પાટણ જયોના નશા મુક્તિ કેન્દ્ર કેસના આરોપી કમલીવાડા ગામના સંદીપ પટેલે મહેસાણાના ભાંડુ ખાતે શરૂ કરેલા વિશ્વા નશા મુક્તિ કેન્દ્ર મંજૂરી વગર ચાલતું હોવાનો પોલીસ તપાસમાં પદૉફાશ થયો છે. વિશ્વા નશા મુક્તિ કેન્દ્રની નોંધણી થઈ ન હોય તો યોગ્ય કાર્યવાહી કરવા માટે પાટણ પોલીસે મહેસાણા ચેરિટી કમિશનરને રિપોર્ટ કર્યો છે.
પાટણના સરદાર કોમ્પલેક્ષમાં ચાલતા જયોના નશા મુક્તિ કેન્દ્રમાં સારવાર માટે આવેલા મોટીદાઉના હાર્દિક સુથારને સંચાલક સંદીપ છગનભાઈ પટેલ સહિતના શખ્સોએ મારપીટ કરતા યુવકનું મોત થયું હતું.આ કેસમાં પોલીસે જયોના નશા મુક્તિ કેન્દ્ર મામલે તપાસ કરતાં જયોના નશા મુક્તિ કેન્દ્રનું સુરત ચેરિટી કમિશનર કચેરીમાં સપ્ટેમ્બર 2022માં સંચાલક હર્ષદ પટેલના નામે રજીસ્ટ્રેશન થયેલું છે. આ કેસમાં પકડાયેલા કમલીવાડા ગામના સંદીપ છગનભાઈ પટેલ મહેસાણાના ભાંડુ ખાતે વિશ્વા નશા મુક્તિ કેન્દ્ર ચલાવતો હોવાથી પોલીસે તેની આ સંસ્થાની મંજૂરી મેળવ્યા બાબતે પૂછપરછ કરતા સંસ્થાની મંજૂરી માટે તેણે પ્રક્રિયા કરી હોવાનો પોલીસ સમક્ષ દાવો કરતા પોલીસે વિશ્વા નશા મુક્તિ કેન્દ્ર મામલે તપાસ કરી છે.
જેમાં વિશ્વા નશા મુક્તિ કેન્દ્રને મંજૂરી મળી છે કે કેમ તેની તપાસ માટે પાટણ પોલીસે મહેસાણા ખાતે ચેરિટી કમિશનરમાં તપાસ કરી હતી પરંતુ આ સંસ્થાનું મહેસાણા ચેરિટી કમિશનરમાં રજીસ્ટ્રેશન થયેલું ન હોવાનો પોલીસ ની તપાસમાં પદૉફાશ થયો છે. ત્યારે વિશ્વા નશામુક્તિ કેન્દ્રની નોંધણી થઈ ન હોય તો યોગ્ય કાર્યવાહી કરવા માટે પાટણ પોલીસે મહેસાણા ચેરિટી કમિશનરને રિપોર્ટ કર્યો છે. તેવુ પાટણ પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું. પાટણ જયોના નશા મુક્તિ કેન્દ્ર કેસમાં પકડાયેલા મહેશ નટવરભાઈ રાઠોડ જૈનેશ રાજેશભાઈ તાડા ગૌરાંગ ઈશ્વરભાઈ રાંદેરી અને જયદીપ રૂપાપરાના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરતા સુજનીપુર જેલમાં મુકવા આદેશ કર્યો હતો.
વિશ્વા નશા મુક્તિ કેન્દ્ર 13 દિવસમાં જ બંધ થઈ ગઈ
ભાંડુ ખાતે વિશ્વા નશા મુક્તિ કેન્દ્ર 2 માર્ચથી એટલે કે 13 દિવસ અગાઉ જ શરૂ થયું હતું. પાટણ જયોના નશા મુક્તિ કેન્દ્રમાં યુવકની મોતની ઘટના બનતા કમલીવાડાનો સંદીપ પટેલ નશો છોડવા માટે આવેલા 12 જેટલા દર્દીઓને ભાંડુ વિશ્વા નશામુક્તિ કેન્દ્રમાં લઈ ગયો હતો.તે સિવાય બીજા બે દર્દીઓ હતા પાટણ પોલીસે ભાંડુ કેન્દ્રની મુલાકાત કરી ત્યારે 14 જેટલા દર્દીઓ હતા પરંતુ પાટણની ઘટના પ્રકાશમાં આવતાં વિશ્વામાં સારવાર લેતાં દર્દીઓને તેમના સગા સંબંધીઓ ઘરે લઈ ગયા હતા. મંગળવારે છેલ્લો સુરતનો દર્દીને પણ સગાસંબંધી લઈ ગયા હતા.હાલમાં સંસ્થા બંધ થઈ ગઈ છે. આ દર્દીઓ પાસે માસિક રૂ.10,000 ફી નક્કી કરીી હતી. આ સંસ્થાની રજીસ્ટ્રેશન માટે મહેસાણા ચેરિટી કમિશનરમાં નોંધણી કરાવવાની થતી હતી પરંતુ ત્યાં નોંધણી કરાવેલી ન હતી તેવું પાટણ પોલીસે જણાવ્યું હતું.
ઘટના નજરે જોનાર સાક્ષીઓના નિવેદન લીધા
પાટણના જયોના નશા મુક્તિ કેન્દ્રમાં સારવાર માટે આવેલા હાર્દિક સુથારને પ્લાસ્ટિકની પાઇપથી મારપીટ કરતા મૃત્યુ થયું હતું. આ ઘટનાને નજરે જોનાર 11 જેટલા સાક્ષીઓના પોલીસે નિવેદન લીધા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.