ધર્મનગરી પાટણ ખાતે એક અનોખા મંદિરનું નિર્માણ થયું છે. જેના દ્વારા મુંગા જીવોની આંતરડી ઠારવાનો એક અનોખો ભગીરથ પ્રયાસ કરાયો છે. પાટણ શહેરની સેવાભાવી સંસ્થા શ્રી સિદ્ધહેમ સેવા ટ્રસ્ટ દ્વારા શહેરનાં હાંસાપુર લીંક રોડ પર શ્રી રોટલીયા હનુમાનજી દાદાનાં ભવ્ય મંદિર નિર્માણનું કાર્ય કરાયું છે. જેમાં રામનવમીથી લઈ હનુમાન જયંતી સુધી રોટલીયા હનુમાન દાદાના મંદિરનો 5 દિવસીય પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિભાવ પૂર્ણ માહોલામાં યોજાયો હતો. જેના દર્શન પૂજનનો અને હવનમાં બેસવાનો લાહવો ભાવિક ભક્તોએ સહિત વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં લીધો હતો તો 5 દિવસ વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમો યોજાયા હતા.
રોટલીયા હનુમાનજી મંદિર નિર્માણનો મુખ્ય ઉદ્દેશ મુંગા જીવોની આંતરડી ઠારવાનો છે અને એ માટે જ આ મંદિરે ભક્તજનો દર્શને આવે ત્યારે દાદાને પ્રસાદ તરીકે માત્ર રોટલા કે રોટલી જ ચઢાવી શકાશે. પ્રસાદ રૂપે એક્ઠા થયેલા રોટલા-રોટલી સાંજે જિલ્લાની વિવિધ સીમ વિસ્તાર કુતરા, વાંદરા સહિત મુંગા પશુ-પક્ષીઓને ભોજનરૂપે અર્પણ કરવામાં આવશે. આવા અનોખા ઉદ્દેશ સાથે નિર્માણ પામતું રોટલિયા હનુમાનજી મંદિર સંભવત ભારતભરમાં આ પ્રકારનું પ્રથમ મંદિર હશે.
સિદ્ધહેમ સેવા ટ્રસ્ટ દ્વારા શહેરીજનોને જણાવ્યું હતું કે આ મંદિરે દાદાને શ્રીફળ, પેંડા, લાડુ કે અન્ય કોઈ પ્રસાદ ન ચઢાવીને પ્રસાદ તરીકે માત્ર રોટલા કે રોટલી જ ધરાવીને મુંગા જીવોની આંતરડી ઠારવા એક અનોખી પહેલ કરી છે.
પ્રસાદ સ્વરૂપે આવતા રોટલા રોટલી પશુઓને ખવડાવાશે
સિધ્ધહેમ સેવા ટ્રસ્ટના પ્રમુખ સ્નેહલ પટેલે જણાવ્યું કે શહેરમાં ભગવાનની ભક્તિ સાચા અર્થેમાં થાય અને ભૂખ્યા મૂંગા પશુઓનું પેટ પણ ભરાય જેથી ભગવાન રાજી થાય એજ વિચાર સાથે ભક્તિ અને સેવા એકસાથે કરી શકાય માટે સમગ્ર વિશ્વમાં ન હોય એવું એકમાત્ર રોટલીયા હનુમાન દાદાનું મંદિર બનાવ્યું છે.અંદાજે રોજ ભક્તો દ્વારા રોટલા રોટલી મળી મણ જેટલી પ્રસાદી આવશે. જે પશુઓ માટે ભોજન માટે સાંજે વિતરણ કરી ખવડાવવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.