21મી સદીમાં માનવજીવનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ અનિવાર્ય બન્યો છે. તો બીજી તરફ પ્લાસ્ટિકના કારણે પર્યાવરણ સામે અનેક પડકારો પણ ઊભા થયા છે. ત્યારે પ્લાસ્ટિકનો વિકલ્પ શોધવા માટેના પ્રયાસો તેજ કરાયા છે. આવો જ એક પ્રયાસ પાટણની હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના લાઈફ સાયન્સ વિભાગ દ્વારા હાથ ધરાયો છે. વિભાગ દ્વારા બટાટાના સ્ટાર્ચમાંથી પ્લાસ્ટિક બનાવવાનો પ્રોજેક્ટ હાથ પર લીધો છે. જો આ પ્રોજેક્ટ સફળ થશે તો પર્યાવરણની સાથે સાથે બટાટા પકવતા ખેડૂતોની જિંદગીમાં પણ મોટો બદલાવ આવશે. આ પ્રોજેકટનું સંશોધન અંદાજે 3 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે.
વર્તમાન સમયમાં ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણની સમસ્યાથી દેશ અને દુનિયા ચિંતિત છે. અત્યારે વરસેદહાડે 1 લાખ 50 હજાર કિલોગ્રામ પ્લાસ્ટિક નીકળે છે. વર્ષ 2050 સુધીમાં જે વધીને 761 મેટ્રિક ટન થવાનો અંદાજ છે. ત્યારે પર્યાવરણને નુકસાન ન થાય એ માટે ઓછા ગ્રેડવાળા બાયોપ્લાસ્ટિક બનાવવા માટે ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મીશન દ્વારા પાટણ યુનિવર્સિટીના લાઇફ સાયન્સ વિભાગના ડો.આશિષ પટેલને રૂા.47 લાખનો રિસર્ચ પ્રોજેકટ આપવામાં આવ્યો છે. આ પ્રોજેકટથી પર્યાવરણનું જતન અને એની જાળવણી થશે.
બાયોપ્લાસ્ટિક આઠ જ દિવસમાં નાશ પામતું હોવાનો દાવો
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના લાઈફ સાયન્સ વિભાગના ડો. આશિષ પટેલની આગેવાનીમાં બાયોપ્લાસ્ટિકનો પ્રોજેક્ટ હાથ પર લેવામાં આવ્યો છે. લેબોરેટરીમાં હાલ પર્યાવરણની જાળવણી થાય એ માટે બટાટાના સ્ટાર્ચમાંથી બાયોપ્લાસ્ટિક બનાવવા સંશોધન કરવામાં આવી રહ્યું છે. આપણે હાલ જે પ્લાસ્ટિકનો વપરાશ કરી રહ્યા છીએ એનો નાશ થવામાં સેંકડો વર્ષ લાગી જાય છે. જ્યારે બાયોપ્લાસ્ટિક અઠવાડિયામાં જ કુદરતી રીતે નાશ પામતું હોવાનો દાવો કરાયો છે.
પાટણ યુનિવર્સિટીની રિસર્ચ લેબમાં બાયોપ્લાસ્ટિકનું પ્રથમવાર સંશોધન
પાટણ યુનિવર્સિટીની રિસર્ચ લેબોરેટરીમાં ઇતિહાસમાં પ્રથમવાર બાયોપ્લાસ્ટિક બનાવવાનું સંશોધન કરવામાં આવી રહ્યું છે. પર્યાવરણ અને એના જતનના નુકસાનને અટકાવવા બટાટાના સ્ટાર્ચમાંથી ઓછા ગ્રેડવાળા બાયોપ્લાસ્ટિક બનાવવામાં આવશે.
સંશોધન સફળ થશે તો બટાટા પકવતા ખેડૂતોનું 'નશીબ' બદલાશે
સમગ્ર ભારતમાં બટાટાનું હબ ગણાતા ડીસામાં બટાટાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે, જેને કારણે ખેડૂતોને પૂરતા ભાવ પણ મળતા નથી. ત્યારે જો બટાટાના સ્ટાર્ચમાંથી બાયોપ્લાસ્ટિક બનાવવામાં આવે તો ખેડૂતોને એના પૂરતા ભાવ પણ મળશે અને પર્યાવરણને પણ બચાવી શકાશે.
સૌપ્રથમ યુનિવર્સિટીના લોગો વાળી પ્લાસ્ટિક બેગ બનાવાશે
પાટણ યુનિવર્સિટીના લાઇફ સાયન્સ વિભાગને મળેલા 47 લાખ રૂપિયાના પ્રોજેકટમાં યુનિવર્સિટીના લોગાવાળી પ્રથમ પ્લાસ્ટિકની બેગ બનાવવામાં આવશે. આ ઉપરાંત આ બાયોપ્લાસ્ટિકનો ઉપયોગ શોપિંગ બેગ, સ્પોર્ટસ બેગ, કેપ્સ્યૂલ, ઇન્જેકટ ટેબલ, કોસ્મેટિક પ્રોડકશન, કપડાં સહિત અન્ય ચીજવસ્તુઓના ઉપયોગમાં પણ મહત્ત્વનો ભાગ ભજવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.