રજૂઆત:પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઇ પાટણમાં ડ્રાઇવર એસોસિયેશનને ડીડીઓને આવેદનપત્ર આપ્યું

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડ્રાઈવરોએ તેમની ગાડીઓ મૂકી દઈ જિલ્લા પંચાયત ખાતે સૂત્રોચ્ચાર કર્યા

પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસ, ખાદ્યતેલ, અનાજ સહિત જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓમાં થઈ રહેલા અસહ્ય ભાવવધારા અને વધતી મોંઘવારીને લઈને વિવિધ વિભાગોના કર્મચારીઓ પગાર વધારાની માંગણી કરતા રહ્યા છે. ત્યારે પાટણ જિલ્લામાં જિલ્લા પંચાયત આરોગ્ય ક્ષેત્રે કરાર આધારીત વાહન સેવા પૂરી પાડતા ડ્રાઈવરોએ સીએનજી સહિત વાહનોના બળતણના ભાવોમાં થયેલ અધધ વધારાને ધ્યાને લઇ તેમના વ્હીકલના પગાર ભાવમાં વધારો કરી આપવામાં આવે તેવી માંગણી સાથે ડીડીઓને આવેદનપત્ર આપી માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી અચોક્કસ મુદતની હળતાળનું એલાન કર્યું હતું.

પાટણ જિલ્લાના આરબીએસકે, પીએચસી ડ્રાઇવર એસોસિયેશનના બેનર હેઠળ તમામ ડ્રાઈવરોએ તેમની ગાડીઓ મૂકી દઈને જિલ્લા પંચાયત ખાતે એકત્ર થઈ તેમની માંગણીઓ બાબતે સૂત્રોચ્ચાર કર્યા હતા અને વાહનોના પગાર ભાવમાં વધારો કરી આપવામાં આવે તે બાબતે ડીડીઓ ડી.એમ.સોલંકી અને આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.

ડ્રાઇવર એસોસિયેશને આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, પાટણ જિલ્લા પંચાયતના કુલ 9 તાલુકાના તાલુકા હેલ્થ કચેરીઓ ખાતે તારીખ 1 જુલાઈ 2016 થી આઉટસોર્સથી આર.બી. એસ.કે., પીએસસીની ગાડીઓ બાંધેલ ત્યારે સીએનજીના ભાવ 42 રૂપીયા હતો જે વધીને આજે 85 રૂપિયા થયો છે.

તારીખ 1-7-2016 થી એજન્સી દ્વારા અમોને ફક્ત 16,300 રૂપિયા ગાડીનું બિલ ચૂકવવામાં આવે છે જે હાલની અસહ્ય મોંઘવારી જોતાં આ ભાવ પોષાય તેમ નથી. કારણ કે, સીએનજી અને પેટ્રોલ ડીઝલના બળતણના ભાવમાં અધધ વધારો થયેલ છે અને અમારા તમામ વાહનો ટેક્સી પાર્સિંગ હોવાથી દર વર્ષે તેનો વીમો પણ વધુ આવે છે. જેથી અત્યારે તેમને 1500 કિલોમીટરના 16,300 રૂપિયા ચૂકવવામાં આવે છે એ વધારીને રૂપિયા30,000 કરવામાં આવે અને 2000 કિ.મી. કરી આપવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી.

આ ઉપરાંત તેમના પગાર સમયસર મળે તેવી વ્યવસ્થા કરી આપવામાં આવે અને તેમના વાહનો કમસેકમ મોડેલ અનુસાર પાંચ વર્ષ સુધી ચાલે તેમ કરી આપવામાં આવે તેવી માગણી રજૂ કરવામાં આવી હતી.

આ ઉપરાંત તેમનો પગાર તાલુકા હેલ્થ કચેરી કક્ષાએથી થાય તેવી પણ માગણી કરવામાં આવી હતી. તેમજ આ તમામ વાહનોને આરબીએસકે બ્રાન્ડિંગ કરવાનું કહેવામાં આવે છે ત્યારે તેમાં આખી ગાડી પર સ્ટીકર લગાવવામાં આવે છે તે અંગે પણ તૈયારી દર્શાવીને આ ડ્રાઇવરો દ્વારા તે પ્રમાણે ભાવ પણ મળવા જોઈએ એવી પણ લાગણી માંગણી વ્યક્ત કરવામાં આવી હતી. જો તેમની માગણીઓ બાબતે ઝડપથી યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાલ ઉપર જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...