પાટણ શહેરમાં ઉનાળાની કાળજાળ ગરમી પડી રહી છે ત્યારે રાહદારીઓ માટે પીવાના પાણીની પરબ ની જરૂરિયાત વધી જાય છે ત્યારે શહેરની ફતેહસિંહ રાવ લાઈબ્રેરી દ્વારા અનાવાડા ચાર રસ્તા પાસે કાયમી પરબ બનાવવા માટે નગરપાલિકામાં જમીન માગવામાં આવી છે તેમાં નગરપાલિકા દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરાઈ હતી.
શહેરની ફતેહ સિંહ રાવ લાઇબ્રેરી દ્વારા પુસ્તકાલય પ્રવૃત્તિ ઉપરાંત વિવિધ સેવા પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે ત્યારે લાઇબ્રેરીની બાજુમાં અનાવાડા ચાર રસ્તા ઉપર લોકોની વધી રહેલી અવરજવરને ધ્યાને લેતા તે સ્થળે કાયમી પાણીની પરબ શરૂ કરવા માટે તૈયારી દાખવવામાં આવી છે.
તાજેતરમાં લાઇબ્રેરીના પ્રમુખ ડોક્ટર શૈલેષ સોમપુરા તેમજ સભ્ય મહાસુખભાઈ મોદી નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને રૂબરૂ મળ્યા હતા અને જીમખાના કોટની બહાર જમીન ફાળવી આપવા લેખિતમાં રજૂઆત કરી હતી. આ અંગે નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલે જણાવ્યું હતું કે લાઇબ્રેરીની રજૂઆત વિચારણા હેઠળ છે.
કોર્પોરેટર મનોજ પટેલે જણાવ્યું હતું કે પાણીની પરબની સુવિધા થાય તો સારી વાત છે. આ અંગે યોગ્ય સહકાર કરીશું..આ માટે નગરપાલિકામાં દ્વારા યોગ્ય કરવામાં આવે તેવી લાગણી લાઇબ્રેરી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
હાલમાં એકપણ કાયમી પરબ નથી
ડોક્ટર શૈલેષ સોમપુરાએ જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા જગ્યા ફાળવવામાં આવશે તો કાયમી ધોરણે પાણીની પરબ ચલાવવા માટે દાતા પણ તૈયાર છે. અહીં દિન પ્રતિદિન લોકોની અવર-જવર વધી રહી છે અને લાઇબ્રેરીની બિલકુલ નજીક આ જગ્યા હોવાથી સતત દેખરેખ રાખી શકાશે શહેરમાં અગાઉના સમયમાં પાણીની કાયમી પરબો 4 થી 5 ચાલતી હતી પરંતુ હાલમાં એક પણ નથી લીયો ક્લબ તેમજ અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ઉનાળા દરમિયાન પરબ ગોઠવાય છે અમે અહીં કાયમી ધોરણે આરો પ્લાન્ટ સહિતની પરબ શરૂ કરવા આયોજન કર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.