પાટણ નજીક પાટણ શિહોરી રોડ ઉપર ચોરમારપુરા ખાતે કરોડોના ખર્ચે નિર્માણ કરાયેલ રીજીયોનલ સાયન્સ સેન્ટર અને ડાયનાસોર પાર્કની મુલાકાતે રોજેરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મુલાકાતીઓ આવી રહ્યા છે. પાટણના વતની મુંબઈ વસતા પ્રફુલભાઇ કાંતિલાલ શાહ (એસ.કે. ગ્રુપ પરિવાર)એ થોડા મહિના પહેલા આ રીજીયોનલ સાયન્સ સેન્ટરની મુલાકાત લીધી હતી. પાટણ જિલ્લાના આ અદભુત સાયન્સ સેન્ટરને નિહાળી તેઓ ખૂબ જ પ્રભાવિત થયેલ હતા.
તેમણે આ સાયન્સ સેન્ટરની મુલાકાતે આવતા વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓને નિહાળવા માટે તેમની પાસેના એન્ટિક એવા તેમના પરિવારના 60 વર્ષ જુના કોડાક અને નિકોન કંપનીના કેમેરા ભેટ આપવાનું નક્કી કર્યું હતું, તે મુજબ પ્રફુલભાઈ શાહ અને તેમના ધર્મપત્ની મૃદુંલાબેન શાહ આ બંને કેમેરા ભેટ આપવા ખાસ પાટણ આવ્યા હતા.
આ રીજીયોનલ સાયન્સ સેન્ટરના પ્રો. ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રીએ પ્રફલભાઈ શાહની આ ઉદાર ભાવનાની ખૂબ જ પ્રશંસા કરી હતી. તેઓ મુંબઈથી ખાસ આ કેમેરા અર્પણ કરવા પાટણ આવ્યા તે બદલ પ્રફુલભાઈને અભિનંદન પણ આપ્યા હતા.
આ બંને કેમેરા તેમણે આ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રીને અર્પણ કરેલ, ત્યારે તેમની સાથે તેમના ધર્મપત્ની મૃદુલાબેન શાહ, મિત્ર હર્ષદભાઈ ખમાર અને પ્રફલભાઈના પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. ડો. સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં આવા પાંચ સાયન્સ સેન્ટરો બનાવ્યા છે તેમાં પાટણ સેન્ટરનો પ્રથમ નંબર આવે છે. ગત 1લી મે 2022માં આ સેન્ટરનું ઉદઘાટન થયા બાદ અઢી લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓએ આ સેન્ટરની મુલાકાત લીધી છે. આ સેન્ટરમાં વિવિધ ગેલેરીઓ,5-ડી થિયેટર, ડાયનાસોર પાર્ક, વર્ચ્યુઅલ રિયાલિટી જેવી ટેકનોલોજી નિહાળી લોકો ખૂબ જ પ્રભાવિત થાય છે.પાટણ ની વર્લ્ડ હેરિટેજ રાણકી વાવ ,પટોળા બાદ સાયન્સ સેન્ટર પાટણમાં પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
આ પ્રસંગે સાયન્સ સેન્ટરના ફેકલ્ટી મેનેજર જીત પટેલ, મેઇટેન્ટ મેનેજર હર્ષદ પટેલ, કોમ્યુનિકેશન મેનેજર ઉજ્જવલકુમાર, ગેલેરી ગાઈડ જગદીશ પટેલ, એડ.આસી. જીનલ મોદી, ટુર ગાઈડ વિપુલ પ્રજાપતિ અને ઉર્વશી પ્રજાપતિ વિગેરે હાજર રહીને આ સમગ્ર સાયન્સ સેન્ટરની મુલાકાત કરાવી જરૂરી માહિતી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.