ખોટી જુબાની આપવા માટે સજા:રાધનપુર કોર્ટે ખોટી જુબાની-પૂરાવો આપનારા ફરીયાદી અને સાક્ષીને બે માસની સાદી કેદની સજા ફટકારી

પાટણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેસનાં ફરીયાદી સાક્ષીએ મેળવેલું રૂ. 2.25 લાખનું વળતર સરકારમાં જમા કરાવવા આદેશ
  • ફરિયાદી અને આરોપીએ સરકારી વિભાગમાંથી મેળવી લીધેલું વળતર પણ પરત કરવા આદેશ
  • આ કેસનાં આરોપીઓ સાથે ફરીયાદીએ સમાધાન કરી લેતાં તેઓ નિર્દોષ છૂટી ગયા હતા

પાટણ જિલ્લાની રાધનપુર ખાતેની એડીશ્નલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટનાં જજે તાજેતરમાં એટ્રોસીટીના કેસના એક મહિલા ફરીયાદી અનેકેસના એક સાક્ષીને કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન સોગંધ ઉપર ખોટી જુબાની અને ખોટો પૂરાવો આપવા બદલ બે-બે માસની સાદી કેસની સજા અને રૂા. 200-200નો દંડ ફટકાર્યો હતો. ઉપરાંત કોર્ટે આ કેસમાં ફરીયાદી અને સાક્ષીએ સરકારી વિભાગમાંથી મેળવી લીધેલી વળતરની રૂ. 75 હજાર તથા રૂ 1.5 લાખની રકમ સરકારમાં પરત કરવામાં અગાઉ કરેલા હુકમનો ભંગ કરવા બદલે તેમની સામે નોટિસ ઈશ્યુ કરી તેઓ આ બાબતે શું કહેવા માંગે છે તે સાંભળવા માટે તા. 7 મે, 2022ની મુદત નક્કિ કરાઇ છે.

આ કેસનાં ફરીયાદી અને સાક્ષીને ખોટી જુબાની આપવા તથા કેસના આરોપીઓ સાથે સમાધાન કરી દઈને કેસને નુકશાન કર્યુ હતું. તેમજ આ બંનેએ એટ્રોસિટી કેસની કાયદાકીય જોગવાઇઓ પ્રમાણે સરકારી વિભાગમાંથી વળતર પણ મેળવી લીધું હતું. જે વળતર કોર્ટે સરકારમાં પરત કરવાનો પણ આદેશ કરેલો છે.

કેસની વિગતો પ્રમાણે રાધનપુરના જેતલપુર ગામમાં તા. 25 મે, 2017ના રોજ ગામના ત્રણ વ્યક્તિઓ દિલીપજી યુનાજી, દિનેશજી ચમનજી અને ભોમજી લવજી સામે ગામના સવિતાબેન રત્નાભાઇ પરમારે ફરીયાદ નોંધાવી હતી. તેમણે એવો આક્ષેપ કરેલો કે, આરોપીઓએ સવિતાબેનના પરિવારના પ્રસંગ વખતે ગાળો બોલીને જાતિવિષયક શબ્દો બોલ્યા હતા અને હથિયારોથી માર માર્યો હતો. ફરીયાદી બેનને તલવારથી તથા અન્યને પણ માર માર્યો હતો. જે અંગે રાધનપુર પોલીસ મથકે જે વખતે એટ્રોસિટીની કલમો મુજબ ગુનો નોંધાયો હતો.

આ કેસ રાધનપુરની સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટમાં ચાલી જતા જજ એચ.એચ. ગાંધીએ ત્રણેય આરોપીઓને તા. 31 ડિસેમ્બર, 2021ના રોજ નિદોર્ષ ઠરાવીને છોડી મૂકવાનો આદેશ આપ્યો હતો. ઉપરાંત આ કેસના વિક્ટીમ-ફરીયાદી સવિતાબેન પરમારને આપવામાં આવેલી રૂા. 5,000ની સહાયની રકમ તથા ઈજા પામનારાં સાક્ષી જબીબેન પરમારને આપવામાં આવેલા રૂા. 1.5 લાખની સહાયની રકમ બંને જણાને તરત જ સોશિયલ જસ્ટીસ અને એમ્પાવરમેન્ટ ડીપાર્ટમેન્ટ ગાંધીનગર/સેક્રેટરી અનુસુચિત જાતી કલ્યાણ કચેરી પાટણ કલેકટર કચેરીમાં પરત ચૂકવી આપવી અને સહાયની રકમ બંને પાસેથી ઉપરોક્ત કચેરીઓને તેમની પાસેથી વસુલ કરવી અને તેની જાણ રાધનપુર કોર્ટને કરવા કરવા તાકીદ કરી હતી. તેમજ આ ચૂકાદાની નકલો પાટણ કલેક્ટર તથા સંબંધિત કચેરીના તપાસ અધિકારીને મોકલવાનો આદેશ કર્યો હતો.

આ ઉપરાંત કોર્ટે જે તે વખતે આ કેસનાં ફરીયાદી અને સાક્ષીને કોઇ ખોટો પૂરાવો આપવાનાં ગુના માટે શા માટે સજા ન કરવી તે બાબતે કહેવા માટે તેમને મુદત આપી હતી અને તેમને નોટીસ ઇશ્યુ કરી હતી. રાધનપુર સેશન્સ કોર્ટનાં જજ એચ.એચ. ગાંધીએ ઉપરોક્ત મામલેફરીયાદી અને સાક્ષીને શું સજા કરવી તે અંગે સાંભળ્યા હતા. આ કેસમાં ફરીયાદી અને સાક્ષીએ એટ્રોસિટી ફરીયાદ કર્યા બાદ આરોપીઓ સાથે સમાધાન કર્યુ હતું અને ફરીયાદી તથા સાક્ષી કોર્ટમાં કેસને સમર્થન આપ્યું ન હતું.

જેથી આરોપીઓને નિર્દોષ છોડવા પડ્યા હતા. જેથી કેસને નુકશાન થયું હતું તથા બંનેએ સરકારમાંથી વળતર પણ મેળવી લીધું હતું. જે વળતર સરકારને પરત કરવા આદેશ કર્યો હતો. પરંતુ ફરીયાદી કે સાક્ષીએ તેનું પાલન નહી કરીને તેમણે વળતર પાછું ચૂકવ્યું નહોતું. જે બાબતે કોર્ટે ધ્યાને લઇને તેમને એ ગુનામાં દોષિત ઠેરવીને બે-બે માસની સજા ફટકારી હતી. ઉપરાંત તેમને આ મામલે વધુ સાંભળવાની તક અને મુદત આપી હતી. તેની સુનાવણી હવે પછી થશે. આ કેસમાં સરકારી વકીલ મિતેશભાઇ ડી. પંડ્યાએ દલીલો કરી હતી.

અન્ય સમાચારો પણ છે...