પાટણ શહેરમાં નશા મુક્તિ સેન્ટરમાં દાખલ યુવકના મૃત્યુ તેમજ લણવા ખાતે મારપીટની ઘટનાના પગલે નશા મુક્તિ સેન્ટરો ચર્ચાનો મુદ્દો બન્યા છે ત્યારે આ સેન્ટરો શરૂ કરવા માટે કઈ કઈ શરતો હોય છે અને તે મુજબ વ્યવસ્થા ,કામગીરી કરાઈ છે કે કેમ કે અંગે પોલીસ દ્વારા વેરિફિકેશન કરવામાં આવનાર છે .
દરમિયાન આવા સેન્ટરોમાં જો એલોપેથીક દવા આપવામાં આવતી હોય તો માનસિક રોગના નિષ્ણાત તબીબ રાખવા જરૂરી બને છે તેવો મત તબીબી સુત્રોએ જણાવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે પૂછપરછ માટે પાટણના કેન્દ્રના ટ્રસ્ટીઓને બોલાવવામાં આવ્યા છે. ટ્રસ્ટીઓની પૂછપરછ પછી આવા સેન્ટરો માટે કોઈ ચોક્કસ ગાઈડલાઈન બની શકે કે કેમ તે જોવામાં આવશે.
પાટણ ખાતે સરદાર કોમ્પલેક્ષમાં ચાલતા જયોના નશા મુક્તિ સેન્ટરમાં સંચાલકો દ્વારા તેમાં નશાના વ્યસનમાંથી છોડાવવા ભરતી કરાયેલા યુવક સાથે અમાનવીય અત્યાચાર કરાતા તેનું મોત થયું હતું .આ કેસમાં આરોપીઓ પકડી લેવાયેલા છે અને કાયદેસર કાર્યવાહી ચાલી રહી છે .
આવા કેન્દ્રો કેવી શરતોથી ચાલી શકે છે તે અંગે ઘટનાની તપાસ ચલાવી રહેલા પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ મેહુલ પટેલને પૂછતાં તેમણે જણાવ્યું કે સંસ્થાના ટ્રસ્ટીઓને બોલાવવામાં આવ્યા છે. તેઓ સાથે પૂછપરછ કરાશે. જેમાં રજીસ્ટર થયેલા કેન્દ્રમાં કયા પ્રકારની વ્યવસ્થા અને પ્રવૃત્તિ કરવાની હોય છે તેનું વેરિફિકેશન કરાશે. સેન્ટરમાં યોગ શિક્ષક સૌરભ પટેલ નીતિન પટેલ દ્વારા યોગ અભ્યાસ કરાવાતો હતો તેવુ તપાસમાં જણાયુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.