હાલો ભેરૂ ગામડે:પાંચ ગામ લેઉવા પાટીદાર બાળકોને ‘આપણા ગામની ઓળખ’ કેમ્પમાં ગ્રામ્ય સંસ્કૃતિાના દર્શન કરાવાશે

પાટણ25 દિવસ પહેલાલેખક: હિરેન વ્યાસ
  • કૉપી લિંક
  • દેશ-વિદેશમાં રહેતાં સમાનજન ધો-5થી 12ના બાળકો માટે મણુંદમાં 3 દિવસનો સમર કેમ્પ

આજના બાળકોને ગ્રામ્ય જીવન અને સ્વાવલંબનથી સક્ષાત્કાર કરાવવા માટે ‘પાંચ ગામ લેઉવા પાટીદાર દ્વારા ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશમાં વસતા ધોરણ 5થી 12ના સમાજના બાળકોનો ત્રણ દિવસનો ‘આપણા ગામની’ ઓળખ વિષય પર 7થી 9 જુન એમ ત્રણ દિવસ સમર કેમ્પનું આયોજન મણૂંદ ગામમાં કરવામાં આવ્યું છે. જેમાં નાશીક, પૂના, સૂરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, મહેસાણા મળી સમગ્ર રાજ્યમાંથી 200 ઉપરાંત બાળકો ભાગ લેવાના છે.

સમર કેમ્પમાં દરરોજ બાળકોને ખેતર સીમમાં ગાડા અને ઊંટ ગાડીમાં બેસી ખેતરોની મુલાકાત કરાવી પોતાના ગામના સીમાડાઓ, પાડોશી ગામોની ઓળખ અને પોતાના ગામની જમીન તેમજ વિવિધ ઋતુમાં થતાં પાકોની સમજ આપવામાં આવશે. ગામના ટ્યુબવેલમાં ખુલ્લામાં ન્હાવાની અને પોતાના પલળેલા કપડાં જાતે ધોઈને સુકવવાની પણ એક્સપોઝર આપવામાં આવનાર છે.

દૈનિક સવારે પ્રભાતફેરી દ્વારા સમગ્ર ગામની પ્રદક્ષિણા કરી અબોલ જીવો માટે રામનામ સાથે ચણ ઉઘરાવીને દિવસની શરૂઆત થશે. સાથે યોગ તેમજ આરોગ્ય શિક્ષણ પણ આપવામાં આવશે. મોબાઇલ અને ટેક્નોલોજીના વધારે પડતા વળગળથી ભૂલાઇ ગયેલી લખોટી, આંબલી પીંપળી, મોઇ-દાંડિયો, સાતોલિયાં જેવી અનેક રમતો રમાડવામાં આવશે. બપોરે ગામના આંબાવાડિયામાં વન ભોજન કરાવાશેે. વર્ષોથી શહેરોમાં રહેતા બાળકો પોતાના ગામને માત્ર નામથી જ જાણે છે પણ,’ પોતાના ગામના આત્માને ઓળખવવાનો અને સંવેદનાસભર આત્મિયતાથી જોડાવવા માટેનો આ પ્રયાસ છે.

સાંજે ગામના અલગ અલગ અપરિચિત ગ્રામ્યવાસીઓના ઘરે ‘પરિવાર પ્રિતિ ભોજનનું’ આયોજન ગોઠવ્યું છે. જેના કારણે વિધાર્થીઓને આ પરિવાર સાથે ભવાત્મક રીતે જોડાઈ શકશે.ત્રણ દિવસ દરમિયાન બાળકો રાત્રી નિવાસ તેમના માતા-પિતા વગર જ કરશે. અને તેઓ એક નવાજ સંબંધો અને મિત્રો બનાવી શકશે.

દર વર્ષે એક એક ગામમાં કેમ્પ કરાશે
પાંચ ગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ પાટણ શહેર પ્રમુખ ભારતીબેન પટેલે જણાવ્યું હતું કે હવે દર વર્ષે વારાફરતી પાંચ ગામમાં આ રીતે સમર કેમ્પ કરવામાં આવશે. આ કેમ્પમાં જોડાવવા બાળકોના રજીસ્ટ્રેશન માટે ગુગલ ફોર્મની લિંક વોટ્સએપના માધ્યમથી શેર કરી હતી. માત્ર દસ દિવસમાં 157 બાળકોનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે.

અન્ય સમાચારો પણ છે...