું હતુ. તેઓએ જણાવ્યું હતુ કે, RTI અંતર્ગત આવેલી અપીલોનો જવાબ જો પારદર્શિકતાથી આપવામાં આવશે તો જ કાયદાની વિભાવના સાચા અર્થમાં સાર્થક થઈ શકશે. ​​​​​​​રાજય માહિતી કમિશ્નર કે.એમ.અધ્વર્યુંની અધ્યક્ષતામાં આયોજીત ડાઉટ ક્લિયરીંગ સેશનમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, અધિક નિવાસી કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડ, તેમજ જિલ્લાના તમામ વિભાગનાં અધિકારીઓ,જાહેર માહિતી અધિકારીઓ, અપીલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...