નારાજગી:પાટણ પાલિકા દ્વારા 2 કર્મીઓની અરસપરસ બદલી, 3 કર્મીના વધારાના ચાર્જમાં ફેરફાર

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ કામગીરી અંગે સભ્યો દ્વારા નારાજગી વ્યક્ત કરાઈ હતી

પાટણ નગરપાલિકા દ્વારા વિવિધ શાખામાં ચાવીરૂપ જગ્યાઓ ઉપર ફરજ બજાવતા બે કર્મચારીઓની એક બીજી શાખામાં બદલી કરવામાં આવી છે જ્યારે ત્રણ કર્મચારીઓના વધારાના ચાર્જથી એક બીજાને આપવામાં આવ્યા છે.જેને પગલે પાલિકા તંત્રમાં ચાર્જ આપવા અને છોડવા પહેલાની ગતિવિધિઓ શરૂ થયેલી જોવા મળી હતી.

નગરપાલિકામાં બદલી હુકમ શુક્રવારે જાહેર કરાયો હતો. જેમાં વાહન શાખામાં મુખ્ય ટેબલની કામગીરી સંભાળતા જગદીશભાઈ ભીલને સ્વચ્છતા શાખામાં સેનેટરી ઇન્સ્પેક્ટરની મુખ્ય ટેબલની કામગીરી સોંપી છે જ્યારે આ ટેબલની કામગીરી સંભાળતા જયેશભાઈ પંડ્યાને વાહન શાખામાં મુખ્ય ટેબલ કામગીરી સોંપવામાં આવી છે.

ગાયત્રી વોર્ડ તથા હાઈવે વિસ્તારની સફાઈની કામગીરી સંભાળતા મુનાફભાઈ શેખને તેમની હાલની કામગીરી ઉપરાંત ઢોર ડબ્બા ક્લાર્કનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે. શહેરના ઘીમટા અને રેલવે વોર્ડ ઇન્સ્પેક્ટરની ફરજો બજાવતા મુકેશભાઈ રાવલને તેમની હાલની કામગીરી ઉપરાંત ઇબા લાગત શાખાનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે .

જ્યારે રાજકાવાળા અને નાગરવાડા વોર્ડ ઇન્સ્પેક્ટર ભરતભાઈ પટેલ પાસેથી ઢોર ડબ્બા ક્લાર્ક તરીકેની જવાબદારી અન્યને સોંપવામાં આવી છે.પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ અને ચીફ ઓફિસર સંદીપ પટેલ દ્વારા નગરપાલિકા ઓફિસ સુવિધા ખાતર કચેરીની કામગીરીને ધ્યાને લઈ બદલી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જાહેરાતના બોર્ડ બેનર અંગે ઇ બા લાગત ટેબલની કામગીરી અંગે સવાલો ઉઠાવાયા હતા અને તેના કારણે નગરપાલિકાને નુકસાન થયું હોવાનો વિરોધ વિપક્ષ દ્વારા ઉઠાવાયો હતો આ ઉપરાંત શહેરમાં વિવિધ કામગીરી અંગે પણ સભ્યો દ્વારા નારાજગી વ્યક્ત કરી હતી જેને પગલે આ બદલીઓ કરી હોવાનું ચર્ચાનો વિષય બન્યું હતું.

અન્ય સમાચારો પણ છે...