ડહોળા અને દુર્ગંધયુક્ત પાણીથી જિલ્લાના છેવાડાના ગામો જ નહીં પરંતુ જિલ્લા મથક પાટણ શહેર ખાતે પણ છેલ્લા દસ પંદર દિવસથી ખરાબ પાણી આવી રહ્યું હોવાની લોક ફરિયાદ ઉઠી રહી છે. શનિવારે શહેરના મુસ્લિમ વિસ્તાર પનાગરવાડા તેમજ સુભાષચોક વિસ્તારની મહિલાઓ દ્વારા ગંદા પાણીની બોટલ સાથે નગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી.
શનિવારે પનાગરવાડા વિસ્તારની 10થી 15 મહિલાઓ અને કેટલીક સુભાષ ચોક વિસ્તારની મહિલાઓ ગંદા પાણીની રજૂઆત માટે નગરપાલિકા ખાતે પહોંચી હતી અને પાલિકા અધિકારી પદાધિકારીની ગેરહાજરીમાં વોટર વર્કસ શાખા અધિકારી જેવી પટેલને રજૂઆત કરી હતી. મહિલાઓએ આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે રમજાન માસમાં પણ ગંદુ પાણી ઘરે આવી રહ્યું છે. તેઓ બોટલમાં ગંદુ પાણી ભરી લાવ્યા હતા જેનું ઢાંકણું ખોલતા જ દુર્ગંધ ફેલાઈ હતી. શહેરમાં તમે બધા માણસો ફિલ્ટર પાણી પીઓ તો અમને કેમ ગંદુ પાણી મળે છે તેવા સવાલ મહિલાઓએ ઉઠાવ્યા હતા.
પાલિકાના અપક્ષ કોર્પોરેટર ડો.નરેશ દવેએ જણાવ્યું હતું કે છેલ્લા દસ પંદર દિવસથી ડહોળું અને ગંદા પાણીની ફરિયાદો ઉઠી રહી છે. ફિલ્ટર પ્લાન્ટમાં પાણીનું શુદ્ધિકરણ થાય છે પરંતુ ક્લોરીનેશન વધારે પ્રમાણમાં કરવાના કારણે દવાની દુર્ગંધ આવતી હોવાનું જણાય છે.
નર્મદાનું પાણી ખોરસમથી જ ડહોળુ આવી રહ્યુ છે
નગરપાલિકાના વોટર વર્કસ શાખા અધિકારી જે.વી.પટેલે જણાવ્યું હતું કે નર્મદાનું પાણી પાઇપલાઇન મારફતે ખોરસમ તળાવથી આવે છે ત્યાંથી કોઈ કારણસર ડહોળું આવે છે. પરંતુ ફિલ્ટર પ્લાન્ટમાં શુદ્ધિકરણ કરીને જ અલગ અલગ વિસ્તારમાં લોકોને અપાય છે. પનાગરવાડાના કેસમાં ભૂગર્ભ ગટર અને પાણીની પાઈપલાઈનની તપાસ કરાવાશે અને કંઈ ખામી હશે તો દૂર કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.