વિધુત બોર્ડની કામગીરી સામે સવાલ:શંખેશ્વરમાં નાના અમથા વરસાદી ઝાપટાને કારણે કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયો

પાટણ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરસાદ બાદ ભારે ઉકળાટ અને તેમાં વીજળી ન હોવાથી લોકો અસહ્ય બફારામાં શેકાયા

શંખેશ્વર ખાતે શનિવારના રોજ સાંજના સમયે એકાએક વરસાદી ઝાપટું પડ્યું હતું. વરસાદને કારણે ગરમીના ઉકળાટથી લોકોએ રાહત અનુભવી હતી, પરંતુ નાના અમથા વરસાદી ઝાપટાને કારણે કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાતા શંખેશ્વર વિધુત બોર્ડની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે.

લોકો અસહ્ય બફારામાં શેકાયા
શંખેશ્વર અને તેની આજુબાજુના વિસ્તારના રૂની, રણોદ કુવારદ, રતનપુરા, બોલેરા, ખંડીયા, પાડલા ગામડાઓમાં શનિવારના રોજ સાંજના સમયે વરસાદી ઝાપટું પડ્યું હતું. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. તો બીજી બાજુ માત્ર થોડા વરસાદથી શંખેશ્વર ખાતે વીજ પુરવઠો ખોરવાયો હતો. વરસાદ ભારે ઉકળાટ અને તેમાં વીજળી ન હોવાથી લોકો અસહ્ય બફારામાં શેકાયા હતા.

વિધુત બોર્ડની કામગીરી સામે સવાલ
શંખેશ્વર વીજળી વિભાગના કર્મચારીઓની પ્રિમોન્સુન કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે. ચોમાસાની શરૂઆતમાં જ વીજળીના પ્રશ્નો ઉપસ્થિત થતા ભારે ચોમાસામાં લોકોની સ્થિતિ કેવી થશે તેવા પ્રશ્નો ઉઠવા પામ્યા છે ત્યારે આગામી સમયમાં વીજળી વિભાગ દ્વારા યોગ્ય પ્રિમોન્સુન કામગીરી કરી મરામત કામ હાથ ધરવામાં આવે અને ભવિષ્યમાં વીજ પુરવઠો ખોરવાઈ નહીં તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

આજે પણ ઉત્તરગુજરાતમાં હળવાં ઝાપટાં પડી શકે છે
ઉત્તર ગુજરાતમાં શનિવાર મોડી રાત વરસાદી માહોલ સર્જવાનું શરૂ થયું હતું. રાત્રે હળવા ઝાપટા બાદ રવિવાર બપોર સુધી અસહ્ય ઉકળાટ રહ્યો હતો. જોકે સાંજ પડતાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો હતો. બપોરે 39થી 40 ડિગ્રીની આસપાસ રહેલું તાપમાન અચાનક વરસાદી માહોલના પગલે સાંજે 7 વાગે 33 ડિગ્રીએ પહોંચતાં વાતાવરણ ઠંડું બન્યું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, સોમવારે પણ ઉત્તર ગુજરાતમાં છુટાછવાયા વિસ્તારોમાં હળવાં ઝાપટાં પડી શકે છે. જોકે, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદની શક્યતા વધુ રહેલી છે.

અન્ય સમાચારો પણ છે...