ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ:પાટણ યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી માટે 16 ડિસેમ્બરે 28 કેન્દ્રો પર મતદાન, 50 ઉમેદવારો મેદાનમાં, 18મી એ મતગણતરી

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સેનેટની 16 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. જે અંતર્ગત યુનિવર્સિટી તંત્ર દ્વારા મતદાનને લગતી તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવી છે. જુદાજુદા કુલ 6 મતદાર વિભાગની 20 બેઠકો માટે 50 હરીફ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કોર્ટ (સેનેટ)ની કુલ 48 બેઠકો માટેની ચૂંટણી અંતર્ગત કુલ 18031 મતદારોમાંથી બિનહરીફ થયેલા મતદાર વિભાગોના મતદારોને બાદ કરતા 14632 મતદારો 20 બેઠકો માટે ચૂંટણીમાં ઉભેલા 50 ઉમેદવારોનું ભાવિ નક્કી કરવા માટે 16 ડિસેમ્બરે વિવિધ કોલેજોના નિયત કરેલા મતદાન મથકો ખાતે મતદાન કરશે.
સવારે 11થી મતદાન શરૂ
યુનિવર્સિટી દ્વારા પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કુલ 28 મતદાન મથકો નિયત કરવામાં આવ્યાં છે, જ્યાં 16-12-2022ના રોજ સવારે 11:00 થી સાંજના 5 કલાક સુધી મતદાન યોજાશે. ચૂંટણીમાં બે મતદાર વિભાગના 6 હરીફ ઉમેદવારો ટપાલથી મતદાન કરશે જ્યારે અન્ય મતદાન મથકો પરથી મતદારો દ્વારા ગુપ્ત મતદાન કરશે.
28 મતદાન કેન્દ્રોની વ્યવસ્થા ગોઠવાઈ
​​​​​​​યુનિવર્સિટીના કુલસચિવ અને ચૂંટણી અધિકારી ડો. આર. એન. દેસાઈએ ચૂંટણી અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટી સેનેટની 16 તારીખે યોજાનાર ચૂંટણી અંતર્ગત મોટાભાગની તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. યુનિવર્સિટી સંલગ્ન 5 જિલ્લાની સરકારી અને ગ્રાન્ટ એઇડ કોલેજોમાં 28 મતદાન કેન્દ્રોની વ્યવસ્થા ગોઠવાઈ છે. આ ઉપરાંત ચૂંટણી પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે પ્રિન્સિપાલ કક્ષાના પાંચ ઝોનલ ઓફિસર અને તેમના સહયોગમાં ક્લાર્કની નિમણૂક કરાઈ છે.
​​​​​​​જિલ્લાના તમામ 28 મતદાન કેન્દ્રો પર સીસીટીવી કેમેરાની નજર હેઠળ સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન યોજાશે અને સાંજે 5:00 વાગે મતદાન પૂર્ણ થયા બાદ મતદાન કેન્દ્રો ખાતેના સીસીટીવી ફટેજ યુનિવર્સિટીમાં જમા કરાવાશે. ડો. રોહિત દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, દરેક મતદાન કેન્દ્રમાં એક ચૂંટણી અધિકારી, બે મદદનીશ અને એક સેવક મૂકવામાં આવ્યા છે. યુનિવર્સિટી ખાતેથી રૂટ પ્રમાણે જુદી જુદી ગાડીઓમાં મતદાનને લગતું મટીરીયલ અને મતપેટીઓ મોકલવામાં આવશે અને 16 ડિસેમ્બરે સાંજે મતદાન પૂર્ણ થયા બાદ તમામ મતપેટીઓ યુનિવર્સિટીના સ્ટ્રોંગ રૂમમાં લાવવામાં આવશે.
​​​​​​​જુદાજુદા છ મતદાર વિભાગોના કુલ 14,632 મતદારો
આ સીલબંધ તમામ મતપેટીઓ સીસીટીવીની દેખરેખમાં રખાશે અને 18 મી ડિસેમ્બરે સવારે 11 વાગ્યાથી પાટણ યુનિવર્સિટી કેમ્પસમાં એમએસસી આઈટી વિભાગમાં મતગણતરી હાથ ધરાશે. જુદાજુદા છ મતદાર વિભાગોના કુલ 14,632 મતદારોમાં સૌથી વધુ મહેસાણા જિલ્લામાં 4857 મતદારો નોંધાયા છે. બનાસકાંઠા જિલ્લામાં 4507, પાટણ જિલ્લામાં 2455, સાબરકાંઠા જિલ્લામાં 2137 અને અરવલ્લીજિલ્લામાં 676 મતદારોનો સમાવેશ થાય છે.
​​​​​​​મતદારોને તેમના ઓળખકાર્ડ સ્પીડ પોસ્ટ મારફતે મોકલી આપવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું હતું. ચૂંટણીને લઈને હરીફ ઉમેદવારો દ્વારા અંતિમ તબક્કાનો પ્રચાર હાથ ધરાયો હતો તો કેટલાક ઉમેદવારો દ્વારા તેમના હરીફ ઉમેદવારોએ તેમને ટેકો જાહેર કર્યો હોવાનું પણ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...