પાટણ નગર પાલિકાની સમીક્ષા બેઠક મળી હતી. જેમાં આગામી ચોમાસાની સીઝનમાં ભારે વરસાદમાં રેસ્ક્યુ ટીમો તૈયાર રાખવા સૂચના આપવામાં આવી હતી. ભારે વરસાદમાં લોકોનું રેસ્કયુ કરવા સહિત તેઓને તમામ મદદ પુરી પાડવા માટે તમામ બચાવ સાધન-સામગ્રી રેડી ટુ યુઝ પોઝિશનમાં રાખવા તથા તમામ તરવૈયાઓને તાલીમ આપી ટીમો તૈયાર રાખવા અનેસ્ટેન્ડ ટુ રાખવા માટે પાટણ નગરપાલિકાનાં ચીફ ઓફીસર પંકજ બારોટે સૂચના આપી હતી. પાટણ પાલિકાનાં ફાયર બ્રિગેડ વિભાગ સહિત સેનેટરી અને વોર્ડ ઇન્સપેક્ટરોને સાથે પ્રિમોન્સુન પ્લાન અંગે ચર્ચા કરવા તથા નગરપાલિકાનાં ફાયર બ્રિગેડ સહિતનાં અન્ય વિભાગો વચ્ચે સંકલન રાખવા માટેની સમિક્ષા બેઠક મળી હતી.
પ્રિમોન્સુન પ્લાનની સમીક્ષા કરાઈ
આ બેઠક અંગે ચીફ ઓફિસર પંકજ બારોટે જણાવ્યું હતું કે, પાલિકાના વિભાગો સાથે પ્રિમોન્સુન પ્લાનની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં ખાસ કરીને વરસાદી પાણીનો પ્રવાહ વહેવડાવતી કેનાલો ખાસ કરીને આનંદ સરોવર અને અગાશિયાવીરની કેનાલોની પ્રવહન શક્તિ યોગ્ય કરવા જણાવ્યું હતું. પાટણ નગરપાલિકા ખાતેનો ફાયર બ્રિગેડ વિભાગ એ પાટણ જિલ્લાનો નોડલ વિભાગ પણ હોવાથી તેને પાટણ શહેર ઉપરાંત પાટણ જિલ્લામાં અન્ય વિસ્તારોની પણ જવાબદારી આપેલી છે. તેથી આ વિભાગનાં અધિકારી તથા કર્મચારીઓએ યાંત્રિક અને સાદી હોડી, હેમર સહિતનાં રેસ્ક્યુના સાધનો સરકારમાંથી મેળવવાની તજવીજ કરવા જણાવાયું છે.
તરવૈયાઓની ટીમોને સ્ટેન્ડ બાય રાખવી
આ ઉપરાંત ભારે વરસાદમાં શહેરનાં જે વિસ્તારોમાં પાણી ભરાતા હોય તેવા વિસ્તારોમાં પાણીના નિકાલ (ડિવોટરીંગ) માટે હેવી ટ્રક માઉન્ટેન્ડ તથા હેવી મોટર પંપ ઉપલબ્ધ થાય તેવા સ્ત્રોત મેળવી લેવાની સુચના આપી હતી. પાટણ જિલ્લાની પાંચ નગરપાલિકાઓ ખાસ કરીને સિદ્ધપુર એ નદીવાળો વિસ્તાર હોવાથી પાણી ભરાવાનાં કિસ્સા વધુ બને છે. જેથી તાલીમાર્થી તરવૈયાઓની ટીમોને સ્ટેન્ડ બાય રાખવાની પણ સુચના પાટણ જિલ્લા ફાયર ઓફીસર સ્નેહલ મોદીને આપી હતી.
પાણી ભરાયા હોય તે વિસ્તારોમાં માર્કિંગ કરી કાયમી ધોરણે નિકાલ કરાશે
ચીફ ઓફીસરે જણાવ્યું કે, ચોમાસા પછી પણ જ્યાં પાણી ભરાયા હોય તેવા વિસ્તારોમાં માર્કિંગ કરીને તેનો કાયમી ધોરણે નિકાલ થાય તે માટે સરકારમાં પ્રપોજલ તૈયાર કરવામાં આવશે. પાટણમાં ભારે વરસાદ વખતે ભરાતા પાણીના નિકાલ માટે લોકો ભુગર્ભ ગટરની ચેમ્બરો ખોલી નાંખતા હોવાથી તેનું ભારણ વધી જાય છે. તે માટે લોકોએ એમ ન કરવા માટે જાગૃતિ લાવવી પડશે. પાટણનાં શ્રમજીવી વિસ્તારમાં ઓવરબ્રીજ પાસે, કર્મભૂમિ વિસ્તાર અને મહાદેવ નગર, આનંદ સરોવરની પાછળની સોસાયટીઓમાં ભરાતા વરસાદી પાણીનાં નિકાલ માટે ડિવોટરીંગ પંપોની વ્યવસ્થા ગોઠવવા માટેની જરુર વર્તાય છે.
પાંચ લાઈફ જેકેટોની ખરીદી કરાશે તેમજ બોટ તૈયાર રાખવા સૂચના
પાટણ નગરપાલિકાની ત્રણ બુલેટ બાઇકોને રેડી રાખવા, પાંચ લાઈફ જેકેટોની ખરીદી કરવા, બોટ તૈયાર રાખવા, જંતુનાશક દવાઓનો જથ્થો રાખવા, ફોગીંગ ચાલુ કરવા, ડીવોટરીંગ પંપોનાં ઓપરેટ માટે જે તે વ્યક્તિઓને તાલીમ આપવા માટે, શ્રમજીવી વિસ્તારનું પાણી આનંદ સરોવરની કેનાલની પાઇપલાઇનમાં નાંખવા, ટુકડીઓને સ્ટેન્ડ બાય રાખવા સહિતની સુચનાઓ આપી હતી. આ બેઠકમાં ઓ.એસ. જય રામી, એન્જીનીયર કીર્તી પટેલ, બાંધકામ વિભાગ, વોટર વર્કસ વિભાગ, સ્વચ્છતા વિભાગ, ભુગર્ભ ગટર વિભાગનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.