હેરિટેજ રોડ હેરતભર્યો:ચોમાસા અગાઉથી બિસમાર રોડ વરસાદ પછી ત્રાસદી બન્યો

પાટણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
જુના કાળકા મંદિર પાસે ખાડામાં પાણીનો ભરાવો થતાં વાહનચાલકોને હાલાકી - Divya Bhaskar
જુના કાળકા મંદિર પાસે ખાડામાં પાણીનો ભરાવો થતાં વાહનચાલકોને હાલાકી
  • પાટણમાં તંત્ર અને પાલિકાની બેદરકારીના કારણે વિસ્તારના લોકો પરેશાન

પાટણ શહેરમાં તંત્ર અને નગરપાલિકાની બેદરકારીના કારણે હેરિટેજ રોડની બિસમાર હાલત સર્જાય છે જેને લઇને આ વિસ્તારમાં આવેલા સોસાયટી વિસ્તારના રહીશો તેમજ રાણકી વાવ અને મ્યુઝિયમના ટુરિસ્ટોમાં રોષ ફેલાયો છે. હાલમાં છેલ્લા ચાર દિવસમાં થયેલા વરસાદના કારણે જૂની કાળકા મંદિરથી અનાવાડા દરવાજા સુધી ઠેક ઠેકાણે પાણી ભરાઈ રહેતા અને નીચે ખાડા હોવાથી વાહનો પટકાઈ રહ્યા છે. જેને લઇને લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે.

શહેરમાં રાણકી વાવ સહસ્ત્રલિંગ તળાવથી જૂની કાળકા થઈ કનસડા દરવાજા જીમખાના પાછળ થઈ મોતીશા લીંક રોડ સુધી હેરિટેજ ગણવામાં આવે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી આ રોડ ઉપર વરસાદ પહેલા નવીનીકરણ થયું ન હતું તેમજ ખાડાઓ પડી જતા રોડની બેહાલી સર્જાઈ હતી. હવે વરસાદ પડતા નગરપાલિકા દ્વારા કરાયેલા કાચા પેચ વર્ક રફેદફે થઈ ગયા છે અને ખાડા ઊંડા થઈ જતા અને પાણી ભરાઈ રહેતા અવર-જવરમાં ભારે મુશ્કેલી રહીશો અનુભવી રહ્યા છે.

નવી અને જૂની કાળકા મંદિર વચ્ચે ઢાળ ઉતરતા જૂની કાળકા મંદિરના દરવાજા પાસે અડધા ફૂટ જેટલું ઉંડુ ગાબડું સર્જાયું છે અને તેના ઉપર એક ફૂટ જેટલું વરસાદી પાણી ભરાઈ રહ્યું છે. મંદિર પાસેના ચોકમાં ત્રણ જગ્યાએ પાણી ભરાયા છે.પ્રભુકૃપા સોસાયટીમાં જવાના રસ્તા ઉપર મહિલાઓ રસ્તાની આઘીપાછી થઈ પાણી વચ્ચેથી માંડ પસાર થતી જોવા મળી હતી.તેમણે જણાવ્યું હતું કે દર વરસાદે આ હાલત થાય છે. સુવિધિનાથ સોસાયટી તેમજ મલ્હાર બંગલોઝ પાસે પણ 15 થી 20 ફૂટ જેટલા અંતરમાં અતિશય ખાડા થઈ જતા અને તેમાં પાણી ભરાઈ રહેતા ટુ, થ્રી અને ફોરવીલર વાહન ચાલકોએ ઉછળકૂદ સાથે પસાર થવું પડી રહ્યું છે.

પાણીમાંથી બહાર નીકળતા 15 ફૂટ જેટલો રોડ ઉબડખાબડ બની ગયો છે.ત્યાંથી આગળ જતાં તોલમાપ કચેરી અને નંદઘર આંગણવાડી પાસે બમ્પના લીધે રોડ ઉપર જ પાણીનું તળાવ સર્જાઈ ગયું છે. આંગણવાડીના ગેટની બીજી તરફ સામેના ભાગે ગંદકી અને કીચડ થયેલો હોવાથી નાના બાળકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. વનરાજ પ્રાથમિક શાળા પાસે 25 ફૂટ જેટલો રસ્તો એક સાઈડમાં ખરબચડો થઈ ગયો છે. અનાવાડા ચાર રસ્તા ઉપર રંગીલા હનુમાન ચોક રકાબી જેવી હાલત હોવાથી વરસાદી પાણી ભરાઈ રહ્યું છે. જ્યારે મોતીસા લીંક રોડ ઉપર ખાડા પડી ગયા હોવાથી ત્યાં પણ પાણી ભરાઈ રહેવાની સમસ્યા સર્જાઈ રહી છે.

પ્રભુ કૃપા સોસાયટીનો રસ્તો ડામર રોડના લેવલથી નીચો હોવાથી પાણી દર વર્ષે ભરાઈ જાય છે આખું ચોમાસુ આવી હાલત રહેશે તેમ સ્થાનિક રહેશે જણાવ્યું હતું. મલ્હાર બંગલોમાં રહેતા લોકોએ જણાવ્યા મુજબ સોસાયટીના ગેટ આગળ જ પાણી ભરાયું છે.તમે જોઈ લો. આ પાણીમાં કેટલા ઊંડા ખાડા છે તેને શું ખબર પડશે. સુવિધિનાથ સોસાયટીના રહીશના જણાવ્યા મુજબ વરસાદ પહેલા પણ રોડની તકલીફ હતી તે હવે ઘણી વધી છે .હેરિટેજ રોડ જેવું ક્યાં લાગે છે.

અમારા હસ્તક નથી હેરિટેજ રોડ : તંત્ર
માર્ગ મકાન વિભાગના એન્જિનિયર રાઠોડના જણાવ્યા મુજબ હેરિટેજ રોડ નગરપાલિકાને માલિકીનો છે. અગાઉ માર્ગ મકાન વિભાગ દ્વારા કેટલાક રોડનું કામ કરી આપ્યું હતું પરંતુ કાયમી ધોરણે નગરપાલિકાએ રોડ સાચવવાનો રહે છે.

ચોમાસામાં ધોવાણ ન થાય તે માટે રોડ હવે બનાવાશે
વોર્ડના કોર્પોરેટર મનોજભાઈ પટેલે જણાવ્યું અગાઉ રોડનું કામ મંજુર થયું હતું પરંતુ ચોમાસુ આવતું હોવાથી ધોવાણ થઈ જવાની શક્યતા હોવાથી કામ શરૂ કરાવ્યું ન હતું. સહસ્ત્રલિંગ તળાવ, રાણકીવાવ, જૂની કાળકા, રંગીલા હનુમાન સુધીના રોડનું કામ અંદાજે રૂ.1 કરોડના ખર્ચે ચોમાસા પછી શરૂ થશે. હાલ તકલીફ પડે છે પણ પછી રોડ સારો બની જશે.

અન્ય સમાચારો પણ છે...