કોરોના વાયરસના પ્રાથમિક લક્ષણો શરદી અને ખાંસી છે. ત્યારે આ લક્ષણો ઓળખી સમયસર પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરાવી શકાય તે માટે પાટણ જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પાટણ, સિદ્ધપુર અને રાધનપુર શહેરોમાં કુલ ૧૩ જેટલા જનતા ક્લિનિક શરૂ કરવામાં આવ્યા છે.
સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન અને માસ્ક કોરોના વાયરસના સંક્રમણને ફેલાતુ અટકાવે છે, જ્યારે રસીકરણ કોવિડ સામે રક્ષાકવચ પુરૂ પાડે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની માર્ગદર્શિકાનું પાલન કોવિડના સંક્રમણને અટકાવી શકે છે, પરંતુ સંક્રમિત થવાના કારણે શરદી-ખાંસી કે તાવ જેવા લક્ષણો જણાય અને સમયસર પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે તો કોવિડની ગંભીર અસરોથી બચી શકાય છે.
કોવિડ મહામારીના સમયમાં નાગરિકોને પ્રાથમિક આરોગ્ય સુવિધા નજીકના સ્થળે જ મળી રહે તે માટે પાટણ શહેરમાં 07, સિદ્ધપુર શહેરમાં 03 અને રાધનપુર શહેરી વિસ્તારમાં 03 જનતા ક્લિનિક શરૂ કરવામાં આવ્યા છે. આ જનતા ક્લિનિક પર તબીબોની નિમણૂંક કરવામાં આવી છે. જ્યાં હેલ્થ ચેકઅપ કરાવવા સાથે જરૂરી દવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
જો કોવિડના કોઈપણ પ્રાથમિક લક્ષણ જણાય તો તુરંત જનતા ક્લિનિકનો સંપર્ક કરવા તથા યોગ્ય સારવાર લઈ કોરોના સંક્રમણને આગળ વધતું અટકાવી શકાય તે માટે હોમ આઈસોલેટ થવા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.
જનતા ક્લિનિકની યાદી
- વી.કે.ભુલા સ્કુલ પાસે, પાટણ- આંગણવાડીનું મકાન, શ્રમજીવી સોસાયટી, પાટણ- આંગણવાડીનું મકાન, સાલ્વીવાડો, પાટણ- નવા રેડક્રોસ ભવન, પાટણ- વોર્ડ ઓફિસ, છિંડીયા દરવાજા બહાર, પાટણ- બગવાડા દરવાજા, પાટણ- પાર્થ કોમ્પ્લેક્ષ, અંબાજી નેળીયું, પાટણ- ભીલવાસ, સિદ્ધપુર- પગીવાસ, સિદ્ધપુર- જૂની મિલની ચાલી, સિદ્ધપુર- કાજીવાસ, રાધનપુર- રવિધામ, રાધનપુર- વલ્લભનગર, રાધનપુર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.