સરકારનો નવો પરિપત્ર:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં કરાર આધારિત કર્મચારીઓની ભરતી સરકારની મંજૂરી વિના કરી શકાશે

પાટણએક મહિનો પહેલા
  • યુજીસીની ગાઇડલાઇન મુજબ બીન શૈક્ષણિક સ્ટાફની 11 માસના કરાર આધારીત ભરતી પ્રક્રિયા હાથ ધરાશે

ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓમાં શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફની કરાર આધારીત ભરતી માટે સરકારે નવો પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં જે-તે યુનિવર્સિટીઓને કરાર આધારીત ભરતી કરવા માટે સત્તા આપવામાં આવી છે. જે અનુસંધાને પાટણ યુનિવર્સિટીમાં શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફની 11 માસના કરાર આધારીત ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સહિત ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓમાં શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફની ભરતી કરવા માટે સરકારના અગાઉના પરિપત્ર મુજબ સરકારની મંજૂરી લેવા માટે ઠરાવ કરવામાં આવ્યો હતો ત્યારે યુનિવર્સિટીના કુલપતિઓ દ્વારા આ ઠરાવનો વિરોધ કરવામાં આવતા સરકારે 3 નવેમ્બર 2021માં કરેલ પરિપત્રને રદ કર્યો હતો અને તા.16/5/2022 ના રોજ કરાર આધારીત ભરતી કરવા માટે જે તે યુનિવર્સિટીઓને સત્તા આપવાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

જે અનુસંધાને પાટણ યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટીના મેથેમેટીપ્સ, કેમેસ્ટ્રી, એમએસસી આઇટી, એમબીએ, આર્કીટેકચર, ફીઝીકલ એજયુકેશન, સ્પોર્ટસ કોમ્પલેક્ષ, લેબ ટેકનીશીયન સહિતના વિવિધ વિભાગોમાં 11 માસના કરાર આધારીત ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત યુજીસીની ગાઇડલાઇન મુજબ બીન શૈક્ષણિક સ્ટાફની 11 માસના કરાર આધારીત ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવું રજીસ્ટ્રાર આર.એન. દેસાઇએ જણાવ્યું છે.

નોંધનીય છે કે, અગાઉ યુનિવર્સિટીમાં કરાર આધારીત 11 જેટલા અધ્યાપકોની ભરતીના કવર ખોલવામાં આવ્યા ન હતા જેની પ્રક્રિયા આગામી સમયમાં હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...