તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:સાધ્વી પ્રાચિએ મહાત્મા ગાંધીની બદનક્ષી કર્યાની ફરિયાદ ડિસમિસ કરતો હુકમ પાટણની સેશન્સ કોર્ટ માન્ય રાખ્યો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફરિયાદ કરવાના હુકમને પડકારતી રિવિઝન અરજી પાટણ સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર
  • 5 વર્ષ અગાઉ મહાત્મા ગાંધી ફાઉન્ડેશનના પ્રમુખે કરેેલી ફરિયાદ નીચલી કોર્ટે ડિસમિસ કરેલી

વિશ્વ હિન્દુ પરિષદના સાધ્વી પ્રાચીએ તેમના એક ભાષણમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને બ્રિટીશ એજન્ટ કહીને તેમની બદનક્ષી કરી હોવાની ફરિયાદ 5 વર્ષ અગાઉ પાટણની જયુડીશીયલ કોર્ટ દ્વારા રદ કરી હતી, તેને પડકારતી રિવિઝન અરજી પાટણ સેશન્સ કોર્ટ દ્વારા રદ કરી નીચલી કોર્ટના હુકમને કાયમ રાખવાનો આદેશ કર્યો છે. મહાત્મા ગાંધી યુથ ફાઉન્ડેશન પાટણના પ્રમુખ લાલેશ ઠક્કર દ્વારા 20 મે 2015ના રોજ વિશ્વ હિન્દુ પરિષદના સાધ્વી પ્રાચી અને રાજ્ય સરકાર વિરુદ્ધ પાટણ જયુડિશિયલ કોર્ટમાં ઈપીકો કલમ 500, 501 અને 502 મુજબ ફરિયાદ મહાત્મા ગાંધીની બદનક્ષી અંગે નોંધાવી હતી.

સાધ્વી પ્રાચીએ ઉત્તર પ્રદેશના બહેરાઈચ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના સમારોહમાં તેમના ભાષણમાં મહાત્મા ગાંધીને બ્રિટીશ એજન્ટ ગણાવ્યા હતા તેવા સમાચાર પાટણના સ્થાનિક અખબારોમાં પ્રસિદ્ધ થયા હતા. તેના આધારે લાલેશ ઠક્કર દ્વારા ફરિયાદ આપેલી. જેમાં ચીફ જ્યુડીશીયલ કોર્ટ દ્વારા 26 ફેબ્રુઆરી 2018ના રોજ ફરિયાદ ડિસમિસ કરવાનો હુકમ કર્યો હતો.તેનાથી નારાજ થઈને લાલેશ ઠક્કર દ્વારા પાટણ સેશન્સ કોર્ટમાં તે હુકમને પડકાર્યો હતો.

આ કેસ પાટણના સેશન્સ જજ દિલીપ હિંગુ સમક્ષ ચાલી જતા સાધ્વી પ્રાચી તરફે વકીલ જયોત્સનાબેન નાથ, સરકાર તરફ સરકારી વકીલ મિતેષ પંડ્યા અને અરજદાર તરફે વકીલ પંકજ વેલાણીની રજૂઆતો સાંભળ્યા બાદ રિવિઝન અરજી નામંજુર કરવાનો અને નીચલી કોર્ટનો હુકમ કાયમ રાખવાનો આદેશ કર્યો હતો. આ કેસમાં ફરિયાદને સમર્થન મળે તેવો કોઇ પુરાવો રજૂ થયો નથી અને નીચલી કોર્ટનો હુકમ કાયદેસર વ્યાજબી અને વિવેકબુદ્ધિ પૂર્વકનો હોવાનું સેશન્સ કોર્ટે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...