હત્યા સહિતના ગંભીર ગુનાઓ કરી વર્ષોથી પોલીસની પકડથી દૂર નાસતા ફરતા નવ કુખ્યાત આરોપીઓ અને એક ગુમ થયેલી વ્યક્તિની ચોક્કસ બાતમી આપનાર કે આરોપીને પકડવામાં મદદરૂપ થનાર વ્યક્તિને રૂ. 10,000નું ઇનામ આપવાની પાટણ જિલ્લામાં પ્રથમ વખત જિલ્લા પોલીસ અધિક્ષક વિજયકુમાર પટેલે જાહેરાત કરી છે.
પાટણ જિલ્લામાં થયેલા મર્ડરના પાંચ આરોપી ગુજસીટોકના, બે લૂંટનો એક અને પાંચ વર્ષની બાળકીનું અપહરણ કરી નાસી ગયેલો એક એમ કુલ 9 આરોપીઓ વર્ષોથી પોલીસ પકડથી દૂર ભાગતા ફરે છે. જ્યારે લણવા જવાહર નવોદય ખાતે અભ્યાસ કરતો બિહારનો એક વિદ્યાર્થી છેલ્લા છ વર્ષથી શાળામાંથી ગુમ થઈ ગયો છે. હજુ સુધી તેનો પત્તો લાગ્યો નથી.
પોલીસે અનેક પ્રયાસો કરવા છતાં ગંભીર ગુનામાં સંડોવાયેલા નવ આરોપીઓ અને એક ગુમ થયેલો વિદ્યાર્થી મળતા નથી ત્યારે આ 10 વ્યક્તિઓની ચોક્કસ માહિતી આપનાર કે આરોપી પકડવામાં મદદરૂપ થનારને ₹10,000 રોકડ ઇનામ આપવાની જિલ્લા પોલીસ અધિક્ષક વિજયકુમાર પટેલે જાહેરાત કરી છે.આ અંગે પાટણ એસપી વિજયકુમાર પટેલે જણાવ્યું હતું કે આરોપીની બાતમી આપનાર કે તેને પકડાવવામાં મદદરૂપ થનાર વ્યક્તિનું નામ ગુપ્ત રાખશે અને તેને રૂ 10,000નું રોકડ ઇનામ પણ આપવામાં આવશે.
સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી હત્યા કરી
બનાસકાંઠાના જૂના ડીસા ખાતે રહેતા નારણજી ઘેમરજી ઠાકોરે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી ભોગ બનનાર કોઈને કહી દેશે તેમ માની તેને માર મારી નાસી ગયો છે. સમી પોલીસ મથકે તેની સામે કાયદેસરની કાર્યવાહી થયેલી છે. તે 6 મે 2001થી નાસતો ફરે છે.
અપરણ લૂંટ મારામારીના 13 ગુના કર્યા
સરસ્વતીના અબલુવા ગામના શૈલેષ ઉર્ફે શૈલુ ભગવાનભાઈ દેસાઈ સહિત કુલ 5 આરોપીઓએ મળી સંગઠિત ટોળકી બનાવી અમદાવાદ, પાટણ અને મહેસાણા જિલ્લામાં અપહરણ, લૂંટ, મારામારીના કુલ 13 ગુનાઓ આચર્યા છે. જેમાં ત્રણ આરોપીઓ પકડાયા છે.
ગુજસીટોકના ગંભીર ગુનામાં નાસતો ફરે છે
મહેસાણાના લાખવડ ગામનો વિપુલ માલજીભાઈ દેસાઈ સહિત કુલ પાંચ આરોપીઓએ મળી સંગઠિત ટોળકી બનાવી કુલ 13 ગુનાઓ આચર્યા છે. જેમાં ત્રણ આરોપીઓ અટક કરવામાં આવેલા છે તેઓ જયુડિશિયલ કસ્ટડીમાં છે તેમજ વિપુલ દેસાઈ 8 ઓગસ્ટ 2021 થી નાસતો ફરે છે. તેની સામે ચાણસ્મા પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી થઈ છે
લૂંટના પાંચ ગુનામાં નાસતો ફરે છે
દાહોદ જિલ્લાના જાદાખેરીયા ગામનો હેમરાજ ઉર્ફે રાજુ મંગળાભાઈ ખરાડીયા સહિતે વહાણવટી સિકોતર માતાના મંદિરના પુજારી સહિતને ધોકા લોખંડની પાઇપથી મારપીટ કરી ઓરડીનું તાળું તોડી અંદર પડેલી દાન પેટીનું તાળું તોડી લૂંટ કરી હતી. આ શખ્શ પાટણ જિલ્લામાં કુલ પાંચ લૂંટ કરી નાસ્તો ફરે છે. તેની સામે પાટણ તાલુકા પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી થયેલી છે.
