સભ્યોમાં રોષ:રઘુ દેસાઈ અભિમાન અને આગેવાનોની અવગણનાથી હાર્યા

પાટણ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાધનપુરના કોંગ્રેસના રધુ દેસાઈના નિવેદન મામલે કોંગ્રેસના હોદ્દેદારોમાં કચવાટ અને પાટણમાં ભાજપની હાર માટે પાલિકાની કામગીરીને પણ દોષિત ઠેરવતાં સભ્યોમાં રોષ
  • કોંગ્રેસના આગેવાનો અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના કારણે હાર્યા હોવાના આક્ષેપ કર્યા હતા

રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ હાર બદલ કોંગ્રેસના સ્થાનિક આગેવાનો અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને જવાબદાર ગણાવતું નિવેદન આપતા જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારોએ પ્રતિઆક્ષેપ કર્યા કે રઘુભાઈ પૈસાના અભિમાનમાં સ્થાનિક આગેવાનોની અવગણના કરતા તેમજ કોંગ્રેસના આગેવાનો કરતા ભાજપના આગેવાનો પર વધુ વિશ્વાસ કરતા હાર્યા છે.

રાધનપુરમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ ફરી જંગી મતોથી જીતવાના દાવા વચ્ચે ભાજપના લવિંગજી સામે જિલ્લામાં સૌથી વધુ 22 હજાર મતથી હારવા બદલ તેમને કોંગ્રેસના સ્થાનિક આગેવાનો અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના કારણે હાર્યા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રમુખને પત્ર લખતા ખળભળાટ મચ્યો હતો. બુધવારે રાધનપુર વિધાનસભા અને જિલ્લાના કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા નિવેદન મામલા પ્રતિક્રિયા આપી હતી.

જેમાં પ્રદેશ કોંગ્રેસના ડેલિકેટ ભચાભાઈ આહીરે જણાવ્યું કે રઘુભાઈ પેટા ચૂંટણી જીત્યા બાદ કોંગ્રેસના આગેવાનોની અવગણના કરી ભાજપના આગેવાનો સાથે ફરતા હતા. પૈસાના જોરે અભિમાનમાં તેવો જીતશે તેવું માની ચાલતા હતા. કોંગ્રેસના 100 જેટલા સ્થાનિક આગેવાનો નારાજ હોવા છતાં તેમને મનાવવાના પ્રયાસ કર્યા ન હતા. કોંગ્રેસના દરેક આગેવાનોના વિસ્તારમાંથી તેમને લીડ મળે છે.

તે જ કહે છે કે આગેવાનોએ કોંગ્રેસ પક્ષને જોઈને મહેનત કરી છે. અમે 500 પુરાવા આપીએ.અમે તેમને હરાવ્યા હોવાનો એક પુરાવો આપે તો અમે રાજીનામું આપી દઈશું.ખોટા આક્ષેપો ના કરી પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર ઉપર ખોટા આક્ષેપ બદલ માફી માગી પક્ષમાં સક્રિય થાય તેવી અમારી અપીલ છે. બેઠકમાં જિ.પં.ના પૂર્વ સદસ્ય જગદીશ રાઠોડ, રાધનપુર નગરપાલિકા કારોબારી ચેરમેન હરદાસભાઇ આહીર, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી પરબત આહીર કોંગ્રેસ ડેલિકેટ રમેશ રબારી હાજર રહ્યા હતા.

ખોટા આક્ષેપ કરનારને સસ્પેન્ડ કરવાની માંગ સાથે રજૂઆત
પાટણની પ્રેસ કોન્ફરન્સ બાદ રાધનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ હમીરજી ઠાકોર, સાંતલપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ જાહિદખાન મલેક, સમી તાલુકા કોંગ્રેસ પ્રમુખ પસાભાઇ નાડોદા અને રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.વિષ્ણુ ઝૂલાએ વિડીયો બહાર પાડીને વિધાનસભાની ચૂંટણીના પક્ષવિરોધી કામ કરનાર 5 આગેવાનો ભચાભાઈ આહીર, હરદાસભાઇ આહીર, જગદીશભાઈ રાઠોડ, લવજીજી ઠાકોર અને રમેશભાઈ દેસાઈને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી.

