ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:અમે ઢોરને માર્યા હોય તો સજા,માણસને ઢોરે મારી નાખ્યાં કોને સજા કરાવવી; પરિવાર

પાટણ3 મહિનો પહેલાલેખક: તેજસ રાવળ
  • કૉપી લિંક
બીજા દિવસે ગામના મુખ્ય પ્રવેશ માર્ગ પર 70થી વધુ રખડતાં ઢોરોનું ટોળું બેઠેલું જોવા મળ્યું - Divya Bhaskar
બીજા દિવસે ગામના મુખ્ય પ્રવેશ માર્ગ પર 70થી વધુ રખડતાં ઢોરોનું ટોળું બેઠેલું જોવા મળ્યું
  • અઘાર ગામમાં બેફામ રખડતા ઢોરોના કારણે પરિવારો બાળકોને ઘરની બહાર એકલા મુકતાં ડર અનુભવી રહ્યા છે
  • બે મહિલાઓને મોત બાદ અધાર ગામમાં ભયની સ્થિતિ
  • ગામ હાઇવે ઉપર હોય આસપાસના લોકો આખલાઓ અને ગાયો છોડી જાય છે : ગ્રામજનો

પાટણના અઘાર ગામમાં શુક્રવારે હડકાયા આખલાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી બે મહિલાઓને મોતને ઘાટ ઉતારવાની ચકચારી ઘટનાને લઈ ભયની સ્થિતિ સર્જાઈ છે. ગામમાં ઢોરના હુમલાના ભયને લઈ એટલો ભય પ્રસર્યો છે કે બાળકોને એકલા ઘરની બહાર મુકતા પરિવારો ડરી રહ્યા છે. તો વયોવૃદ્ધ લોકો પણ બહાર બેસતા અચકાઈ રહ્યા છે. બંને મૃતક મહિલાના પરિવારે ભારે હૈયે કહ્યું કે માણસ કોઈ ઢોરને મારે તો ફરિયાદ થાય અને સજા થાય અમારાં માણસને ઢોરે મારી નાખ્યાં અમારે કોણે સજા કરાવવી.

અઘાર ગામમાં મુખ્ય પ્રવેશ ગેટથી એક માર્ગીય રોડ પરથી પ્રવેશ કરતાં એક પાર્લર પર જેણુભા સોલંકી સહિતના લોકોએ છેલ્લા 4 વર્ષથી ગામમાં વધતા ઢોરથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હોવાના મત વ્યક્ત કરતા હતા. ઘટના બનેલ માઢ વિસ્તારમાં બપોરના સાડા અગિયાર વાગે ચોકમાં 2 મોતના પગલે લોકોમાં શોક હોય શાંત અને સુમસામ વાતાવરણ હતું. અગ્રણીઓ બનેસંગ સોલંકી, પથુજી સોલંકીએ જણાવ્યું કે ગામમાં પહેલા રખડતા ઢોરના કારણે અકસ્માતમાં 1 યુવક મરી ગયો, કાલે બે મહિલાઓને મારી નાખી બહુ ત્રાસ છે.

શાળાએ જવાના રસ્તા ઉપર ગાયને જોઈ બાળકો ડર અનુભવી રહ્યા છે
શાળાએ જવાના રસ્તા ઉપર ગાયને જોઈ બાળકો ડર અનુભવી રહ્યા છે

છેલ્લા 3-4 વર્ષથી સતત ગામમાં ઢોરો એટલા વધ્યા છે કે રસ્તા ઉપરથી નીકળવામાં મહિલાઓ અને બાળકોને બીક લાગી રહી છે. આટલા બધા ઢોરો કેમ છે તેમ પૂછતાં તેમને જણાવ્યું કે ગામમાં દુધાળા પશુઓને બાદ કરતા બિન ઉપયોગી રખડતા ઢોરો કેટલાક લોકો છુટા મૂકે છે. બીજુ કે હાઇવે ઉપરનું અમારું ગામ હોય શહેર અને આસપાસના ગામમાં ત્રાસ આપતા આખલાઓ અને ગાયો પકડી લોકો અમારા ગામની સીમમાં કે રોડ પર છોડી દે છે. અમે નજરે જોયું છે.