પાંચ વર્ષની બાળકીનું અપહરણ કરી નાસી ગયો
રાધનપુરના રવિધામ નો સુરાભાઈ વલમા ભાઈ ઠાકોર ( પારકરા) સાત વર્ષ અગાઉ પાંચ રાધનપુરની પાંચ વર્ષની બાળકી જયશ્રી ભુરાભાઈ પારકરા નું વાલીપણામાંથી અપરણ કરી નાસી ગયો હતો તેની સામે રાધનપુર પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી થયેલી છે.
હત્યા કરી 11 વર્ષથી ફરાર
રાજસ્થાનના દીધીનો નરસીગ ચંદનસિંગ રાજપૂત સહિત ભેગા મળી કાવતરું રચી ગજરાજસિગ બહાદુર સિંગ રાજપુત ની સાથે મીરાબેન રાજપૂત ના લગ્ન કરાવી નાણાં લીધા હતા રાત્રે ગજરાજ સિંગને તાર વાયર જેવા હથિયારથી ગળે ટૂંપો આપી હત્યા કરી સંખારીથી રણુંજ રોડ પર લાશને ફેંકી હતી.
ચપ્પુ મારી હત્યા કરી હતી
પશ્ચિમ બંગાળના મૂળ કોલકાતા ના અને પાટણ ચાચરીયામાં રહેતા મયુદ્દીન ઉર્ફે મીજાનુર આસાઉલ્લમુલ અને હબીબઉલઅલી ગોલઝરઅલી શેખ બંને જણા પાટણ લોટેશ્વર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા હતા અને સોની કામ કરતા હતા.10 જુલાઈ 2015 ના રોજ કોઈ કારણોસર બોલાચાલી થતા મયુદ્દીન શેખે હબીબ ઉલ શેખને ગળાના ભાગે ચપ્પુ મારી નાસી ગયો છે.
ઈંટ ભઠ્ઠાના ઠેકેદારની હત્યા કરી હતી
ઉત્તર પ્રદેશના ઘોસલી નો વતની અને હારીજ ના નવા કલાણા ખાતે રહેતા નાનક લાલ મદનલાલ જાદવ સહીતે ઈંટોના ભઠ્ઠા ઉપર કામ કરતા હોવાથી ત્યાં ઠેકેદાર સાથે બોલાચાલી થતા માથાના ભાગે ધોકા મારી હત્યા કરી હતી જેમાં ત્રણ આરોપી પકડાઈ ગયા હતા પરંતુ આ નાનક લાલ જાદવ 9 ડિસેમ્બર 2019 થી નાસ્તો ફરે છે. હારિજ પોલીસ મથકે કાર્યવાહી થયેલી છે.
લણવા જવાહર નવોદયનો ગુમ વિદ્યાર્થી છ વર્ષે મળ્યો નથી
મૂળ બિહારના પટનાના નિયામતપુરા ગામનો 14 વર્ષીય જયપ્રકાશ મનોજ પ્રકાશ પંજાબી લણવા જવાહર નવોદય ખાતે અભ્યાસ કરતો હતો 23 ઓગસ્ટ 2016 ના દિવસે શાળામાંથી કોઈને જાણ કર્યા વગર ક્યાંક ચાલ્યો ગયો છે તેની તપાસ કરવા છતાં આજ દિન સુધી તેનો કોઈ પત્તો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.