સુવિધાનો અભાવ:પાટણના સરસ્વતી નદીના બ્રિજ ઉપર સ્ટ્રીટ લાઇટોની વ્યવસ્થા કરવા તંત્ર સમક્ષ લોક માગ

પાટણ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેરની આસપાસમાં આવેલા ગ્રામ્ય વિસ્તારમાં તેમજ હાઇવે અને સરસ્વતી નદી પરના નવીન બ્રિજ ખાતે સ્ટ્રીટ લાઈટનો અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

પાટણ શહેરના સિદ્ધપુર હાઇવે અને ઊંઝા હાઇવે પર નવો રોડ અને ફોરલેન બનાવવામાં આવેલો હોવાથી વાહનચાલકોની સુવિધામાં વધારો થયો છે પરંતુ આ બન્ને મહત્વના હાઇવે માર્ગો પર પાટણ શહેરની હદથી નજીકના ગ્રામ વિસ્તાર સુધીમાં સ્ટ્રીટ લાઈટની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. જેને કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓને મુશ્કેલીઓ ભોગવવી પડે છે, અને અવારનવાર અકસ્માતના બનાવ બનતા જોવા મળી રહ્યા છે તેની ગંભીરતા ધ્યાને લઈને માર્ગ મકાન વિભાગ, સ્થાનિક નગરપાલિકા તંત્ર અને જિલ્લા વહીવટી તંત્ર સાથે બેસી આ દિશામાં યોગ્ય વિચારણા કરીને પાટણ હાઇવે ત્રણ રસ્તાથી હાંસાપુર અને ધારપુર મેડિકલ કોલેજ હોસ્પિટલ સુધી તેમજ ત્રણ રસ્તાથી રૂની માર્ગ પર સ્ટ્રીટલાઈટ નાખવા પ્લાનીગ કરી ઝડપથી તેનું અમલીકરણ કરે તેવી વ્યાપક લોક માંગ ઉઠી છે.

આ અંગે જાણવા મળ્યા મુજબ જે તે સમયે નગરપાલિકા દ્વારા ઠરાવ પણ થયેલો છે. વળી, માર્ગ મકાન વિભાગ દ્વારા આ હાઇવે પર સ્ટ્રીટ લાઈટ નાખવા રૂપિયા પાંચ લાખના ખર્ચનું એસ્ટીમેટ નગરપાલિકાને આપવામાં આવ્યું છે, તો પાલિકાના સત્તાધીશો આવી ગંભીર બાબતમાં લોકહિતને અગ્રતા આપીને રૂ.5 લાખ ઝડપથી ભરે તે ખૂબ જરૂરી છે. પાટણથી ડીસા હાઇવે પર સરસ્વતી નદી પર સરકાર દ્વારા નવો ફોરલેન બ્રિજ બનાવ્યો છે ત્યાં પણ સ્ટ્રીટ લાઈટની સુવિધા કરાઈ ન હોઈ નાના વાહન ચાલકોને રાત્રીના સમયે મુશ્કેલીઓ પડતી હોઈ સરસ્વતી નદી પરના બ્રિજ ઉપર લાઈટો નાખવા ઝડપથી પગલાં ભરાય તેવી લોકમાંગ ઉઠી છે.

આ બાબતે આર એન બી વિભાગને પૂછતાં જણાવ્યું હતું કે, બ્રિજ પર ટેન્ડરમાં આ કામની કોઈ જોગવાઈ નથી, પરંતુ સિદ્ધપુર બ્રિજના કામમાં લાઈટીંગ કરવાની જોગવાઈ હતી એટલે એમ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...