જેથી 200થી વધારે રખડતાં ઢોરો ફરી રહ્યા છે જેમાં આખલાઓ છે. ત્યાંથી આગળ બંને ગામના ગોદરે 60થી વધુ ગાયોનું ટોળું અને આખલા અડીંગો જમાવીને બેઠા હતા. બે શાળાઓ હોય લોકો ત્યાંથી બચી બચીને બાળકો સાથે નીકળી રહ્યા હતા. બીજી તરફ ગ્રામજનો અને ઉપસરપંચ સૌ સાથે મળી રખડતા ઢોરોનું શું કરવું તેની ચર્ચાઓ કરી રહ્યા હતા. રખડતા ઢોરો સામે રોષ અને પરિવારની સુરક્ષા માટે ચિંતા જોવા હતી.

ગામમાંથી તંત્ર બધા રખડતા ઢોરો પકડી લઈ જાય તો કલેજે ઠંડક મળશે : પરિવાર
બંને મૃતક મહિલાઓના પરિવારમાં ભારે શોકની લાગણી હતી.વધુ કંઈ ના બોલી શકતા.કંશુબા સોલંકી પરિવારના પુત્રો અને પતિને મળતા તેમને ભારે હૈયે કહ્યું હતું કે માણસ કોઈ ઢોરને મારે તો ફરિયાદ થાય અને સજા થાય અમારાં માણસને ઢોરે મારી નાખ્યાં અમારે કોણે સજા કરાવવી બસ એટલું જ કહીએ છીએ કે ગામમાં વધુ કોઈને ઢોર મારી નાખે તે પહેલાં તંત્ર દ્વારા ગામમાંથી બધા રખડતા ઢોરો પકડી લઈ જાય તો અમને કલેજે ઠંડક મળશે.

ગ્રામજનોને માલિકીના ઢોર બાંધવા સૂચના અને રખડતા ઢોર પકડી ગૌ શાળામાં મુકાશે : વહીવટદાર
ગ્રામ પંચાયતના વહીવટદાર ઇમરાન મન્સૂરીએ જણાવ્યું હતું કે ઘટના અંગે પંચનામુ કરી રિપોર્ટ ટીડીઓને આપ્યો છે. તેમના માર્ગદર્શન મુજબ ગામમાં રખડતા ઢોર દુર કરવા પંચાયત દ્વારા જાહેરનામુ બહાર પાડી ઉપસરપંચને સાથે રાખી રવિવારે ગ્રામજનોની મિટિંગ બોલાવી છે. જેમાં સૌ સાથે મળી ગામમાં સમસ્યા હલ થાય માટે માલિકીના ઢોર ઘરમાં બાંધવા એક દિવસની મુદત આપીશું અને બીજા રખડતા તમામ ઢોર સોમવારથી પકડવાની કામગીરી શરૂ કરી ગૌશાળા મૂકવાનું શરુ કરીશું. ગૌશાળા વાળાં આખલાઓ લેવાની ના પાડતાં હોય ઊચ્ચ અધિકારીઓની મદદથી તેનું અલગથી આયોજન કરીશું.

દિવસે ગામમાં ઢોરો ત્રાસ, રાત્રે ખેતરોમાં ઉજાગરા કરવા પડે છે
દિવસે ગામમાં રખડતા ઢોરો લોકોને હેરાન કરે છે. રાત્રે સીમના ખેતરોમાં ખુશીને વાવેતર કરેલા ઉભા ચરી જાય છે. મારા ખેતરમાં હમણાં એક હેક્ટરમાં વાવેલા એરંડા ખાઈ ગયા હતા. મારુ વાવેતર અને ખર્ચ માથે પડ્યું. ઢોરોએ ખેડૂતોની રાત્રે ઊંઘ આરામ કરી દીધી છે. - બાપુજી અજીતજી સોલંકી, ગામના ખેડૂત

અન્ય સમાચારો પણ છે...