અવસર કેમ્પેઈન:પાટણ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં યોજાયા મતદાન જાગૃતિના કાર્યક્રમો

પાટણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતીય ચૂંટણી પંચ દ્વારા તારીખ 3.11.2022 ના રોજ ચૂંટણી જાહેર કર્યા બાદ રાજ્યભરમાં વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.પાટણ જિલ્લામાં જ્યારે તારીખ 5.12.2022 ના રોજ બીજા તબક્કામાં મતદાન થશે ત્યારે મતદાનના દિવસે વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર કામે લાગ્યું છે. વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પ્રચાર-પ્રસાર પણ કરવામાં આવી રહ્યો છે. આ પ્રચાર-પ્રસારના ભાગરૂપે આજરોજ પાટણ જિલ્લામાં અવસર કેમ્પેઇન અંતર્ગત અલગ અલગ વિસ્તારોમાં મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

અવસર કેમ્પેઇનની ટેગ લાઈન છે,"અવસર લોકશાહીનો" તે સાચા અર્થમાં લોકશાહીનો અવસર બની રહે અને નિર્ભીક તેમજ પારદર્શક વાતાવરણ વચ્ચે ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર કટિબદ્ધ છે. આજરોજ પાટણ જિલ્લામાં અવસર કેમ્પેઇન અંતર્ગત અલગ અલગ વિસ્તારોમાં મતદાન જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. પાટણ જિલ્લાની શ્રમજીવી સોસાયટીમાં મતદાન જાગૃતિ માટે અહીં મજૂરી કરતા લોકો વધુને વધુ મતદાન કરે તે માટે અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. તેઓને મતદાનનું શું મહત્વ છે તે વિશે સમજણ આપવામાં આવી હતી. આ સોસાયટીમાં સેલ્ફી પોઇન્ટ પણ ઊભા કરવામાં આવ્યા હતા, જ્યાં અહીં મજૂરી કરતા લોકોએ ફોટોગ્રાફ પણ લીધા હતા. બાલીસણા ગામમાં પણ મતદાન જાગૃતિ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બાલીસણા ગામમાં શપથ વિધિનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ શપથ વિધિમાં ગ્રામજનોને મતદાન કરવા માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતા.

હારીજમાં આવેલા વાદી વિસ્તારમાં રંગોળી કરીને મતદાન અંગે પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો અને લોકોને મતદાનની સમજણ આપવામાં આવી. અહીં વસતા વિચરતી અને વિમુક્ત જાતિના લોકો ક્યારેક મતદાન કરવા માટે જઈ શકતા નથી તેથી વિચરતી અને વિમુક્ત જાતિના લોકો પણ મતદાનથી વિમુક્ત ન રહી જાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, અને મતદાન જાગૃતિનું આ ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તો આ તરફ પાટણના સંડેર ગામમાં આવેલ વૃદ્ધાશ્રમમાં મતદાન જાગૃતિ માટે ભવાઈ થી ભલામણ કરવામાં આવી હતી.

વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો પણ લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી બને અને તા.5.12.2022ના રોજ બીજા તબક્કામાં થનાર મતદાનમાં સહભાગી બનીને મતદાન કરે તે માટે ભવાઈ દ્વારા મતદાન જાગૃતિ લાવવામાં આવી જેથી વધુને વધુ લોકો મતદાન કરે. આ રીતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સતત મતદાન અંગે જાગૃતિ આવે અને વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે વિવિધ માધ્યમો દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે.

અવસર કેમ્પેઈન અંતર્ગત મતદારોને જાગૃત કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી સુપ્રીતસિંઘ ગુલાટીના માર્ગદર્શન હેઠળ સતત નિવાસી અધિક કલેકટર પ્રદીપસિંહ રાઠોડ માર્ગદર્શન કરી રહ્યા છે. તેમજ નાયબ કલેક્ટર અને નોડલ ઓફિસર સંજય ચૌધરી, નાયબ માહિતી નિયામક શ્રી અને નોડલ ઓફિસર મીડિયા કુલદીપ પરમાર, તેમજ જિલ્લા આયોજન કચેરીનો સ્ટાફ અને જે તે વિધાનસભા સીટના ચૂંટણી અધિકારીઓનો સ્ટાફ પણ મતદાન જાગૃતિ માટે કાર્યરત છે.

અન્ય સમાચારો પણ છે...