અમે મહેનત કરી એટલે તો ભાજપને આટલા મત મળ્યા છે : પાટણ નગરપાલિકાના સભ્યો
પાટણ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની થયેલી હાર માટે ઉમેદવાર દ્વારા નગરપાલિકાની કામગીરીને પણ દોષિત ઠેરવવામાં આવતા તેને લઈને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોમાં કચવાટની લાગણી ફેલાઈ છે. ચૂંટણી પછી નગરપાલિકા કચેરી ધમધમતી થઈ છે અને વિવિધ સેવાઓ પૂર્વવત રીતે શરૂ થઈ રહી છે. જેમાં સૌ પ્રથમ સ્વચ્છતા શાખાની બેઠક યોજાઇ હતી જેમાં શહેરમાં સફાઈની સેવા સઘન બનાવવા સૂચના આપી હતી.

પાટણ નગરપાલિકા સ્વચ્છતા શાખાના કર્મચારીઓ તેમજ ડોર ટુ ડોર કચરો કલેક્શન કરતા વાહન શાખાના ડ્રાઇવરોને સામેલ રાખ્યા હતા.જેમાં પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિ ચીફ ઓફિસર સંદીપ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને શહેરમાં સફાઈ સેવા સઘન બનાવવા સૂચના આપી હતી. કોઈપણ જગ્યાએ કચરો અને ગંદકી ન રહે તે માટે ધ્યાન રાખવા સ્વચ્છતા કર્મચારીઓને ખાસ સુચના આપી હતી. જે તે વોર્ડના વોર્ડ ઇન્સ્પેક્ટરને પણ તેમના કાર્ય ક્ષેત્રમાં સતત નજર રાખવા જણાવ્યું હતું. ગંદકી અને કચરાના કારણે શહેરની છબી ન બગડે તે માટે ટકોર કરવામાં આવી હતી.

બધા જ કોર્પોરેટરો એક સરખું કામ કરતા નથી
અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે પાલિકાના સંકુલમાં સાંભળવા મળ્યું હતું કે દરેક વોર્ડમાં 4 કોર્પોરેટર હોય છે પરંતુ બધા જ એક્ટિવ નથી હોતા. બધા એકસરખું કામ કરતા નથી. દરેક કોર્પોરેટર સજાગ રહી રિપોર્ટ કરતા રહે તો બધી જ સેવાઓના સંચાલન સારી રીતે થઈ શકે તેવો મત વ્યક્ત કરાયો હતો.

અમે મહેનત કરી એટલે આટલા મત મળ્યા છે
વિધાનસભા ચૂંટણીમાં ભાજપના હારેલા ઉમેદવાર ડોક્ટર રાજુલ દેસાઈએ તેમની હાર માટે નગરપાલિકાની કામગીરીને પણ જવાબદાર ગણાવી હતી.જેને લઈને કેટલાક સભ્યોએ નારાજગી દર્શાવતા કહ્યું હતું કે આ બાબત બરાબર નથી. એકલી નગરપાલિકા જવાબદાર નથી. હકીકતમાં નગરપાલિકાને દોઢ બે વર્ષ થયા છે. તેમાં શરૂઆતમાં કોરોનાના કારણે કામ થઈ શક્યા નહીં તે પછી કોન્ટ્રાક્ટરોની હડતાળ થઈ જેવા કારણો કામગીરીમાં અવરોધક બન્યા હતા. છેલ્લા 6 માસ મળ્યા છે. અમે મહેનત કરી એટલે તો શહેરમાં આટલા મત મળ્યા છે.

એક વોર્ડમાં 1 કોર્પોરેટરની વિચારણા રાજ્યમાં થઈ હતી
રાજસ્થાનમાં નગરપાલિકાઓમાં એક વોર્ડમાં એક કોર્પોરેટર હોય છે જેને પાર્ષદ કહેવામાં આવે છે આજ રીતે ગુજરાતમાં પણ અગાઉની સરકાર વખતે દરેક નગરપાલિકામાં એક વોર્ડમાં એક કોર્પોરેટરની સિસ્ટમ અંગે વિચારણા કરી હતી. જોકે તેમાં કંઈ થયું ન હતું. આ પ્રકારની વ્યવસ્થા થાય તો પાટણમાં 44 વોર્ડમાં 44 કોર્પોરેટર થઈ જાય તો પછી બધા જ એલર્ટ રહેશે તેઓ પણ એક મત વ્યક્ત થયો હતો.

અન્ય સમાચારો પણ છે...