પાટણ શહેરમાં લોકો લક્ષી કામો ઝડપથી થાય અને બિનજરૂરી વિલંબ થાય નહીં તે માટે નગરપાલિકા સંકલન સમિતિની બેઠક શરૂ કરવામાં આવી છે. ગુરુવારે મળેલી બીજી સંકલન બેઠકમાં પાલિકા પ્રમુખ દ્વારા તમામ શાખાના ચેરમેનોને તેમના પડતર કામો ઝડપથી થાય એ માટે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. ચેરમેનો દ્વારા તેમની મુંઝવણો રજૂ કરવામાં આવી હતી.
નગરપાલિકામાં સત્તાધારી ભાજપના આંતરિક કહેવાતા મતભેદોના કારણે તેની અસર પાલિકાની કામગીરી અને શહેરના વિકાસ કામો ઉપર પડી રહી છે. ત્યારે તાજેતરમાં કેટલાક સભાસદોએ ભૂતપૂર્વ પ્રમુખોની સંકલન સમિતિ બનાવી જરૂર પડે એમનું માર્ગદર્શન લઈ વિવિધ વિસ્તારના વિકાસ કામો સમયસર હાથ ધરવામાં આવે તેવો મત જણાવ્યો હતો. જોકે નગરપાલિકા દ્વારા બે અઠવાડિયાથી વિવિધ શાખાના ચેરમેનોની સંકલન સમિતિ બનાવવામાં આવી છે અને દરેક શાખાના કામો ઝડપથી કરવા માટે સૂચના આપવામાં આવી રહી છે.
પાલિકા કચેરી ખાતે ગુરુવારે પ્રમુખ સ્મિતાબેન પટેલની અધ્યક્ષતામાં બીજી સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં શાખાઓના પેન્ડિંગ કામોની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ ગ્રાન્ટની જરૂરિયાત અંગે પણ વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં ભૂગર્ભ ગટર અને વોટર વર્કસ શાખાની વર્ષો પહેલાં નાખવામાં આવેલી પાઇપલાઇનમાં નવીનીકરણ કરવા માટે સર્વે શરૂ થઈ ગયો છે. એ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
પાલિકા ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે શાખાઓના ચેરમેન સાથે તેમના હસ્તકના પ્રગતિમાં હોય એવા કામો, નવા કામો, પેન્ડિંગ કામો અંગે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. હવેથી દર ગુરૂવારે શાખાઓના ચેરમેનો સાથે બેઠક કરીને તેમની જરૂરિયાત જાણવામાં આવશે તેમજ જરૂરી ગ્રાન્ટો અંગે રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ આ બેઠકમાં રોડ-રસ્તાના પેન્ડિગ કામો અંગે હાલમાં ચાલી રહેલી ક્વોરી ઉધોગની હડતાલના કારણે અસર થઈ રહી છે. તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.