અનોખો વિરોધ:રાધનપુરના લાલબાગ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા સફાઈ કરવામાં ન આવતા રહિશોએ જાતે સફાઈ અભિયાન હાથ ધરી વિરોધ કર્યો

પાટણ2 મહિનો પહેલા
  • લાલબાગ વિસ્તારના રહીશો સફાઇ મામલે આકરા પાણીએ, પાલિકા સફાઈ નહીં કરે તો વિસ્તારની ગંદકી ઉલેચી પાલિકામાં ઠલવવાની ઉચ્ચારી ચિમકી લોકોએ જાતે સફાઈ કરી નગરપાલિકા સામે રોષ ઠાલવ્યો

પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં નગર પાલિકા સફાઈના કામમાં નિષ્ફળ નિવડતા રહિશોએ જાતે સફાઈ અભિયાન હાથ ધર્યુ હતું. રાધનપુરનો ગોલ્ડન એરીયા ગણાતા લાલબાગના રહીશો પરેશાન થયા છે. છેલ્લા કેટલાય દિવસથી સફાઈ કામદાર ન આવતા રહિશોએ જાતે સફાઈ કરી હતી. તેમજ રહિશોએ ચિમકી ઉચ્ચારી છે કે, જો આ સમસ્યાનું જલ્દી નિવારણ નહિં આવે તો તમામ ગંદકી ઉલેચી પાલીકા કેમ્પસમાં ઠલવી વિરોધ કરશું.

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે લાલબાગ વિસ્તારની અંદર ગંદકીના સામ્રાજ્યના કારણે લાલબાગના રહીશોએ સોમવારના રોજ જાતે સાફ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. ભાજપના નેતા અને નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા પ્રકાશ દક્ષિણીના મતક્ષેત્રની અંદર લોકો જાતે સાફ સફાઈ કરી નગરપાલિકા સામે રોષ ઠાલવી રહ્યા છે.

લાલબાગ વિસ્તાર રાધનપુર નગર પાલિકાના વિરોધ પક્ષના નેતા ભાજપના આગેવાન પ્રકાશ દક્ષિણનો મત ક્ષેત્ર હોય તે વિસ્તારની અંદર ગંદકીના સામ્રાજ્યના કારણે લોકો જાતે સાફ સફાઈ અને ગટર સાફ કરવા મજબુર બન્યા છે. રાધનપુર નગરપાલિકામાં ફરજ બજાવતા ચીફ ઓફિસર સામે લાલબાગના લોકો આક્ષેપ લગાવી રહ્યા છે. ચીફ ઓફિસરના અક્કડ વલણના કારણે નગરપાલિકામાં સફાઈ કામદારોના વિવાદના કારણે રાધનપુરની જનતા રોગચાળાનો શિકાર બની રહી છે. નગરપાલિકાની અંદર ભાજપના 12 સદસ્ય કોંગ્રેસના 16 સદસ્યો છે, છતાં એક પણ સભ્ય નગરપાલિકા વિસ્તારની અંદર ગંદકીની ચિંતા કર્યા વગર લોકોને રોગચાળાનો શિકાર બનાવી રહ્યા છે.

ચીફ ઓફિસર પાસે એક પણ કોર્પોરેટરનું કશું ના ચાલતું હોય તેના કારણે રાધનપુરની જનતા રોગચાળાનો શિકાર બની રહી છે તેવા લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યાં છે. સાફ-સફાઈની માગણી સાથે લોકો જાતે સફાઈ કરવા મજબૂર બન્યાં છે. ત્યારે લાલબાગ વિસ્તારમાં સર્જાયેલી ગંદકીની સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિવારણ લાવવામાં નહી આવે તો નાં છુટકે આ વિસ્તારના રહીશો વિસ્તારની ગંદકી જાતે ઉલેચી પાલિકા કેમ્પસમાં ઠલવશે તેવી ચિમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...