પાટણના કુણઘેર હાઇવે પર બે દિવસ અગાઉ રાત્રિના સમયે આંગડીયા પેઢીના કર્મચારીને રીક્ષાચાલક સહિત તેના સાગરીતોએ ગેરકાયદેસર મંડળી રચી છરીની અણીએ રોકડ રકમની લૂંટ ચલાવી હતી. જે ઘટનાનો પાટણ તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં પર્દાફાશ કરી લૂંટનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે રીક્ષાચાલક તેમજ 3 ઈસમો મળી કુલ ચાર આરોપીઓની અટકાયત કરી છે.
આ બાબતે પોલીસ સુત્રો તરફથી મળતી હકીકત મુજબ પાટણ તાલુકાના અડીયા ગામના વતની અને પાલીતાણાની આંગડીયા પેઢીમાં ફરજ બજાવતા જયેશ લાલા પટેલ દિવાળીના તહેવારો હોવાથી ગત તારીખ 1 નવેમ્બરના રોજ પાલીતાણાથી અડીયા ગામે આવવા નીકળ્યા હતા.
આ દરમિયાન રાત્રિના સમયે પાટણ ડેપો ખાતે આવી નવજીવન ચાર રસ્તા પાસેથી અડીયા જવા માટે રીક્ષામાં બેઠા હતા. ત્યારે રીક્ષાચાલકે કુણઘેર નજીક પહોંચતા તેના સાગરીતોને ફોન કરી બોલાવ્યાં હતા. જેથી અન્ય ઇસમોએ બાઇક ઉપર આવી કુણઘેર રોડ નજીક આંગડીયા પેઢીના કર્મચારી જયેશ પટેલને છરી બતાવી રોકડ રૂપિયા 4 હજાર તેમજ મોબાઇલની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.
આ ઘટના અંગે જયેશ પટેલે પાટણ તાલુકા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી હતી. જેથી જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર તાલુકા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ ટેકનોલોજીના ઉપયોગથી ગુનાની ઉંડાણપૂર્વક તપાસ કરી હતી.
પોલીસે લૂંટની ઘટનાને અંજામ આપનારા રીક્ષાચાલક સહિત અન્ય 3 ઇસમો મળી કુલ ચાર આરોપીઓની અટકાયત કરી હતી. આ ઉપરાંત પોલીસે લૂંટમાં વપરાયેલી રીક્ષા, બાઇક સહિત મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. ઝડપાયેલા ઈસમો સામે પાટણ તાલુકા પોલીસે લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.